ખજૂરભાઇની હમસફર મીનાક્ષી દવે કોણ છે? નાનકડી લવસ્ટોરીની શરૂઆત છે વેબસીરિઝ જેવી ચટપટી

Khajur Bhai Engagement : નીતિન જાનીના ફિયાન્સ મીનાક્ષી દવે કોણ છે? નીતિન અને મીનાક્ષીની મુલાકાત ક્યારે થઇ? કોણે માંગ્યુ હતું લગ્ન માટે સૌથી પહેલા માગું... જુઓ નાનકડી લવ સ્ટૉરીની ચટપટી વાતો

ખજૂરભાઇની હમસફર મીનાક્ષી દવે કોણ છે? નાનકડી લવસ્ટોરીની શરૂઆત છે વેબસીરિઝ જેવી ચટપટી

Khajur Bhai Engagement :  ગુજરાતમાં ખજૂરભાઇના નામથી ઓળખાતી સેલિબ્રિટી એટલે નીતિન જાની... પહેલા લોકોના હાસ્યનું મનોરંજન બનેલા નીતિન જાનીએ હવે પોતાના સેવા કાર્યોથી લોકપ્રિયતા મેળવી છે. હાલમાં જ નીતિન જાનીએ મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઇ કરી છે. ત્યારે ઘણા ચાહકોના મનમાં સવાલ હશે કે, નીતિન જાનીની મીનાક્ષી સાથે કોઇ લવસ્ટોરી હશે કે નહીં...? તે બન્ને કેવી રીતે મળ્યા અને સગપણની વાત કેવી રીતે થઇ..? પહેલા પ્રપોઝ કોણે કર્યું..? આવા બધા જ સવાલો વચ્ચે આજે તમને નીતિન જાની અને મીનાક્ષી દવે વિશે થોડી ચટપટી વાતો જણાવીશું. 

સૌથી પહેલા વાત કરીએ મીનાક્ષી દવેની તો... તેઓ અમેરલી જિલ્લાના દોલતી ગામના વતની છે. તેમના પિતા સિંચાઇ ખાતમાં નોકરી કરે છે, જ્યારે તેમની માતા હાઉસ વાઈફ છે. આ ઉપરાંત મીનાક્ષી દવેને 3 મોટી બહેનો છે અને 1 ભાઇ પણ છે. મીનાક્ષીએ ફાર્મસીમાં બેચરલ કરેલું છે. તેઓ ચોથા ધોરણથી હોસ્ટેલમાં રહ્યા હતા. મીનાક્ષી હોસ્ટેલમાં રહેવાનું પસંદ ન હતું, પરંતુ ધીમે ધીમે તેઓ હોસ્ટેલ લાઇફમાં સેટ થતા ગયા. હાલમાં તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદમાં નોકરી કરે છે. 

 તો આ તરફ નીતિન જાની ઉર્ફ ખજૂરભાઇએ પૂણેમાં બીસીએ બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરીને આઇટી ફિલ્ડમાં નોકરી શરૂ કરી હતી. પરંતુ 70 હજારના પગારવાળી નોકરી છોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને ધીમે ધીમે ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. હાલમાં તેઓ પોતાની યૂટ્યુબ ચેનલ ચલાવે છે. 

હવે જોઇએ કે નીતિન અને મીનાક્ષી કઇ રીતે સંપર્કમાં આવ્યા. તો બન્યું એવું કે, નીતિન જાની એકવાર સાવરકુંડલાના દોલતી ગામે સેવાકાર્યના અર્થે ગયા હતા. જ્યાં અંધ દાદીમાનું ઘર બનાવી આપ્યું હતું. ત્યારે સમગ્ર ગામના લોકોએ નીતિન જાનીને રૂબરૂ જોયા અને મોટા ભાગના લોકો તેમની સાથે ફોટો ક્લિક કરાવવા લાગ્યા. તેમાના એક મીનાક્ષી દવે પણ હતા. પરંતુ તે સમયે કંઇ જ ન હતું. બાદમાં થોડો સમય પસાર થયો અને ખાંભા નજીક હનુમાનગઢમાં આવેલા હનુમાજીના મંદિરે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો અને ત્યાં જ મીનાક્ષી દવેનો પરિવાર પણ હતો. તે દરમિયાન બન્નેનો પરિવાર એકબીજાને મળ્યો અને નંબરની આપલે થઇ હતી. તે જ સમયે નીતિન જાનીના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ખૂબ જ ગમી ગયો હતો. ધીમે ધીમે બન્ને પરિવાર વચ્ચે વાતો શરૂ થઇ. ત્યારે મીનાક્ષીને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે, નીતિન તેમના લાઇફ પાર્ટનર બનશે. 

થોડા સમય પછી નીતિન જાનીના મમ્મીએ મીનાક્ષીના ઘરે માગું નાંખ્યું અને આ વાત સાંભળી મીનાક્ષી ખૂબ ખુશ થઇ હતી. મીનાક્ષીએ એકપણ ક્ષણનો વિચાર કર્યા વિના જ સંબંધ માટે હા પાડી હતી. કારણ કે, મીનાક્ષી માટે આ ખુશખબર હતા. મીનાક્ષી પોતાની જાતને નસીબદાર માને છે કે, તેમના લગ્ન નીતિન જાની સાથે નક્કી થયા છે. 

નીતિન જાની એક સેલિબ્રિટી છે. તેઓ પોતાના સરળ સ્વભાવને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવે છે. આજે અનેક જગ્યાએ તેઓ સેવાનું કાર્ય કરી રહ્યા છે અને પોતા પાસે રહેલા પૈસા બીજાની ખુશી માટે વાપરે છે. નીતિનનો આ સ્વભાવ મીનાક્ષીને પહેલાથી જ પસંદ હતો અને આખરે તેની હમસફર બનવાની તક મળી. આ ઉપરાંત નીતિન જાનીને પણ મીનાક્ષીનો સ્વભાવ ખૂબ ગમ્યો અને કેટલીક ધાર્મિક વાતોથી મીનાક્ષીએ નીતિનના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. છેલ્લે સગપણ નક્કી થયા બાદ નીતિન જાનીએ જ મીનાક્ષીને પહેલો ફોન કર્યો હતો અને વાતચીત શરૂ કરી હતી. એવું પણ નથી કે, સગાઇ પહેલા તેઓ મળ્યા હોય. સગાઇ નક્કી થતા શોપિંગમાં વ્યસ્ત થયા અને બન્ને સગાઇમાં જ પહેલી વખત મળ્યા હતા. સગાઇ બાદ બન્નેની મુલાકાત સુરતના એક કેફેમાં થઇ હતી. હાલમાં તેઓએ લગ્નની તારીખ નક્કી નથી કરી પરંતુ ટૂંક સમયમાં લગ્નગ્રંથીથી જોડાઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news