અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ CISF જવાનને લાફો મારીને કહ્યું, ‘હું સરકારી અધિકારીની દીકરી છું’
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે અદાણી ગ્રૂપ દ્વારા સંચાલિત છે. ત્યારે ગઈકાલે એક અજીબ ઘટના બની હતી. નીલમ દવે નામની મહિલા પેસેન્જરે સીઆઈએસએફ ઇન્સ્પેક્ટરને લાફો ઝીંકી દીધો હતો. બેગ ચેક કરવાના બાબતે પેસેન્જર નીલમ દવે ભડકી જતા તેણે આવું કૃત્ય કર્યું હતું. એરપોર્ટ નીલમ દવેએ અધિકારીની દીકરી હોવાનો રૌફ પણ સીઆઈએસએફ કર્મચારીઓ પર જમાવ્યો હતો. સીઆઈએસએફ દ્વારા અમદાવાદ એરપોર્ટ પોલીસ મથકમાં પેસેન્જર નીલમ દવે સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મૂળ મહારાષ્ટ્રના અને નરોડા વિસ્તારમાં રહેતા કલ્પેશ રામટકે અમદાવાદ એરપોર્ટમાં CISF તરીકે ફરજ બજાવે છે. તેઓ ટર્મિનલ 2 પર ફરજ બજાવે છે. ગઈકાલે તેમની ડ્યુટી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધીની હતી. બુધવારે રાત્રે તેઓ ફરજ પર હતા, ત્યારે નીલમ દવે નામની એક મહિલા પેસેન્જર વહેલી સવારે ત્યાં આવી હતી. આ મહિલાની બેગ સ્કેન ક્લિયર થવામાં સમસ્યા આવી રહી હતી. તેથી સ્ટાફના એક શખ્સે તેમને કહ્યું કે, તમારી બેગમાં ફોન કે સિક્કા હશે, જેથી તમારી બેગ ક્લિયર થતી નથી, જેથી તમારી બેગ ચેક કરવી પડશે.
આ પણ વાંચો : અમદાવાદમાં જીમ ખૂલશે તો થશે કાર્યવાહી, AMC નો આદેશ
આ વાત સાંભળીને મહિલા ભડકી હતી. આ સમયે ફરજ પર કલ્પેશ રામટકે હાજર હતા. નીલમ દવે નામની મહિલા અચાનક ઉશ્કેરાઈ ગઈ હતી. આ બાદ CISFના જવાન રામટકેએ મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા ઉશ્કેરાઈને જોરજોરથી બોલવા લાગી હતી. આખરે મહિલાએ પોતાની બેગ નીચે ફેંકી દીધી હતી. આ જોઈ આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા.
મહિલાએ CISFના જવાનને ધમકી આપી હતી કે, હું સરકારી અધિકારીની છોકરી છું. જોકે, મહિલા આટલે અટકી ન હતી, તેણે CISFના જવાન રામટકેને લાફો ઝીંક્યો હતો. કલ્પેશ રામટકેએ આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાના પાસપોર્ટ પરથી તેમનું નામ નીલમ દવે (રહે.થલતેજ) હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે હાલ એરપોર્ટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે