world tourism day : ગુજરાતની તો લોટરી લાગી... કોરોના બાદ વિદેશી પ્રવાસીઓની રાફડો ફાટ્યો

Gujarat Tourism : વર્ષ 2022માં સાડા ત્રણ લાખથી વધુ વિદેશી સહેલાણીઓએ નિહાળ્યો અમદાવાદનો ભવ્ય વારસો...  સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશી માટે આકર્ષણનું કેન્દ્ર.... કોરોનાના પગલે ઠપ્પ થયેલા પ્રવાસન ઉદ્યોગે બે વર્ષમાં ભરી મોટી હરણફાળ.... વર્ષ 2021માં માત્ર 11319 વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા કે જેમની સંખ્યા વર્ષ 2022માં 17.17 લાખને આંબી ગઈ... વર્ષ 2023ના પ્રથમ 8 મહીનામાં જ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓએ લીધી ગુજરાતની મુલાકાત.. ડિસેમ્બર-2023 સુધી વિદેશી પ્રવાસીઓનો આંકડો 20 લાખ સુધી પહોંચવાનો અંદાજ

world tourism day : ગુજરાતની તો લોટરી લાગી... કોરોના બાદ વિદેશી પ્રવાસીઓની રાફડો ફાટ્યો

Incredible India : યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામેલું અમદાવાદ શહેર ગુજરાત આવતા વિદેશી સહેલાણીઓની પ્રથમ પસંદગી બન્યું છે. વર્ષ 2022માં 3.63 લાખ સહેલાણીઓએ અમદાવાદનો ભવ્ય વારસો નિહાળ્યો છે.  એટલું જ નહીં, પરંતુ વર્ષ 2023માં 8 મહિનામાં 3.53 લાખ પ્રવાસીઓ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે; તો સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશી માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. કોરોનાના પગલે ઠપ્પ થયેલા પ્રવાસન ઉદ્યોગે બે વર્ષમાં મોટી હરણફાળ ભરી છે. આંકડાઓ મુજબ વર્ષ 2021માં માત્ર 11319 વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા કે જેમની સંખ્યા વર્ષ 2022માં 17.17 લાખને આંબી ગઈ હતી. બીજી તરફ વર્ષ 2023ના પ્રથમ 8 મહીનામાં જ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લઈ ચુક્યા છે. એક અંદાજ મુજબ ડિસેમ્બર-2023 સુધી વિદેશી પ્રવાસીઓનો આંકડો 20 લાખ સુધી પહોંચી શકે છે.

નોંધનીય છે કિ વર્ષ 2022માં ભારત આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા 85 લાખ 90 હજારથી વધુ હતી કે જેમાં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 17.17 લાખથી વધુ હતી. એટલે કે ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 20.17 ટકા સાથે સૌધી વધુ રહ્યો છે.

મહત્વના સ્થળો તથા સુવિધાઓના પગલે પ્રવાસીઓમાં વધારો
સમગ્ર વિશ્વમાં 27મી સપ્ટેમ્બરના રોજ જ્યારે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી થવાની છે, ત્યારે ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન લગભગ ઠપ પડી ગયેલ પ્રવાસન ઉદ્યોગે વર્ષ 2022માં મોટી હરળફાળ ભરી છે. રાજ્યમાં વિદેશી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ પૌરાણિક, ઐતિહાસિક, હેરિટેજ તથા ધાર્મિક-આધ્યાત્મિક, પર્યાવરણીય અને સાહસિક પ્રવાસન સ્થળોમાં થઈ રહેલ વધારા તથા રાજ્ય સરકાર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાઓના પગલે વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગીનું સ્થળ બનીને ઉપસી રહ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (ટીસીજીએલ) દ્વારા ગુજરાતમાં આવતા પ્રવાસીઓના ટ્રૅકિંગ માટે AATITHYAM પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. 

રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને તેના બોલતા પુરાવા આતિથ્યમ્ પોર્ટલના આંકડાઓ છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં વર્ષ 2021 કરતા 2022માં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ભારે વધારો થયો છે. વર્ષ 2021માં માત્ર 11319 પ્રવાસીઓએ ગુજરાતની સહેલ માણી હતી, પરંતુ કોરોના કાળ સમાપ્ત થતાં જ ગુજરાત આવેલ વિદેશી પ્રવાસીઓની સંખ્યા લગભગ 157 ગણી વધી 17 લાખ 77 હજાર 215 થઈ ગઈ.

વર્ષ 2022 તથા 2023 (ઑગસ્ટ સુધી) ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેનારાઓની સંખ્યા નીચે મુજબ છે :
 
પ્રવાસન સ્થળ - વર્ષ 2022 - વર્ષ 2023 (ઑગસ્ટ સુધી)
અમદાવાદ (હેરિટેજ સિટી) - 6,63,000 - 3,53,000
સાબરમતી રિવરફ્રન્ટ - 67,000 - 1,07,969
અંબાજી મંદિર - 1,53,000 - 77,225
સોમનાથ મંદિર - 1,04,000 - 73,121
દ્વારકા મંદિર - 75,000 - 62,915
કાંકરીયા લેકફ્રન્ટ - 49,000 - 48,656
સુરત શહેર - 61,000 - 46,656
પાવાગઢ મંદિર - 44,000 - 39,971
સ્ટૅચ્યુ ઑફ યુનિટી - 22,000 - 25,291
ગાંધી આશ્રમ - 33,000 - 13,800
શિવરાજપુર બીચ - 200 - 8,656
અડાલજની વાવ - 240 - 2,498
મોઢેરા સૂર્ય મંદિર - 12 - 1,074
રાણી કી વાવ (પાટણ) - 200 - 785

ચાલુ વર્ષે પણ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઉછાળો
રાજ્યમાં વિદેશી પ્રવાસીઓનો ઘસારો સતત વધી રહ્યો છે. વર્ષ 2022માં 12 મહીનામાં 17.77 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતાં કે જેની સરખામણીમાં વર્ષ 2023માં પ્રથમ આઠ મહીના એટલે કે ઑગસ્ટ-2023 સુધી જ આ આંકડો 15.40 લાખ પર પહોંચી ગયો છે. આના પરથી અનુમાન લગાવી શકાય કે ડિસેમ્બર સુધી રાજ્યમાં વર્ષ 2023માં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા 20 લાખ સુધી પહોંચી શકે છે.

રાજ્યના ટૉપ મોસ્ટ પ્રવાસન સ્થળોમાં અમદાવાદ મોખરે
રાજ્યમાં વિદેશી પ્રવાસીઓના મનપસંદ ટૉપ મોસ્ટ પ્રવાસન સ્થળોમાં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ટોચના સ્થાને છે. ટીસીજીએલ તરફથી અપાયેલ આંકડા મુજબ વર્ષ 2023માં અત્યાર સુધી (ઑગસ્ટ-2023) સુધી કુલ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતાં કે જેમાં વિદેશી સહેલાણીઓનું હૉટ ફેવરિટ સ્થળ રહ્યું વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ. આ ઉપરાંત અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર તરફ પણ વિદેશી પ્રવાસીઓનો સારો એવો ઝોક રહ્યો

અમદાવાદનું નજરાણું બન્યું સાબરમતી રિવરફ્રન્ટ    
વર્ષ 2023માં અત્યાર સુધી (ઑગસ્ટ 2023) ગુજરાત આવેલા કુલ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓમાં સૌથી વધુ 3 લાખ 53 હજાર પ્રવાસીઓએ હેરિટેજ શહેર અમદાવાદની મુલાકાત લીધી છે કે જ્યાં વર્ષ 2022ના 3.63 લાખ પ્રવાસીઓ આવ્યા હતાં. આ આંકડા પરથી અંદાજો લગાવી શકાય કે વર્ષ 2023માં ડિસેંબર સુધી અમદાવાદ આવનાર વિદેશી પ્રવાસીઓનો આંકડો ગત વર્ષના 3.63 લાખના આંકડાને આંબી જશે. 

તેવી જ રીતે વર્ષ સાબરમતી રિવરફ્રન્ટ પણ વિદેશી પ્રવાસીઓ માટે અમદાવાદનું નજરાણું બન્યુ છે, કારણ કે ગત વર્ષની સરખામણીમાં અહીં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2022માં 67 હજાર વિદેશી પ્રવાસીઓએ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2023માં ઑગસ્ટ સુધી આ આંકડો 1 લાખ 7 હજાર 969 પર પહોંચી ગયો છે. એટલે કે સાબરમતી રિવરફ્રન્ટની વિદેશીઓમાં લોકપ્રિયતામાં બમણો વધારો થયો છે. 

યાત્રાધામો તથા સ્ટૅચ્યૂ ઑફ યુનિટ ખાતે પણ પહોંચ્યા પ્રવાસીઓ
રાજ્યના અન્ય મહત્વના પ્રવાસન સ્થળોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, સ્ટૈચ્યૂ ઑફ યુનિટી જેવા પ્રવાસન સ્થળો પણ વિદેશી સહેલાણીઓ માટે પસંદગીના સ્થળો બની રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news