તેલનું એક ટીપું ય પડતુ નથી, છતાં સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય આ ગુજરાતી વાનગી, જે માત્ર શિયાળામાં જ બને છે

Winter Food Umbadiyu : તેલરહિત ઉંબાડીયુ શિયાળા માટે સૌથી ઉત્તમ હેલ્થ ટૉનિક પણ માનવામાં આવે છે. આથી ઉંબાડીયુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોવાથી લોકો હોંશે હોંશે ઉંબાડીયાનો સ્વાદ માણે છે
 

તેલનું એક ટીપું ય પડતુ નથી, છતાં સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય આ ગુજરાતી વાનગી, જે માત્ર શિયાળામાં જ બને છે

Valsad News નિલેશ જોશી/વલસાડ : વલસાડ જિલ્લામાં પણ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે શિયાળામાં કડકડતી ઠંડીમાં ચટાકેદાર વાનગીઓની બોલ બાલા હોય છે. વલસાડ જિલ્લામાં પણ શિયાળામાં ચટાકેદાર આરોગ્યવર્ધક ઉંબાડિયા નામની વાનગીની બોલબાલા છે. કંદમૂળ અને લીલી પાપડીને માટલામાં ભરી તેને બાફીને અનોખી રીતે બનાવવામાં આવતું ઉંબાડીયુ એક વાર ચાખી લો. તો એનો સ્વાદ ક્યારેય ભુલાશે નહિ. આખા શિયાળામાં ઉંબાડીયાની સીઝન ચાલે છે. જે આ વિસ્તારના લોકો માટે કમાણી અને રોજગારનું એક મોટુ માધ્યમ પણ પુરવાર થાય છે. 

ફળોની વાડીઓનો પ્રદેશ વલસાડ એટલે વલસાડ. આ જિલ્લો જગ વિખ્યાત વલસાડી આફૂસ કેરી માટે દુનિયાભરમાં જાણીતો છે. આથી જે રીતે ઉનાળામાં વલસાડની કેરીની બોલબાલા હોય છે. એવી રીતે શિયાળામાં વલસાડ જિલ્લામાં ટમટમતા ચટાકેદાર ઉંબાડીયાની બોલબાલા રહે છે. ઉંબાડીયું વલસાડ જિલ્લામાં શિયાળાની સૌથી ફેવરિટ વાનગી છે. 

ઉંબાડીયુ કેવી રીતે બને છે???
ઉંબાડીયુ મુખ્યત્વે શિયાળામાં મળતા શક્કરિયા, રતાળુ, બટેટા જેવા કંદમૂળ અને લીલી પાપડીમાંથી બને છે. ઉંબાડીયાની એક વિશેષતા એ છે કે એમા એક પણ ટીપું તેલનું વપરાતું નથી. ઉંબાડીયુ બનાવવા માટે શક્કરિયા, રતાળુ અને બટેટા અને લીલી પાપડીને સાફ કરીને તેમાં હળદર સહિત અન્ય દેશી મસાલાને ભરીને તેને આ વિસ્તારમાં મળતી એક વિશેશ વનસ્પતિમાં વીંટાળીને માટીના માટલામાં ભરીને પેક કરી દેવામાં આવે છે. ત્યાર બાદ લાકડા અને છાણાંના સળગતા ભઠા પર માટલાને ઉંધુ કરીને મૂકવામાં આવે છે. લાંબા સમય સુધી તેને તપાવીને પછી એ ગરમા ગરમ બાફેલા ઉંબાડિયાને લીલા મરચાં ધાણાંની તીખી ચટણી સાથે ખાવા માટે તૈયાર થઈ જાય છે.

તેલનું એક ટીપું ય વપરાતું નથી 
ઉંબાડીયાની બોલબાલા એટલી છે કે શિયાળામાં નાનાથી લઈને મોટા લોકોને ઉંબાડીયાના સ્વાદનો ચસ્કો લાગે છે. જંક ફૂડના જમાનામાં તેલ વિના તૈયાર થયેલ તીખા તમતમતા ચટાકેદાર ઉંબાડીયાનો ચસ્કો નાના બાળકોથી લઈ મોટા લોકોને લાગે છે અને ઉંબાડીયાના સ્ટોલ પર લોકો ઉંબાડીયાના સ્વાદની મોજ માટે ઉમટી પડે છે. મહત્વપૂર્ણ છે કે ઉંબાડીયામાં કોઇ પણ રીતે બનાવવા માટે એક પણ તેલનું ટીપું વપરાતું નથી. સંપૂર્ણ તેલ રહિત માત્ર કંદમૂળને માટીના માટલામાં બાફીને બનાવવામાં આવતું હોવાથી તેના સ્વાદ સાથે ઉંબાડીયાની સુગંધ પણ લોકોને તેના તરફ આકર્ષવા પૂરતી છે. 

આમાં શિયાળામાં લીલા શાકભાજી અને કંદમૂળને ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું વિજ્ઞાન પણ માને છે. ત્યારે તેલરહિત ઉંબાડીયુ શિયાળા માટે સૌથી ઉત્તમ હેલ્થ ટૉનિક પણ માનવામાં આવે છે. આથી ઉંબાડીયુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોવાથી લોકો હોંશે હોંશે ઉંબાડીયાનો સ્વાદ માણે છે. ઉંબાડીયાના સ્વાદનું ઘેલુ માત્ર વલસાડ જિલ્લાના લોકોને જ નહી પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને લાગે છે. આથી વલસાડ જિલ્લામાંથી પસાર થતા મુંબઈ અમદાવાદ નેસનલ હાઇવે પર આખો શિયાળો ઉંબાડીયાના અસંખ્ય સ્ટોલ જોવા મળે છે. આથી આ હાઇવે પરથી આવતા જતા લોકો પણ ઉંબાડીયાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી. આમ શિયાળામાં ત્રણ મહિના સુધી ઉંબાડીયુ તેના સ્વાદ અને તેની વિશેષતાને લઈ લોકોને સ્વાસ્થ માટે તો ફાયદાકારક છે. એની સાથે સાથે ઉંબાડીયુ આખો શિયાળો આ વિસ્તારના અનેક પરિવારો માટે રોજગારીનું અને સારી એવી કમાણીનું સાધન પણ બની રહે છે. 

ઉંબાડીયાનો ચટાકેદાર સ્વાદતો સ્વાદ રસિકોને  ઘેલુ લગાવે છે. આ ચટાકેદાર ઉંબાડીયું એક કિલોના 150 રૂપિયાથી લઈ 200 રૂપિયાના ભાવથી મળે છે. જોકે તેમ છતાં લોકો મોંઘા ભાવનું ઉંબાડીયાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી. તો જંક ફૂડ જમાનામાં ફેટી અને ઓઈલી ખાણાની સામે ઉંબાડીયું સ્વસ્થ વર્ધક અને ટેસ્ટી ચટાકેદાર હોય છે. આ વિસ્તારના અનેક પરિવારોને ઘર બેઠા જ નવી રોજગારી આપતું આ હેલ્થી ફૂડ આ ગ્રામીણ આદિવાસી લોકો માટે શિયાળામાં નવી રોજગારીનો માર્ગ પણ ખોલ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news