દિલ્હીમાં હિંસક બન્યો વિરોધ, અનેક વાહનોમાં આગચાંપીની ઘટના, 37 પોલીસકર્મી ઈજાગ્રસ્ત, એકનું મોત

મૌજપુરમાં સોમવારે બે જૂથો વચ્ચે સામ-સામે પથ્થરમારો કરવામાં આવ્યો અને ગાડીઓમાં આગ લગાવવામાં આવી હતી. આ દરમિયાન એક હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. 

Updated By: Feb 24, 2020, 06:51 PM IST
દિલ્હીમાં હિંસક બન્યો વિરોધ, અનેક વાહનોમાં આગચાંપીની ઘટના, 37 પોલીસકર્મી ઈજાગ્રસ્ત, એકનું મોત

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદા (CAA)નું સમર્થન અને વિરોધ કરનાર પ્રદર્શનકારીઓ વચ્ચે એકવાર ફરી હિંસા ભડકી છે. ઉત્તર પૂર્વ અને પૂર્વી દિલ્હીના ઘણા વિસ્તારમાં શરૂ થયેલી હિંસામાં પ્રદર્શનકારીઓએ ઘણા વાહનોમાં આગ લગાવી દીધી છે. ગોકુલપુરીમાં પથ્થરબાજી દરમિયાન એક હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. દિલ્હી પોલીસના સૂત્રો પ્રમાણે એસીપીના રીડર રતન લાલ (હેડ કોન્સ્ટેબલ)નું મોત થયું છે. શાહદરાના ડીસીપી અમિત શર્મા પણ ઈજાગ્રસ્ત થયા છે. અમિત શર્મા ભજનપુરા વિસ્તારમાં થયેલી હિંસા દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. આ મૌજપુરમાં હિંસા દરમિયાન આશરે 37 પોલીસકર્મીને ઈજા પહોંચી છે. ત્યારબાદ ભજનપુરાના એક પેટ્રોલ પંપ નજીક એક કારમાં આગ ચાંપવામાં આવી ત્યારબાદ પેટ્રોલ પંપ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો.  આગને કાબુમાં લેવા માટે ફાયરની ગાડી પહોંચી તો પ્રદર્શનકારીઓએ તેમાં પણ તોડફોડ કરી દીધી હતી. 

દિલ્હી પોલીસે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે, 'નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના વિસ્તારમાં હિંસા અને આગના કેટલાક બનાવો બન્યા છે. ખાસ કરીને મૌજપુર, કર્દમપુરી, ચાંદ બાગ અને દયાલપુર વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા માટે દિલ્હી અને ખાસ કરીને નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના લોકોને અપીલ કરવામાં આવી છે. શાંતિ અને સદ્ભાવની અપીલ અને કોઈ ખોટી અફવા પર વિશ્વાસ કરવો નહીં. મીડિયાને પણ તે અપીલ કરવામાં આવી છે કે કોઈપણ મુશ્કેલી ઉભી કરનાર તસવીરોને પ્રસારિત ન કરે જે સ્થિતિને ગંભીર બનાવી શકે છે. દિલ્હી પોલીસ સ્થિતિને કાબુમાં લેવા માટે પ્રયાસ કરી રહી છે. નોર્થ ઈસ્ટ જિલ્લાના પ્રભાવિત વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે અને હિંસક પ્રદર્શનકારી અને અસામાજિક તત્વો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.'

દિલ્હીના 10 વિસ્તારમાં કલમ 144 લગાવવામાં આવી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શાંતિ જાળવવાની અપીલ કરી છે. 

દિલ્હીમાં થયેલી હાલની હિંસાને લઈને ગૃહમંત્રાલયના સૂત્રોએ દાવો કર્યો કે, અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રવાસને ધ્યાનમાં રાખીને પૂર્વ આયોજીત રીતે હિંસાની આશંકા છે. દિલ્હી પોલીસ કમિશનર કંટ્રોલ રૂમથી સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. 

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ દિલ્હીના નોર્થ ઈસ્ટ જિલ્લામાં રવિવારે થયેલી હિંસામાં 4 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ચાર મામલામાંથી 2 મામલા જાફરાબાદ અને મૌજપુરના છે તો દયાલપુરના 2 મામલામાં પણ FIR નોંધવામાં આવી છે. તો આ હિંસામાં એક હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત થયું છે. મહત્વનું છે કે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ હિંસામાં 10 પોલીસકર્મી અને 1 સામાન્ય નાગરિકને ઈજા પહોંચી છે. હિંસામાં 2 ઓટો રિક્ષા, 3 બાઇક અને 5 ગાડીમાં આગ લગાવવામાં આવી છે. આ વચ્ચે મૌજપુર વિસ્તારમાં હવામાં ફાઇરિંગ કરતા એક વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. 

દિલ્હીના જાપરાબાદ, મૌજપુરમાં રવિવારે એક રસ્તા પર 'નાગરિકતા સંશોધન કાયદાના સમર્થક અને વિરોધી જૂથો આમને-સામને આવી ગયા હતા. રવિવારે સવારે જાફરાબાદ મેટ્રો સ્ટેશનની પાસે મોટી સંખ્યામાં મહિલાઓ પ્રદર્શન માટે ભેગી થઈ હતી અને બપોરે જાફરાબાદમાં પથ્થરમારો શરૂ થયો હતો. મૌજપુર મેટ્રો સ્ટેશનની પાસે પણ બંન્ને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. પછી પોલીસે ટીયર ગેસના સેલ છોડીને સ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસ કર્યાં હતા. રવિવારે પણ સીએએને લઈને ચાંદબાગ, જાફરાબાદ, ખુરેજી, શાહીન બાગમાં પ્રદર્શન થયા હતા.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...