માત્ર એક મોબાઈલ ખરીદવાની લ્હાયમાં ભગવાનના ધામમાં પાડી ધાડ! તિસરી આંખમાં એવો ભરાયો કે...
શહેરના જેતલપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરની દાન પેટી તોડી તેમાં રહેલા અંદાજિત રૂ. 44 હજારની રોકડ રકમની ચોરી કરી પલાયન થઇ જતા મંદિરના પૂજારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: તમે સામાન્ય રીતે કોઈના મકાન કે દુકાનમાં ચોરીની ઘટના બની હોય તેવા સમાચાર સાંભળ્યા હશે. ત્યારે હવે તસ્કરોના ત્રાસથી ભગવાનના મંદિરો પણ બાકાત નથી. શહેરમાં તરખાટ મચાવતા એક રીઢા તસ્કરે માત્ર નવો મોબાઈલ ખરીદવાની લ્હાયમાં ભગવાનના ધામમાં ધાડ પાડી હતી. પરંતુ મંદિર બહાર લાગેલી તિસરી આંખમાં તે આબાદ ઝડપાઈ જતાં આખરે તેને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે.
વડોદરા શહેર જિલ્લામાં ઠંડીની શરૂઆતની સાથે જ તસ્કરો આતંક મચાવી રહ્યા છે અને બે દિવસ પૂર્વે તસ્કરોના આંતકનો શિકાર ખુદ ભગવાન ભોલેનાથ બન્યા હતા અને એ પણ બીજી વખત, શહેરના જેતલપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરની દાન પેટી તોડી તેમાં રહેલા અંદાજિત રૂ. 44 હજારની રોકડ રકમની ચોરી કરી પલાયન થઇ જતા મંદિરના પૂજારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીંસના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં મંદિરમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ મંદિરનો વહીવટ મામલતદાર દ્વારા કરવામાં આવે છે અને વર્ષમાં માત્ર એક વખત મામલતદારની હાજરીમાં અહીંની દાનપેટી ખોલવામાં આવે છે. જેથી દાનપેટીમાં મુકેલી રોકડ રકમની રાતના અંધારામાં ચોરી થઈ જતાં પૂજારીનો જીવ તાળવે ચોંટ્યો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીંસના આધારે તપાસ કરતા બાતમી મળી હતી કે, નવાયાર્ડ આશાપુરી રોશણનગર માં રહેતો રીઢો ગુનેગાર શાહનેઆઝમ ઉર્ફે પીચકો શમસુલ પઠાણને મંદિરમાં ચોરીની વારદાતને અંજામ આપ્યો છે જેથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા ગુનેગાર શાહનેઆઝમને નવાયાર્ડ ડી કેબીન પાસે થી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તે તૂટી પડ્યો અને મંદિરમાં દાન પેટી માંથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે શાહનેઆઝમની અટકાયત કરી અકોટા પોલીસને હવાલે કર્યો હતો.
અકોટા પોલીસની પ્રાથમિક પુછપરછમાં રીઢા ગુનેગાર શાહનેઆઝમએ કબૂલાત કરી હતી કે, તેને જેતલપુર રોડ પર આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરી તે ચોરીના પૈસામાંથી નવો મોબાઇલની ખરીદી કરી હતી. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને ચોરીના રોકડ 1,810 રૂપિયા જપ્ત કર્યા હતા. શાહને આઝમ પઠાણ અગાઉ 8 ઘરફોડ ચોરી સહિતના ગુનાઓમા ઝડપાયેલો છે અને પાસા હેઠળ પણ જેલમાં જઈ આવ્યો છે. ત્યારે પોતાના કુકર્મને કારણે તેને ફરી એક વખત જેલમાં જવાનો વારો આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે