Covid-19: દેશમાં કોરોના વિકરાળ બન્યો, PM મોદીએ તાબડતોબ બોલાવી બેઠક, મમતા બેનર્જી સામેલ નહીં થાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે 8 એપ્રિલ સાંજે 6 વાગે દેશમાં કોવિડ 19 (Covid-19) ની સ્થિતિ પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે 8 એપ્રિલ સાંજે 6 વાગે દેશમાં કોવિડ 19 (Covid-19) ની સ્થિતિ પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી મોદીની આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. જેમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સામેલ થશે.
મમતા બેનર્જી બેઠકમાં સામેલ નહીં થાય
જો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ બેઠકમાં સામેલ થશે નહીં. સૂત્રોના જણાવ્યાં મુજબ તેમની જગ્યાએ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલાપન બંદોપાધ્યાય બેઠકમાં હાજર રહેશે. એવું કહેવાય છે કે ચૂંટણી પ્રચારને કારણે મમતા બેનર્જી આ બેઠકમાં સામેલ થશે નહીં.
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનમાં કોરોનાના સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે. હાલમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને આ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક કરીને કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારાની સમીક્ષા કરી હતી.
અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસ સંક્રમણનો ફેલાવો હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કોરોનાની સ્થિતિ જોતા અનેક રાજ્યોમાં વીકએન્ડ લોકડાઉન અને નાઈટ કરફ્યૂ લગાવવાની ફરજ પડી છે.
એક જ દિવસમાં સવા લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,26,789 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,29,28,574 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,18,51,393 લોકો રિકવર થયા છે. જ્યારે 9,10,319 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 685 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાથી દેશમાં કુલ મૃત્યુઆંક 16,68,62 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 9,01,98,673 લોકોને રસી આપવામાં આવી છે.
છેલ્લા ચાર દિવસમાં આવું ત્રીજીવાર બન્યું છે કે દેશમાં એક જ દિવસમાં નવા કેસનો આંકડો એક લાખ પાર ગયો છે. આ અગાઉ મંગળવારે 1.15 લાખ કેસ આવ્યા હતા. એટલે કે બે દિવસમાં જ કેસ 2.40 લાખ વધી ગયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે