તેજપ્રતાપનાં લગ્નથી પરત ફરી રહેલ કાર દુર્ઘટનાગ્રસ્ત:3 નેતાપુત્રોનાં મોત
ડ્રાઇવરને ઝોકુ આવી જતા ગાડી ડિવાઇડર કુદી ગઇ હતી: બે પુર્વ મંત્રીનાં પુત્ર સહિત કુલ 4 લોકોનાં મોત નિપજ્યાં
Trending Photos
પટના : શનિવારે રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવનાં લગ્ન હતા. આ લગ્નનાં કાર્યક્રમથી પરત ફરતા સમયે રવિવારે સવારે ફારબિસગંજમાં સરસી પુલ નજીક એક ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં કિશનગંજનાં રાજદ જિલ્લા અધ્યક્ષ ઇંતખાબ આલમ સહિત ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતકોમાં રાજદનાં પુર્વ પ્રદેશ મહામંત્રી ઇકરામુલ હક બાગી, કિશનગંજનાં દિધલબેંકનાં પ્રખંડ અધ્યક્ષ પપ્પુ અને સ્કોર્પિયોનો ડ્રાઇવર સાહિલનો સમાવેશ થાય છે. તમામ મૃતકો કિશનગંજનાં રહેવાસી છે.
જિલ્લા અધ્યક્ષ ઇંતરખાબ આલમનાં પિતા રફીક આલમ પુર્વ કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. જ્યારે મૃતક ઇકરામુલ હક બાગીનાં પિતા ઇસ્લામુદ્દીન બાગી બિહાર સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રહી ચુક્યા છે. ચારેયનાં શબને પોસ્ટમોર્ટમ માટે અરરિયા હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. લોકોને આ દુર્ઘટના અંગે માહિતી મળી તે સાથે જ હોસ્પિટલમાં રાજદ નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો મોટા પ્રમાણમાં એકત્ર થવા લાગ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન સમારંભમાંથી પરત ફરી રહેલ ગાડી સવારે 5 વાગ્યે ફારબિસગંજ સરસી પુલ નજીક પહોંચી અને અચાનક ડ્રાઇવરને ઝોકુ આવી ગયું હતું. જેનાં કારણે ગાડી પરનું નિયંત્રણ હટ્યું હતું અને ગાડી સીધી ડિવાઇડર કુદીને સામેની તરફ પલ્ટી મારી ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડી પલટી માર્યા બાદ એટલી બધી ઘસડાઇ કે ઉપરનું છાપરુ જ ઉડી ગયું હતું. ચારેયનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા લોકોએ ગાડી પર રહેલા બોર્ડથી ઓળખ કરીને પોલીસ તથા આધારકાર્ડ વડે મૃતકોની ઓળખ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે