જેલ કેવી હોય છે? જેલ જોવાની અને પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છાએ કરાવ્યું એવું કામ કે પોલીસ પણ ચોંકી ગઈ
Trending Photos
ઝી મીડિયા બ્યુરો :નામના મેળવવા અને વાહવાહી લૂંટવા લોકો અવનવા કારનામા કરતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી લોકો વાહવાહી લૂંટતા હોય છે. પણ સુરતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જ્યાં એક શખ્સે સમાચાર પત્રોમાં પોતાના નામ અને પ્રસિદ્ધિ માટે એક માસૂમનું અપહરણ કરી દીધું.
સચિન-તલંગપુર રોડ સ્થિત પંચવટી સોસાયટીમાં રહેતા એક પરિવારનો 8 વર્ષનો બાળક ઘરના આંગણામાંથી રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના બાદ સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી. માસૂમનું અપહરણ થયાનું ધ્યાને આવતા જ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી હતી. અને અચાનક ફરિયાદીના ઘરની પાસે જ રહેતા યુવકની શંકાસ્પદ હિલચાલ દેખાઈ. આ પાડોશી યુવાનની સાથે 8 વર્ષનું બાળક ઓટો રિક્ષામાં નજરે ચઢ્યું. પોલીસે મળેલા સીસીટીવીની દિશામાં તપાસ કરી અને મોબાઈલ લોકેશનના આધારે રેલવે પોલીસની મદદથી ભૂસાવલ રેલવે સ્ટેશન પરથી અપહ્યત બાળકને હેમખેમ છાડ્યો અને સાથે અપહરણકારને પણ દબોચી લઈ સુરત લાવ્યા.
જેલને જોવા માટે કર્યું અપહરણ!
પોલીસે અપહ્યત બાળકને છોડાવી આરોપીની પૂછપરછ કરી તો ચોંકાવનારું કારણ સામે આવ્યું. સામાન્ય રીતે લોકો આર્થિંક તંગીમાં, મોજશોખ પૂરા કરવા અપહરણ કરતા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે પણ અહીં તો આ યુવાને એવું કારણ આપ્યું કે તે સાચુ માનવું કે નહીં તે પોલીસ માટે મોટો પ્રશ્નાર્થ બની ગયું. આરોપીએ અપહરણની કબૂલાત કરી અને કારણ આપ્યું કે તેને મોટી જેલ અંદરથી જોવી હતી! જેલ અંદરથી કેવી હોય છે તે જોવું હતું. સાથે જ તેણે એ પણ કહ્યું કે હું ત્રણ-ચાર વખત લાજપોર જેલ જોવા ગયો પણ તેને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યો હતો.જેલ જોઈ ન્યૂઝ પેપરમાં પ્રસિદ્ધિ મળે તેવું પણ ઈચ્છતો હતો અને એટલે જ અપહરણનો પ્લાન ઘડ્યો હતો.
પોતાનું કારણ સાચું આપવા મોબાઈલ ચાલુ કર્યાનું જણાવ્યું
અહો આશ્વર્યમ્ જેવી કબૂલાત સાંભળીને પોલીસ થોડા ક્ષણ માટે મૂંઝવણમાં મૂકાઈ હતી. પરંતુ આરોપીએ એ પણ સ્પષ્ટતા આપી કે જો તેને અપહરણ કરીને બાળકની હત્યા કરવી જ હતી તો મોબાઈલ ચાલુ શા માટે કર્યો હતો? થોડી વાર પછી મોબાઈલ બંધ પણ કરી દેતો હતો અને ફરી પાછો ચાલુ કરતો હતો જેથી મોબાઈલ લોકેશનના આધારે પોલીસ તેના સુધી પહોંચી શકે. હાલ પોલીસને આરોપીની આ વાત ગળે ઉતરતી નથી. પોલીસ માટે તો એ જ મહત્વની વાત છે કે આ મૂર્ખ કે નાદાનની આવી ભૂલ એક બાળકના જીવ સાથે મોટું જોખમ ઉભું કરી શકતી હતી. એક માસૂમનું અપહરણ કરી જેલ જોવાની ઈચ્છા પૂરી થઈ તો જશે પણ કદાચ તેને જેવી ઉત્સુકતા હશે તેવું જેલમાં ન પણ જોવા મળે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે