મહિલા ધારાસભ્યોને હવે મળશે વધુ ગ્રાન્ટ, મહિલા દિવસ પર મુખ્યમંત્રીએ કરી જાહેરાત
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મહિલા ધારાસભ્યોને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
ગાંધીનગરઃ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં મહિલા દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવાની જાહેરાત કરી છે. દરેક મહિલા ધારાસભ્યોને હવે 1.25 કરોડની વધુ ગ્રાન્ટ મળશે.
મહિલા દિવસ પર મુખ્યમંત્રીની મોટી જાહેરાત
ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ નિમિતે મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવાનો મોટો નિર્ણય કર્યો છે. હવે દરેક મહિલા ધારાસભ્યોને 1.25 કરોડની વધુ ગ્રાન્ટ મળવાની છે. મહત્વનું છે કે અત્યાર સુધી દરેક ધારાસભ્યોને દર વર્ષે 1.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી. એટલે કે દરેક ધારાસભ્યોને પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પોતાના વિધાનસભા ક્ષેત્રના વિકાસ માટે 7.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી. હવે મહિલા ધારાસભ્યોને આ ગ્રાન્ટ ઉપરાંત 1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળશે.
મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી સમય પૂર્વે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે, રાજ્યના મહિલા ધારાસભ્યોને ધારાસભ્ય તરીકે લોકહિતના કાર્યો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં સવા કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવશે. તદ્દઅનુસાર હવે, જનપ્રતિનિધિઓને મળતી વાર્ષિક દોઢ કરોડની ગ્રાન્ટમાં રાજ્યના મહિલા વિધાયકોને વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે. મુખ્યમંત્રીએ વિધાનસભાનું ગરિમામય અધ્યક્ષ પદ સંભાળી રહેલા પ્રથમ મહિલા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય તેમજ ગૃહના સૌ મહિલા ધારાસભ્યોને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે