પુણેઃ સીરમ ઈન્સ્ટિટ્યુટમાં આગ લાગવાથી પાંચના મોત, સીએમ ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ

ભારતમાં કોરોના વાયરસની વેક્સિન બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) માં આગ લાગવાની ઘટના સામે આવી છે.

Updated By: Jan 21, 2021, 06:14 PM IST
પુણેઃ સીરમ ઈન્સ્ટિટ્યુટમાં આગ લાગવાથી પાંચના મોત, સીએમ ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ

પુણેઃ ભારતમાં કોરોના વાયરસની વેક્સિન બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) માં આગ લાગવાની ઘટના સામે આવી છે. પુણે સ્થિત સીરમના ટર્મિનલ ગેટ 1 પર આગ લાગી છે. આગની માહિતી પ્રાપ્ત થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે. 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, પ્રાપ્ત જાણકારી અનુસાર આગ કાબુમાં છે. તેમણે કહ્યુ કે, કોવિડ વેક્સિનના યુનિટમાં આગ લાગી નથી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, મેં કલેક્ટર અને મેયર સાથે વાત કરી છે. આગ નિયંત્રણમાં છે. 6 લોકોને બચાવવામાં આવ્યા છે. તો પુણેના મેયરે કહ્યુ કે, આ દુર્ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયા છે. 

સીએમ ઠાકરેએ કહ્યુ કે, ઇમારતમાં બીસીજી વેક્સિન બનતી હતી અને તેને કોવિશીલ્ડ સાથે કોઈ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે, આગ લાગવાના કારણોની તપાસ થશે. 

તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યુ કે, અમે તપાસના આદેશ આપ્યા છે. હું વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છું. દેશ અને વિશ્વમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પવારે કહ્યુ કે, વેક્સિનેશન પ્લાન્ટ સુરક્ષિત છે. 

જાણવા મળી રહ્યું છે કે પુણેના મંજરીમાં સ્થિત સીરમના નવા પ્લાન્ટમાં આગ લાગી છે. 300 કરોડના ખર્ચથી બનેલા આ પ્લાન્ટમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનું મોટા પાયે પ્રોડક્શન કરવાની યોજના છે. પાછલા વર્ષે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. હાલ આ પ્લાન્ટમાં વેક્સિન ઉત્પાદનનું કામ શરૂ થયું નથી. 

સ્થળ પર ફાયરની સાત-આઠ ગાડીઓ પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આગ લાગવાને કારણે ટર્મિનલમાં કેટલા લોકો ફસાયા છે, તેની જાણકારી સામે આવી નથી. દૂરથી ધુમાડાના ગોટે-ગોટા જોવા મળી રહ્યાં છે. 

હાલ કોરોના વેક્સિન કોવિશિલ્ડનું પ્રોડક્શન સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના નવા પ્લાન્ટથી આશરે એક બે કિલોમીટર દૂર સ્થિત જૂના પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટનું નિર્માણ 1996મા થયું હતું. અહીં પર કોવિશિલ્ડ વેક્સીનનું પ્રોડક્શન થઈ રહ્યું છે. કોવિશિલ્ડનું મોટા પાયા પર પ્રોડક્શન કરવાની તૈયારી નવા પ્લાન્ટથી હતી, જેમાં હાલ આગ લાગી છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube