ગુજરાતમાં 'દૃશ્યમ' જેવી ઘટના, મળવા આવેલા પ્રેમીની પતિ-પત્નીએ હત્યા કરીને લાશ વાડામાં દાટી

Crime News : હાલ જ્યારે દ્ર્શ્યમ ફિલ્મ અને દિલ્હીનો શ્રદ્ધા મર્ડર કેસ ચર્ચામાં છે ત્યારે ગુજરાતમાં પણ બની ચોંકાવનારી ઘટના

ગુજરાતમાં 'દૃશ્યમ' જેવી ઘટના, મળવા આવેલા પ્રેમીની પતિ-પત્નીએ હત્યા કરીને લાશ વાડામાં દાટી

Rajkot News રાજકોટ : તાજેતરમાં જ રિલીઝ થયેલી અજય દેવગણની દ્રશ્યમ 2 ફિલ્મ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. તો બીજી તરફ, દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ ચકચાર મચાવી રહ્યું છે. હત્યાઓના સતત વધી રહેલા બનાવો વચ્ચે રાજકોટનો એક બનાવ ચર્ચામાં આવ્યો છે. રાજકોટના પડઘરીમાં એક પરિણીત મહિલાએ તેના પ્રેમીને મળવા બોલાવ્યો. જેના બાદ તેના પતિએ ભાઈ સાથે મળી પાઈપના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. બાદમાં લાશ ઢોર બાંધવાના વાડામાં દાટી દીધી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, પડધરીના તરઘડીમાં 14 દિવસ પહેલા એક બનાવ બન્યો હતો. પડધરીના તરઘડીમા રહેતા અને છૂટક મજૂરીકામ કરતા જયંતીભાઈ ગોહેલે પોલીસ ફરિયાદ કરી હતી કે, તેમનો 23 વર્ષીય પુત્ર ગૌતમ ગોહેલ 14 નવેમ્બરથી લાપતા થયો હતો. જેના બાદ તરઘડી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જેમાં પોલીસે કોલ ડિટેઈલના આધારે પગેરુ મેળવ્યુ હતું. 

પોલીસ તપાસમા માલૂમ પડ્યુ કે, ગૌતમ ગોહેલની હત્યા કરવામાં આવી હતી. તેના બાદ પોલીસ સામે જે ઘટના સામે આવી તે અધિકારીઓ માટે પણ ચોંકાવનારી હતી. તપાસમાં ખૂલ્યું કે, તરઘડી ગામમાં રહેતો ગૌતમ ગોહેલ છૂટક મજૂરીનું કામ કરતો હતો. કામ દરમિયાન ગૌતમ ગોહેલને ગામમાં જ રહેતી પરિણીતા મધુ સાથે આંખ મળી ગઈ હતી. બાદમાં બન્ને ભાગી ગયા હતા, પરંતુ થોડા સમય બાદ બન્ને પરત પણ આવી ગયા હતા. જેનો ખાર મધુના પતિએ રાખ્યો હતો. મધુના પતિએ તેના ભાઈ સાથે મળી ગૌતમ ગોહેલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં મધુએ પણ મોટો રોલ ભજવ્યો હતો. મધુએ તેના પ્રેમી ગૌતમને ફોન કરીને ગવરીદળ ગામે મળવા બોલાવ્યો હતો. બાદમાં મધુના પતિ શૈલેષ અને તેના ભાઈ સાગરે પાઈપના ઘા મારી ગૌતમની હત્યા કરી હતી. બાદમાં લાશને પોતાના જ ઢોર બાંધવાના વાડામાં દાટી દીધી હતી.

તરઘડી પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ કબૂલ્યું કે, તેઓએ પાઈપના ઘા ઝીંકીને ગૌતમની હત્યા કરી હતી. જેના બાદ તેની લાશને વાહનમાં નાંખીને પોતાના ઘર લઈ ગયા હતા અને વાડામાં દાટી દીધી હતી. 

Trending news

Powered by Tomorrow.io