જાણો આ અનોખી ટોપીની વાત, જે રાજકારણમાં પાડે છે અનોખી ભાત! આ ટોપી પહેરી જે માંગો તે મળે છે
આજે વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. 10 મહિના બાદ 4 રાજ્યોમાં ભવ્ય જીત પ્રાપ્ત કરીને ગુજરાત આવેલા ગુજરાતના યશસ્વી સપુતના સ્વાગતમાં ગુજરાત કોઇ પણ રીતે કચાશ નથી રાખી રહ્યું. આખુ ગુજરાત નમો નમ: છે. તેવામાં હાલ સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર વડાપ્રધાન મોદી દ્વારા પહેરવામાં આવેલી ટોપી છે. આ ટોપી ન માત્ર પીએમ મોદી પરંતુ ભાજપના મોટાભાગના કાર્યકર્તાઓ દ્વારા પહેરવામાં આવી છે. જો કે આ ટોપીનો ઇતિહાસ ખુબ જ રસપ્રદ છે.
Trending Photos
કૃતાર્થ જોશી/અમદાવાદ : આજે વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. 10 મહિના બાદ 4 રાજ્યોમાં ભવ્ય જીત પ્રાપ્ત કરીને ગુજરાત આવેલા ગુજરાતના યશસ્વી સપુતના સ્વાગતમાં ગુજરાત કોઇ પણ રીતે કચાશ નથી રાખી રહ્યું. આખુ ગુજરાત નમો નમ: છે. તેવામાં હાલ સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર વડાપ્રધાન મોદી દ્વારા પહેરવામાં આવેલી ટોપી છે. આ ટોપી ન માત્ર પીએમ મોદી પરંતુ ભાજપના મોટાભાગના કાર્યકર્તાઓ દ્વારા પહેરવામાં આવી છે. જો કે આ ટોપીનો ઇતિહાસ ખુબ જ રસપ્રદ છે.
સી.આર પાટીલ દ્વારા તૈયાર કરાઇ છે ભગવા ટોપી...
ભગવા કલરની આ ટોપી જે પીએમ મોદીએ પહેરી છે તે સી.આર પાટીલ દ્વારા ડિઝાઇન કરવામાં આવી રહી છે તેવું કહેવાઇ રહ્યું છે. જો કે આ ટોપીનો ઇતિહાસ ભારતની આઝાદી પહેલાનો છે. આ ટોપી ભારતીય પોષાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં ગણનાપાત્ર સજ્જનો ભારતીય વસ્ત્રો સાથે આ ટોપી અને ખભે ખેસ પહેરતા હતા. આ ટોપી અને ખેસ ગણના પાત્ર વ્યક્તિનું વ્યક્તિત્વ અન્ય લોકોથી અલગ પાડતા હતા. આ ટોપી પહેરેલા વ્યક્તિને ખાસ માન પાન અને મોભો પ્રાપ્ત થતો હતો.
ગાંધીજીથી માંડી સુભાષ બાબુ પણ હતા આ ટોપીના દિવાના...
આ ટોપી ગુજરાતમાં રવિશંકર મહારાજથી માંડીને નહેરૂ સુધીના અનેક રાજનેતાઓ પહેરી ચુક્યાં છે. જો કે આ ટોપી ગાંધીજીએ પહેર્યા બાદ ગાંધી ટોપી તરીકે ઓળખ મળી. ત્યાર બાદ કોંગ્રેસના ખાસ કરીને સેવાદળના અધિકારીક પહેરવેશમાં તેને સ્થાન મળ્યું. જો કે સેવાદળનો સુવર્ણકાળ વિતી ગયા બાદ 70 ના દશક બાદથી આ ટોપી ગાયબ થઇ ગઇ અથવા તો મોટી મોટી સભામાં નેતાઓ માત્ર જનતાને રિઝવવા માટે જ પહેરતા હતા. 80 નું દશક આવતા આવતા આ ટોપી નામશેષ થઇ ગઇ હતી.
નાગરિકોનું દમન કરતી નીતિઓનો વિરોધનું પ્રતિક...
જો કે આઝાદી પહેલાથી જ આ ટોપી સરકાર અને તંત્રની દમનકારી નીતિઓનો વિરોધમાં એક પ્રતિક ચિન્હ તરીકેની ઓળખ મેળવી ચુકી છે. આઝાદીની લડાઇ લડનારા મોટા ભાગના લડવૈયાઓ આ ટોપી પહેરતા હતા. પછી તે દેશના પ્રથન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ હોય કે, દેશને આઝાદી અપાવવા માટે સૌ પ્રથમ લશ્કર બનાવનાર સુભાષબાબુ હોય તમામ આ ટોપી પહેરી ચુક્યાં છે. આ ટોપી એક સરકાર અને તેની નીતિઓનો વિરોધમાં બળવાખોરીનું પ્રતિક તરીકે ઉભરી હતી.
