આ ઉમેદવારની હિંમતને દાદ દેવી પડે, 6 વખત ચૂંટણી હાર્યા છતા ફરી લોકસભા લડશે
Loksabha Election : વડોદરા લોકસભા ચૂંટણીમાં 14 ઉમેદવારો મેદાને, 6 વાર ચૂંટણી હારનાર તપનદાસ ગુપ્તા ફરી ચૂંટણી લડશે, પોતાની વાનને શણગારીને તેઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા
Trending Photos
Vadodara Loksabha Seat : સોમવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખે વડોદરા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. વડોદરા બેઠક ઉપર 14 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેઓ માટે મતદાન યોજવામાં આવશે. સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એકેય ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું ન હતું. અને મુખ્ય પક્ષો ભાજપા, કોંગ્રેસ અને બસપા ઉપરાંત 7 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.
કયા ઉમેદવારો મેદાનમાં રહ્યા
- ડો. હેમાંગ જોષી – ભાજપ
- જશપાલસિંહ પઢીયાર – કોંગ્રેસ
- અમિતકુમાર જાદવ – બસપા
- હાર્દિક દોશી – સત્યવાદી રક્ષક પાર્ટી
- તપનદાસ ગુપ્તા – SUCI
- અનીલકુમાર શર્મા – હિન્દૂ રાષ્ટ્ર સંઘ
- પાર્થિવ દવે – રાઈટ ટુ રિકોલ પાર્ટી
- હેમંત પરમાર – અપક્ષ
- નીલકંઠ મિસ્ત્રી – અપક્ષ
- મયુરસિંહ પરમાર – અપક્ષ
- અતુલ ગામેચી – અપક્ષ
- નિલેશ વસઈકર – અપક્ષ
- રાહુલ વ્યાસ – અપક્ષ
- રાજેશ રાઠોડ – અપક્ષ
વડોદરા લોકસભાની ચૂંટણીમાં એક અનોખા ઉમેદવાર જોવા મળી રહ્યાં છે. આ ઉમેદવાર પહેલીવાર જોવા મળ્યા છે એવુ જરા પણ નથી. તેમણે અસંખ્યવાર ચૂંટણીમાં ઉમેદવારી કરી છે. ડિપોઝીટ જપ્ત થવા છતા પણ તેઓ હિંમત હાર્યા નથી. અગાઉ 6 ચૂંટણીમાં હાર બાદ પણ ઉમેદવાર હિંમત નથી હાર્યા. SUCI (સી) પક્ષના ઉમેદવાર તપનદાસ ગુપ્તા ફરી એકવાર લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતર્યા છે. હાલ તેઓ પોતાની શણગારેલી વાનમાં શહેરમાં ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છે.
આ ઉમેદવારની હિંમતને સલામ
માણસ વારંવાર પડે, પણ જો તે હિંમત ન હારે તો ચાલતા શીખી જાય. બસ, હિંમત હોવી જરૂરી છે. ત્યારે વડોદરાના એક ઉમેદવાર તપનદાસ ગુપ્તા પણ વારંવાર હારવા છતાં હિંમત નથી હારી રહ્યાં. તપનદાસ ગુપ્તા અગાઉ 5 વખત લોકસભા અને 1 વખત વિધાનસભાની ચૂંટણી હાર્યા છે. દરેક ચૂંટણીમાં તપનદાસ ગુપ્તાની ડિપોઝીટ જપ્ત થાય છે. છતાં તેઓ આ વર્ષે ફરી લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં આવ્યા છે. આ વખતે પણ તપનદાસ ગુપ્તા બેટરી ટોર્ચના નિશાન સાથે લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. હાલ તેઓ માત્ર 3 સમર્થકો સાથે શહેરમાં ફરી ફરીને પ્રચાર કરી રહ્યાં છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તપનદાસ ગુપ્તા પેમ્પલેટનું વિતરણ કરી લોકો પાસેથી મત માંગી રહ્યાં છે. આ માટે તેઓએ પોતાની વાનને શણગારી કારમા વિવિધ વિસ્તારમાં ફરીને પ્રચાર કરી રહ્યાં છે. કાર પર ઉમેદવારે પોતાનું બેનર, લાઉડ સ્પીકર અને ચૂંટણીનું નિશાન લગાવ્યું છે. તપનદાસ ગુપ્તા કોમ્યુનિસ્ટ વિચારધારામાં માને છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 3 બેઠકો ઉપર સૌથી વધુ 14 – 14 ઉમેદવારો છે. જેમાં જામનગર, નવસારી અને વડોદરાનો સમાવેશ થાય છે. હવે વડોદરા બેઠક ઉપર ચિત્ર સ્પષ્ટ થઇ જતા વિવિધ પક્ષોએ પોતાનો પ્રચાર પુરજોશમાં વધારી દીધો છે. હવે 14 દિવસ સુધી ચૂંટણી પ્રચારનું ઘમાસાણ જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે