શરમજનક...! BJPના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે જૂતા વડે છુટાહાથની મારામારી

ઉત્તરપ્રદેશના સંતકબીર નગરમાં જિલ્લા કલેક્ટર કચેરીના રૂમમાં જિલ્લા આયોજન સમિતિની બેઠક ચાલી રહી હતી, આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી આશુતોષ ટંડન પણ હાજર હતા, ભાજપ હાઈકમાન્ડ દ્વારા સાંસદ અને ધારાસભ્ય વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવાની તૈયારી
 

શરમજનક...! BJPના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે જૂતા વડે છુટાહાથની મારામારી

લખનઉઃ ઉત્તરપ્રદેશના સંત કબીરનગરથી ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે થયેલી જૂતા વડે છુટાહાથની મારામારીની ઘટના બાદ પક્ષના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેયે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. મહેન્દ્રનાથ પાંડેયે જણાવ્યું કે, આ એક નિંદનીય વ્યવહાર છે અને બંને નેતાઓને લખનઉ બોલાવાયા છે. પક્ષના સુત્રોએ જણાવ્યું કે, ભાજપનું હાઈકમાન્ડ આ ઘટનાને હળવાશથી લેવાના મૂડમાં નથી. ભાજપ દ્વારા આ અંગે મોટી કાર્યવાહી થઈ શકે છે. 

આ ઘટના બાદ ભાજપના ધારાસભ્ય રાકેશ સિંહ બધેલ અને તેમના સમર્થકો સાંસદ શરદ ત્રિપાઠીની ધરપકડની માગ કરતા ડીએમ ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું. ઘટના એવી છે કે, ઉત્તરપ્રદેશના સંત કબીરનગરથી સાંસદ શરદ ત્રિપાઠીએ બુધવારે જિલ્લા કાર્ય આયોજન સમિતિની બેઠકમાં પોતાના જ પક્ષના ધારાસભ્ય રાકેશ સિંહ બધેલને જૂતા વડે માર માર્યો હતો. આથી ગુસ્સે થયેલા ધારાસભ્ય રાકેશ સિંહ પણ સાંસદ પર તુટી પડ્યા હતા અને બંને વચ્ચે છુટાહાથની મારામારી થઈ હતી. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

— ANI UP (@ANINewsUP) March 6, 2019

લખનઉ કલેક્ટર કચેરીના બેઠક રૂમમાં જિલ્લા આયોજન સમિતિની બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી આશુતોષ ટંડન પણ હાજર હતા. બેઠકમાં સંત કબીરનગરથી ભાજપના સાંસદ શરદ ત્રિપાઠી અને મેંહદવાલથી ભાજપના ધારાસભ્ય બધેલ વચ્ચે સડક નિર્માણનું શ્રેય લેવા અંગે માથાકૂટ થઈ હતી. 

સાંસદ શરદ ત્રિપાઠીએ ધારાસભ્ય રાકેશ સિંહ બધેલને એક સડકના નિર્માણ માટે મુકવામાં આવેલી શિલામાં તેમનું નામ ન લખવાનું કારણ પુછ્યું હતું. ધારાસભ્ય રાકેશ સિંહે તેનો ઉડાઉ જવાબ આપ્યો હતો. આથી સાંસદને અચાનક ગુસ્સો આવી ગયો અને કહ્યું કે હું સાંસદ છું એટલે મારું નામ તો તમારે લખવું જ જોઈતું હતું. 

— ANI UP (@ANINewsUP) March 6, 2019

આ બોલાચાલી એટલી તીવ્ર થઈ ગઈ કે સાંસદ શરદ ત્રિપાઠી પોતાના પગમાંથી બૂટ કાઢીને બાજુમાં બેસેલા ધારાસભ્ય રાકેશ સિંહ પર તુટી પડ્યા હતા. આથી, ધારાસભ્ય રાકેશ સિંહે પણ વળતો જવાબ આપતાં સાંસદ પર લાફાવાળી કરી હતી. અચાનક બનેલી આ ઘટનાથી બેઠકમાં હાજર લોકો પણ ચકિત રહી ગયા હતા. કોઈ કંઈ સમજે એ પહેલાં જ બંને નેતાઓ છુટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. 

— ANI UP (@ANINewsUP) March 6, 2019

બેઠકમાં હાજર સરકારી અધિકારીઓ અને પોલીસે વચ્ચે પડીને બંનેને છુટા પાડ્યા હતા. આ ઘટના અંગે હજુ કોઈ સ્પષ્ટતા આવી નથી, પરંતુ હાઈ કમાન્ડે કઠોર કાર્યવાહી કરવાના સંકેત આપી દીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news