ગોધરા હત્યાકાંડમાં PM મોદીની છબી ખરાબ કરનારા 4 સામે ફરિયાદ

ધોરણ-12ના પુસ્તકમાં લખેલ ગોધરા કાંડના લેખ મામલે કેસ દાખલ કરાયો છે. જેમાં લખાયું છે કે, વર્ષ 2002માં ગુજરાતમાં થયેલ સાંપ્રદાયિક હિંસાના સમયે નરેન્દ્ર મોદી ગુજરાત સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેઓ આ સમયે મૂકદર્શક બની ગયા હતા

ગોધરા હત્યાકાંડમાં PM મોદીની છબી ખરાબ કરનારા 4 સામે ફરિયાદ

દેશમાં ફરીથી ગોધરા હત્યાકાંડ ચગ્યું છે. આ વખતે આ મુદ્દો છેડનાર કોઈ રાજકીય પક્ષો નહિ, પરંતુ લેખકો છે. આસામમાં 3 ફેમસ લેખકો અને પ્રકાશકની સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. આ લોકો પર ધોરણ-12ના પુસ્તકમાં લખેલ ગોધરા કાંડના લેખ મામલે કેસ દાખલ કરાયો છે. જેમાં લખાયું છે કે, વર્ષ 2002માં ગુજરાતમાં થયેલ સાંપ્રદાયિક હિંસાના સમયે નરેન્દ્ર મોદી ગુજરાત સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેઓ આ સમયે મૂકદર્શક બની ગયા હતા. ત્યારે આ લેખકો અને પ્રકાશકોનો વિરોધ કરાયો છે. 

શું લખાયું છે પુસ્તકમાં...
એફઆઈઆરમાં ચારે લોકો પર વડાપ્રધાન મોદીની છબી ખરાબ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુવાહાટી સ્થિત આસામ બુક ડેપો દ્વારા પ્રકાશિત 390 પાનાની પુસ્તક હકીકતમાં એક ગાઈડ બુક છે, જેને NCERTના સિલેબસના અનુસાર લખવામાં આવી છે. 2006માં પહેલીવાર છપાયેલી ગાઈડ બુકમાં ‘રિસન્ટ ઈશ્યુઝ એન્ડ ચેલેન્જિસ’ નામના છેલ્લા ચેપ્ટરમાં ‘ગોધરા ઈન્સીડન્સ એન્ડ એન્ટી-મુસ્લિમ રાયોટ્સ ઈન ગુજરાત’ નામનું એક સેક્શન છે. પુસ્તકના 376 પાના નંબર પર લખ્યું છે કે, કોચને આગ લગાવવાની ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 57 લોકો માર્યા ગયા હતા. આશંકા છે કે, આ ઘટના પાછળ મુસ્લિમો હતા. બીજા દિવસે ગુજરાતના વિવિધ ભાગોમાં મુસ્લિમો પર નિર્દયતાપૂર્વક હુમલા કરવામાં આવ્યા હતા. આ હિંસા એક મહિનાથી વધુ સમય ચાલી હતી, જેમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. મરનારાઓમાં મોટાભાગના મુસ્લિમો હતા. હિંસાના સમયે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર આ સમયે મૂકદર્શક હતી. તેમજ આરોપ પણ હતા કે, રાજ્યના પ્રશાસને હિન્દુઓની મદદ કરી હતી. 

3 લેખકો વિરુદ્ધ ફરિયાદ
તમને જણાવી દઈએ કે, આ પુસ્તકને આસામ હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલ વર્ષ 2011થી ફોલો કરી રહ્યું છે. આસામ બુક ડેપો રાજ્યનું અંદાજે 90 વર્ષ જૂનુ પ્રકાશન છે, અને તે આસામમાં બહુ જ ફેમસ છે. જે 3 લેખકો  સામે ફરિયાદ થઈ છે, તેમાં ગુવાહાટીના આર્ય વિદ્યાપીઠ કોલેજના પોલિટિકલ સાયન્સ વિભાગથી રિટાયર થયેલા એચઓડી દુર્ગાકાંત શર્મા, ગોઆલપાડા કોલેજના પોલિટિકલ સાયન્સ વિભાગથી રિટાયર્ડ થયેલા એચઓડી રફીક જમાન અને મિર્ઝા વિસ્તારના ડીકે કોલેજના પોલિટિકલ સાયન્સ વિભાગના એચઓડી માનસ પ્રતીમ બરુઆના  નામ સામેલ છે. જેમાંથી દુર્ગાકાંત શર્માનું થોડા વર્ષો પહેલા જ અવસાન થયું છે. 

આ ફરિયાદ ઈ-ડાકના માધ્યમથી કરવામાં આવી છે. 15 સપ્ટેમ્બરના રોજ ગોલાઘાટ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ મોકલાઈ હતી. જેના બાદ 16 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં લખાયું હતું કે, ‘તમે જાણો છો કે, સુપ્રિમ કોર્ટની નજર હેઠળની સ્પેશિયલ ટીમે 12 સપ્ટેમ્બર, 2011ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે ક્લીન ચીટ આપી દીધી છે. 

આ ફરિયાદ કરનાર શખ્સોનુ નામ છે સૌમિજ્ઞ ગોસ્વામી અને મનબ જ્યોતિ બોરા. તેમનુ કહેવું છે કે, આપણા દેશના ભાવિ વિદ્યાર્થીઓને લોકપ્રિય વડાપ્રધાન વિશે ભ્રમિત કરતી માહિતી આપવામાં આવી રહી છે. પ્રકાશકની સાથે લેખકો પણ ખોટી સાંપ્રદાયિક માહિતી આપી રહ્યાં છે અને સુપ્રિમ કોર્ટની નજર હેઠળની એસઆઈટી રિપોર્ટનું આ હળાહળ અપમાન છે. 2011માં વડાપ્રધાનને આ મામલે ક્લિનચીટ અપાઈ ગઈ છે, તેવું પુસ્તકમાં કેમ લખવામાં આવ્યું છે. આ માહિતી ભ્રમિત કરતી છે, અને પુસ્તક પર પ્રતિબંધ અથવા તો તેને માર્કેટમાંથી હટાવી લેવી જોઈએ.

આ માહિતી લખનાર ત્રણેય લેખકોનું કહેવું છે કે, તેમણે NCERTના સિલેબસ અનુસાર આ પુસ્તક લખી હતી. તો બીજી તરફ, અસમ બુકના ડેપોમાં પાર્ટનર એવા કૌસ્તવ ગુહાએ કહ્યું કે, કોઈની લાગણીને દુભાવવાનો અમારો હેતુ ન હતો. અમે આ પુસ્તકમાં બદલાવ લાવવા તૈયાર છીએ, જેથી કોઈને દુખ ન થાય. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news