વડોદરામાં કરોડોના ખર્ચે બનેલો રોડ 15 દિવસમાં જ ખોદી નાંખ્યો! CMની સૂચનાને રીતસર ધોઈને પી ગયું તંત્ર
વડોદરામાં સાડા પાંચ કરોડના ખર્ચે બનાવેલો રોડ પંદર દિવસમાં જ ખોદી નાંખ્યો. નવા જ રોડને ખોદી નાંખવામાં આવતા કોંગ્રેસે કર્યો વિરોધ. ખોદકામ માટે પરવાનગી પર ન લેવાઈ હોવાનો ખુલાસો થયો છે.
Trending Photos
જયંતિ સોલંકી/વડોદરા: વડોદરામાં સાડા પાંચ કરોડના ખર્ચે બનાવેલો રોડ પંદર દિવસમાં જ ખોદી નાંખ્યો છે. નવા જ રોડને ખોદી નાંખવામાં આવતા કોંગ્રેસે વિરોધ કર્યો છે. ખોદકામ માટે પરવાનગી પર ન લેવાઈ હોવાનો ખુલાસો થયો છે. મહાનગરપાલિકાના રોડ શાખાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતની પોલ ખુલ્લી પડી હતી. શહેરના પંડ્યા બ્રિજથી નવા યાર તરફના રોડ બનાવવામાં પાંચ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે 15 દિવસમાં જ રોડની કામગીરીની નામે રોડ પર ખાડા ખોદવામાં આવ્યા છે.
મહાનગર પાલિકા દ્વારા 15 દિવસ અગાઉ જ પંડ્યા બ્રિજથી નવા યાર તરફનું 5.50 કરોડ ના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી તે કહેવતની જેમ રોડ બન્યા બાદ તંત્રની બીજી કામગીરી યાદ આવતી હોય છે. રોડ બન્યા બાદ જેટકોના અધિકારીઓનો કામને લઈને જેટકોના કોન્ટ્રાક્ટરો દ્વારા નવા બનેલા રોડ ઉપર ઠેર ઠેર ખાડા ખોદી નાગરિકોના ટેક્સના નાણાંનું વેડફાટ મહાનગરપાલિકાના ભષ્ટ અધિકારીઓ દ્વારા કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ખાડામાં ઉતરીને મહાનગરપાલિકાના ભષ્ટાચારનો વિરોધ કરવામાં આવ્યો હતો.
મહાનગર પાલિકાના રોડ શાખાના કાર્યપાલક ઈજનેર પ્રશાંત જોષીને સમગ્ર મામલે સવાલ કરતા રોડ ઉપર થતા કામથી અજાણ હોવાનો દાવો કર્યો હતો. પંડ્યા બ્રિજથી નવાયાર્ડ તરફનો 5.50 કરોડના ખર્ચે થોડા સમય અગાઉ રોડ બનાવાયો હતો. પરવાનગી લીધા વિના કોન્ટ્રાકટર દ્વારા ખોદકામ કરાયું છે તે તત્કાલીન કામ બંધ કરવામાં આવ્યું છે.
નિયમ મુજબ જેટકોના કોન્ટ્રાકટરે નવા રોડને ખોદવાની પરવાનગી રોડ શાખા પાસે લીધી નથી. રોડ પર કામગીરી કરાવવા અનિવાર્ય સંજોગોમાં વિભાગની સક્ષમ મંજૂરી લેવી જરૂરી છે. જે પરવાનગી લીધી ન હતી, જેના કારણે MGVCL નાં કોન્ટ્રાકટરને નોટીસ ફટકારાશે. રોડને થયેલા નુકશાનની ભરપાઈ કોન્ટ્રાકટરે કરવાની રહેશે. નુકશાન થયેલ રોડ કોન્ટ્રાક્ટરે સ્વ ખર્ચે બનાવી આપવો પડશે.
મોટા ભ્રષ્ટાચાર બાદ તંત્ર સાધુ બની જાગતો હોય છે અને કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરતું હોય છે, પરંતુ અગાઉ રોડ બન્યા બાદ ખાડા ખોદવા મામલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ નવા રોડને નહિ ખોદવાની ટકોર કરી છે. પરંતુ પાલિકાના અધિકારીઓ માટે શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ સર્જાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે