Corona: ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટ પર કેટલો અસરકારક છે કોવેક્સીનનો બૂસ્ટર ડોઝ? જાણો જવાબ
કંપનીએ કહ્યું કે અમેરિકાના એમોરી વિશ્વવિદ્યાલયમાં કરાયેલા સ્ટડીમાં આ વાત સાબિત થઈ છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત બાયોટેકે દાવો કર્યો છે કે કોવેક્સીનનો બૂસ્ટર ડોઝ કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટને બેઅસર કરવા માટે અસરકારક છે. કંપનીએ કહ્યું કે અમેરિકાના એમોરી વિશ્વવિદ્યાલયમાં કરાયેલા સ્ટડીમાં આ વાત સાબિત થઈ છે.
પહેલાના પાંચ વેરિએન્ટ પર અસરકારક નીકળી
કંપનીએ કહ્યું કે આ અગાઉના સ્ટડીમાં સાબિત થયું હતું કે કોરોનાના આલ્ફા, બીટા, ડેલ્ટા, જેટા અને કપ્પા જેવા ચિંતાજનક વેરિએન્ટ વિરુદ્ધ પણ કોવેક્સીનની ક્ષમતા બેજોડ છે. હૈદરાબાદની દવા કંપની ભારત બાયોટેકે કહ્યું કે હાલના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ કોવેક્સીનના બંને ડોઝ લીધેલા છે તેમણે જ્યારે 6 મહિના બાદ કોવેક્સીનનો બૂસ્ટર ડોઝ લગાવ્યો તો કોરોનાના ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટને બેઅસર કરી દીધા.
બૂસ્ટર ડોઝથી લાંબા સમય સુધી સુરક્ષા
કંપનીએ દાવો કર્યો કે રસીના બૂસ્ટર ડોઝથી કોરોનાથી લાંબા સમય સુધી સુરક્ષા મળશે. તેના શાનદાર પરિણામ અગાઉ ટ્રાયલ દરમિયાન જોવા મળ્યા હતા. ભારત બાયોટેકે કહ્યું કે કોવેસ્કીનનો બૂસ્ટર ડોઝ સુરક્ષિત છે અને ઈમ્યુનિટી બનાવવામાં સફળ સાબિત થયો છે. તેનો ડોઝ લેનારા 90 ટકા લોકોમાં કોરોનાના વાઈટ ટાઈપ સ્ટ્રેન વિરુદ્ધ એન્ટીબોડી પ્રતિક્રિયા પણ જોવા મળી છે.
ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટથી સુરક્ષા
એમોરી વેક્સીન સેન્ટરના આસિસ્ટન્ટ પ્રોફેસર મેહુલ સુથારે કહ્યું કે આ શરૂઆતના ડેટાથી જાણવા મળે છે કે કોવેક્સીનનો બૂસ્ટર ડોઝ લેનારા લોકોને ઓમિક્રોન અને ડેલ્ટા બંને વેરિએન્ટથી મહત્વપૂર્ણ સુરક્ષા મળે છે. આ તારણોથી જાણી શકાય છે કે બૂસ્ટર ડોઝથી રોગની ગંભીરતા અને હોસ્પિટલમાં દાખલ થવાની ક્ષમતાને ઓછી કરવાની ક્ષમતા છે.
કયા દેશોમાં અપાઈ રહ્યો છે બૂસ્ટર ડોઝ
ભારત બાયોટેકના જણાવ્યાં મુજબ ખાસ કરીને તૈયાર કરાયેલો એક જ ડોઝ એડલ્ટ અને બાળકોને સમાન રીતે આપી શકાય છે. કોવેક્સીન એક રેડી ટુ યૂઝ લિક્વિડ રસી છે જેને 2-8 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોક કરવામાં આવે છે.
અત્રે જણાવવાનું કે ઓમિક્રોન વેરિએન્ટને જોતા અનેક દેશોએ સુરક્ષા કારણોસર પોતાની વસ્તીના સંક્રમણને પહોંચી વળવા માટે ત્રીજો બૂસ્ટર ડોઝ આપવાનો શરૂ કરી દીધો છે. ભારતે પણ 10 જાન્યુઆરીથી સ્વાસ્થ્યકર્મીઓ અને વૃદ્ધો માટે પ્રિકોશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવાનો શરૂ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે