ડાકુઓ કરતા પણ ખૂંખારુ લૂંટારુ ગેંગ પકડાઈ, દક્ષિણ ગુજરાતમાં મચાવ્યો હતો હાહાકાર
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લા એલસીબી પોલીસે વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર છેવાડાના વિસ્તારમાં ચોરી લૂંટ ધાડ જેવા અનેક ગંભીર ગુનાઓને અંજામ આપતી એક ખૂંખાર લૂંટારુ ટોળકીના 2 માસ્ટર માઇન્ડ સાગરીતોને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. 6 થી વધુ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ત્યારે ઉમરગામના સંજાણમાં થયેલ એક હત્યાનો ગુનો ઉકેલાયો છે.
કેવા કારનામા છે આ ખુંખાર ગેંગના કારનામા
વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે એલસીબીએ વલસાડના કપરાડા તાલુકામાં રહેતા લાલજી લક્ષી વળવી અને વિઠ્ઠલ બચુ બરફ નામના બે વ્યક્તિઓની શંકાના આધારે અટકાયત કરી હતી. તેમની તપાસ કરતા તેમના કબજા હેઠળની કારમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ, ચોરી કરવાના સાધનો અને મોબાઈલો મળી આવ્યા હતા. આથી પોલીસે બંનેની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરી હતી. આથી પોલીસનો તાપ સહન ન થતાં બંનેએ પોપટની જેમ પોતાના કારનામાઓની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આરોપી લાલજી વળવી અને વિઠ્ઠલ બચ્ચું બરફ બંન્ને એક ખૂંખાર લૂંટારુ ગેંગના મુખ્ય ભેજાબાજો છે. ગેંગના 3 સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ગેંગ દ્વારા વલસાડ જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના વિસ્તારોમાં આચરેલા 6 ગુનાઓ ડિટેક્ટ થયા છે. બંને આરોપીઓ પર અગાઉ પણ વલસાડ જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રના વિવધ પોલીસ સ્ટેશનોમાં પણ 8 થી વધુ ગુનાઓમાં નામ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આવનાર સમયમાં હજુ પણ આરોપીઓના વધુ ગુનાહિત કારનામાઓ બહાર આવે તેવી શક્યતાઓ લાગી રહી છે.
આ પણ વાંચો : કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે, આદિવાસી ખેડૂતે ટાંકામાં મોતીની ખેતી કરીને બતાવ્યું પોતાનું ટેલેન્ટ
ભગવાનના મંદિરને પણ ન છોડ્યા
આ ગેંગ 20 ઓક્ટોબર, ના રોજ વલસાડ જિલ્લાના ઉમરગામ સંજાણ રોડ પર આવેલા એક બંગલામાં તેમની ગેંગ સાથે ત્રાટકી હતી. જ્યાં તેઓએ બંગલાના વોચમેન એવા રૂપજી હોલિયા ડોલારેના પાણીની પાઈપથી પગ બાંધી અને ત્યારબાદ ગળે પણ પાઇપ વડે ટૂંપો આપી અને તેની હત્યા કરી અને ત્યારબાદ બંગલામાં લૂંટ ચલાવી હતી. ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ અને હત્યાનો ગુનો હવે ઉકેલાઈ ગયો છે. આ સાથે જ આરોપીઓએ ઉમરગામના જ ધોળી પાડા ગામના એક બંગલામાંથી પણ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. તો ધરમપુરના મસ્જિદ ફળિયામાં આવેલી જીઈબીની ઓફિસને પણ છોડી ન હતી. જીઈબીની ઓફિસમાં પણ તિજોરી તોડવા ચોરીનો પ્રયાસ કર્યો હતો. સાથે જ પારડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા ઉદવાડા પરિયા રોડ પર પણ એક જ્વેલર્સની દુકાનને આરોપીઓને નિશાન બનાવી તેમાંથી પણ ચોરી કરી હતી. આમ આરોપીઓએ અત્યાર સુધી લૂંટ હત્યા ધાડ ચોરી જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. ત્યારે ગુનાઓની દુનિયાના શાતિર ગણાતા આરોપીઓએ સરકારી કચેરીઓ કે ભગવાનના મંદિરને પણ છોડ્યા હતા. આરોપીઓએ બે થી વધુ મંદિરોમાં પણ ચોરી કરી હતી.
આ ગેંગના મુખ્ય ભેજાબાજો અને સાગરીત એવા લાલજી લક્ષ્મી વળવી અને વિઠ્ઠલ બચુ બરફ બંન્ને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છે. ગેંગના અન્ય સભ્યો જે વોન્ટેડ છે, તેવા રાજેશ ચંદુ ધાડગા મહારાષ્ટ્રના તલાસરીનો રહેવાસી છે. તો વિજય અને સંતોષ વારલી નામના અન્ય બે આરોપીઓ દાદરાનગર હવેલીના ખાનવેલ વિસ્તારના રહેવાસી છે.
ગેંગની મોડ્સ ઓપરેન્ડી
આ વિશે વલસાડ ડીવાયએસપી મનોજ શર્માએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીના આદિવાસી વિસ્તારના આ ખૂંખાર આરોપીઓએ ગેંગ બનાવી તેઓએ એક પછી એક લૂંટ, ધાડ, ચોરી, હત્યા જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી મહારાષ્ટ્ર પોલીસની સાથે વલસાડ પોલીસને પણ દોડતી કરી હતી. સરકારી કચેરીઓથી લઈ બંગલો અને મંદિરોમાં પણ ચોરીને અંજામ આપી ચૂકયા છે. ધરપકડ બાદ પોલીસે આરોપીઓની તપાસ કરાવતા બંને આરોપીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે