Visa Temple: ગુજરાતના આ ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં, માનતા પૂરી કરે છે દાંલા મા

Visa Temple Of Gujarat: વિદેશમાં સ્થાયી થવું અને જલસાની જીંદગી જીવવી...આ સપનું દર બીજા ગુજરાતીનું હોય છે. ઘણા લોકોનું આ સપનું સપનું જ રહી જાય છે. જ્યારે કેટલાક લોકો પોતાનું સપનું પુરુ કરવા દિવસ રાત એક કરી દે છે. વિદેશમાં સ્થાયી થવાનો ગાંડો ક્રેઝ ગુજરાતીઓમાં જોવા મળે છે. આ વાતનો પુરાવો છે મહેસાણા જિલ્લાનું આ ગામ. આ ગામના દરેક ઘરમાંથી એક માણસ વિદેશમાં સ્થાયી છે. 

Visa Temple: ગુજરાતના આ ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં, માનતા પૂરી કરે છે દાંલા મા

Visa Temple: ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં સ્થાયી વસવાટ કરે છે. ઝુલાસણ ગામની વસ્તી અંદાજે 7000 જેટલી છે. જોકે મહેસાણા જિલ્લાનું ઝુલાસણ ગામ માત્ર આ કારણથી જ પ્રખ્યાત નથી પરંતુ અહીં આવેલું એક મંદિર પણ ખૂબ જ પ્રખ્યાત છે અને તેનું કારણ પણ વિદેશ છે. ઝુલાસણ ગામમાં દાંલા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરને લઈને ભક્તોમાં આસ્થા છે કે વિઝા મેળવવા માટે અહીં માનતા રાખવામાં આવે તો તે અચૂક ફરે છે. મંદિરને લઈને વિઝા મેળવવાની જે આસ્થા છે તેના કારણે માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ રાજસ્થાન હરિયાણા સહિત અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવે છે અને વિઝા મેળવવા માટે માનતા રાખે છે.

દાંલા માતાજીનું મંદિર 800 વર્ષથી વધારે જૂનું છે અને અહીં પથ્થરના યંત્રની દેવી તરીકે પૂજા કરવામાં આવે છે. આ મંદિર કોમી એકતાનું પણ પ્રતીક છે. કારણ કે અહીં મુસ્લિમ સમુદાયના લોકો પણ માનતા રાખે છે અને માનતા પૂરી થાય પછી ચાદર ચડાવે છે. હિન્દુ લોકોની વિઝા મેળવવાની માનતા પૂરી થાય ત્યારે તેઓ સુખડી અને શ્રીફળનો પ્રસાદ ચઢાવે છે.

No description available.

આ ગામના મંદિરના પુજારીનું કહેવું છે કે ગામની 7000 જેટલી વસ્તીમાંથી 3,000 થી વધુ લોકો વિદેશમાં વસવાટ કરે છે. તેમનું કહેવું છે કે આ મંદિરમાં દર્શન કરવા આવતા લોકોમાંથી 80 ટકા લોકો એવા હોય છે જેઓ વિઝા મળે તે માટે માનતા રાખવા આવે છે. પૂજારીનું કહેવું છે કે અત્યાર સુધીમાં 90 ટકા લોકોની વિઝાની માનતા ફળી છે. અહીં દર્શન કરીને માનતા રાખવાથી લોકોને વિઝા મળી જાય છે. 

No description available.

ઝુલાસણ ગામમાં વિઝાની માનતા પૂરી કરતું આ મંદિર 800 વર્ષથી વધુ જૂનું છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો પહેલા મંદિર છે ત્યાંથી યંત્ર નીકળ્યું હતું. ત્યાર પછી ગામ લોકોએ આ યંત્રની દેવી તરીકે પૂજા કરવાની શરૂઆત કરી. લોકો અહીં માનતા રાખવા લાગ્યા અને તેમના કામ પૂરા થવા લાગ્યા જેને લઈને આસપાસના લોકોમાં પણ મંદિરને લઈને શ્રદ્ધા જાગી. ખાસ કરીને જે પણ લોકો વિઝાની લઈને અહીંની માનતા રાખે છે તેમને વિઝા મળી જાય છે જેના કારણે હવે દેશભરમાંથી અહે લોકો વિઝા માટે માનતા રાખવા આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news