PM મોદીએ પહેરેલી કેસરી ટોપીની ખાસિયત શું છે? ZEE 24 કલાક પર જાણો આ ટોપીની ડિઝાઈનનું મહત્વ...@narendramodi @CRPaatil @Bhupendrapbjp @DrJuhiPatel @BJP4Gujarat#ZEE24Kalak #Gujarat #Pmmodi #Ahmedabad #RoadShow pic.twitter.com/WqyJTPwKtI
— Zee 24 Kalak (@Zee24Kalak) March 11, 2022
મૃતપ્રાય થયેલી ગાંધી ટોપીને અન્ના-આપે અપાવી નવી ઓળખ...
જો કે 5 એપ્રીલ 2011 ના દિવસે જ્યારે અન્ના હજારેએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે ભુખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું ત્યારે આ ટોપી ફરી એકવાર ચર્ચામાં આવી. આ ભુખહડતાળ અને તેની સાથે જોડાયેલા લોકોને દેશનાં ખુણે ખુણે કવરેજ મળ્યું. ત્યાર બાદ આ આંદોલન અને આંદોલનમાંથી જન્મેલી પાર્ટી આમ આદમી પાર્ટીએ આ ટોપીને અપનાવી અને તેને બ્રાન્ડ આઇકોન બનાવી. એક સમય એવો આવ્યો કે, આમ આદમી પાર્ટી લખેલી આ ગાંધી ટોપી પાર્ટીની ઓળખ બની ગઇ. આ ટોપી ફરી એકવાર ન માત્ર સજીવન થઇ પરંતુ સરકાર વિરુદ્ધ ફૂંકાયેલા બ્યુગલનું પ્રતિક પણ બની હતી. આપ પાર્ટી સાથે આ ટોપી દેશના ખુણે ખુણે કાર્યકર્તાઓ થકી ફરી એકવાર સજીવન થઇ.
આ ટોપીએ પાટીદાર સહિત કથિત સવર્ણ વર્ગને અપાવી અનામત...
જો કે નીતિઓનો વિરોધ કરવાની બ્રાન્ડ એમ્બેસેડર બની ચુકેલી આ ટોપી જુન 2015 બાદ સૌથી વધારે લોકપ્રિય બની. જ્યારે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઇ. જેમાં હાર્દિક પટેલથી માંડીને મોટા ભાગના પાટીદાર નેતાઓ દ્વારા આ ટોપીને પાસના સિમ્બોલ સાથે પહેરવામાં આવી. આ ટોપી ફરિવાર નીતિઓનો વિરોધ કરવા માટેની બ્રાન્ડ એમ્બેસેડર બની. એક અર્થમાં કહી શકાય કે, આ ટોપીએ પાટીદારો અને કહેવાતા કથિત સવર્ણ સમાજને EWS ની અનામત પણ અપાવી હતી.
આ ટોપીમાં એવો જાદુ છે કે, ટોપી પહેરીને જે માંગો તે મળે...
આ ટોપીમાં એવો જાદુ કહો કે પછી જે કાંઇ પણ કહો તે પરંતુ જ્યારે આઝાદીની નેમ સાથે ગાંધીજી નિકળ્યાં તો આઝાદી લઇને જ જંપ્યા. ત્યાર બાદ નહેરૂ વર્ષો સુધી આ ટોપી સાથે જ સત્તામાં રહ્યા. આ ટોપી પહેરીને આમ આદમી પાર્ટી જ્યારે પહેલીવાર નિકળી ત્યારે કોઇને વિશ્વાસ નહોતો કે આ પાર્ટી કંઇક નવો જાદુ કરી શકશે. પરંતુ આ ટોપીએ આપને ન માત્ર સત્તા અપાવી પરંતુ એવી સત્તા અપાવી કે ભાજપ જેવા દિગ્ગજ પક્ષના પણ સુપડા સાફ થઇ ગયા. કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ તો એક સીટ પણ મેળવી શકી નહી. તો પાટીદારો આ ટોપી પહેરીને નિકળ્યાં તો અનામત અપાવી. એટલે કે આ ટોપીમાં લોકોને આકર્ષવાનો એક અનોખો જાદુઇ ગુણ રહેલો છે. તેવામાં પીએમ મોદી સહિત ભાજપના કાર્યકર્તાઓએ આ ટોપીથી શરૂઆત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે