વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્ર-હરિયાણામાં 21મી ઓક્ટોબરે મતદાન અને 24મીએ પરિણામ

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. બંને રાજ્યોમાં 21મી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન યોજાશે.

વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્ર-હરિયાણામાં 21મી ઓક્ટોબરે મતદાન અને 24મીએ પરિણામ

નવી દિલ્હી: ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. બંને રાજ્યોમાં 21મી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે 24મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે એટલે કે ચૂંટણી પરિણામ આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડાએ ચૂંટણી કાર્યક્રમની જાણકારી આપતા કહ્યું કે બંને રાજ્યોમાં આજથી ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. અને બંને રાજ્યોમાં 27 સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ રાજ્યોની 64 વિધાનસભા બેઠકો અને બિહારની સમસ્તીપુર લોકસભા બેઠક માટે પેટાચૂંટણી પણ 21 ઓક્ટોબરે જ થશે. ગુજરાતની પણ 4 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી 21મી ઓક્ટોબરે જ યોજાશે અને 24મીએ પરિણામ જાહેર થશે. જો કે આ બેઠકોના નામ જાહેર કરાયા નથી. 

288 વિધાનસભા બેઠકોવાળા મહારાષ્ટ્રમાં અને 90 બેઠકોવાળા હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતા જ બંને રાજ્યોમાં આજથી આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે. હવે બંને રાજ્યોમાં કોઈ નવી જાહેરાતો  કરી શકાશે નહીં. મહારાષ્ટ્રમાં 8.9 કરોડ મતદારો અને હરિયાણામાં 1 કરોડ 28 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

હરિયાણામાં 2 નવેમ્બર અને મહારાષ્ટ્રમાં 9 નવેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ પૂરો
મહારાષ્ટ્રમાં મતદાનની પ્રક્રિયા પૂરી કરાવવા માટે 1.8 લાખ ઈવીએમનો ઉપયોગ થશે જ્યારે હરિયાણામાં 1.3 લાખ ઈવીએમનો ઉપયોગ થશે. હરિયાણામાં 2 નવેમ્બરના રોજ હાલની વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે જ્યારે મહારાષ્ટ્રમાં 9 નવેમ્બરના રોજ કાર્યકાળ  સમાપ્ત થશે. હાલ બંને રાજ્યોમાં ભાજપ સત્તા પર છે. આવામાં બંને રાજ્યોમાં પોતાની સત્તા જાળવી રાખવી એ ભાજપ માટે પડકાર છે. મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના સાથે ગઠબંધન સરકાર ચલાવી રહી છે. જ્યારે હરિયાણામાં તે બહુમત સાથે શાસનમાં છે. 

ગુજરાત સહિત 17 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 64 બેઠકો ઉપર પણ 21મીએ પેટાચૂંટણી
મુખ્ય ચૂંટણી કમિશનરે ગુજરાત સહિત 17 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 64 સીટો ઉપર પણ પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી. સુનીલ અરોડાએ જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આસામ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મેઘાલય, ઓડિશા, પુડ્ડુચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કીમ, તામિલનાડુ, તેલંગણા, અને ઉત્તર પ્રદેશની કુલ 64  બેઠકો ઉપર પણ 21મી ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે. જ્યારે મતગણતરી 24મી ઓક્ટોબરે હાથ ધરાશે. 

જુઓ LIVE TV

28 લાખ ખર્ચ કરી શકશે ઉમેદવારો, પ્લાસ્ટિક પર પ્રતિબંધ
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ જણાવ્યું કે અપરાધિક રેકોર્ડની જાણકારી ન આપનારા ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે. પંચે ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા 28 લાખ નક્કી કરી છે એટલે કે તેઓ એટલો ખર્ચ જ કરી શકશે. ચૂંટણી ખર્ચ પર નિગરાણી માટે પર્યવેક્ષકની નિયુક્તિ કરાશે. ચૂંટણીમાં ભાગ લેનારા ઉમેદવારોએ પોતાના હથિયારો જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત ચૂંટણી પંચે પ્રચારમાં પર્યાવરણનું ધ્યાન રાખતા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. 

બંને રાજ્યોમાં ભાજપની સરકાર
મહારાષ્ટ્ર, વિધાનસભાની વાત કરીએ તો અહીં ભાજપને 288માંથી 122 બેઠકો મળી હતી. જ્યારે હરિયાણામાં 90 બેઠકોમાંથી ભાજપને 47 મળી હતી. ત્યારબાદ મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપની સરકાર બની હતી. બંને રાજ્યોમાં સત્તા જાળવવી એ ભાજપ માટે પડકાર રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news