મોટા સમાચાર! સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવી ક્યારે આવશે કોરોનાની વેક્સીન
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને કહ્યું કે, જો બધુ બરાબર ચાલે તો ભારતને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સીન મળશે. કોવિડ-19ની ત્રણ વેક્સીન ભારતમાં વિકાસના વિવિધ તબક્કામાં છે. આમાંથી બે વેક્સીન સ્વદેશી છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવે તાજેતરમાં જણાવ્યું હતું કે, કોવિડ-19ની બે સ્વદેશી વેક્સીનના માનવ પરીક્ષણોનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને પરીક્ષણ બીજા તબક્કામાં પહોંચી ગયું છે. આમાંથી એક વેક્સીન આઈસીએમઆરના સહયોગથી ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે અને બીજી વેક્સીન ઝાયડસ કેડિલા લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કોવિડ-19 વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના માનવ પરીક્ષણોની મંજૂરી આપવામાં આવી છે. આવતા અઠવાડિયામાં પરીક્ષણ શરૂ થઈ શકે છે.
સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને શનિવારે ટિ્વટ કર્યું હતું, 'મને આશા છે કે, જો બધુ બરાબર ચાલશે તો આ વર્ષના અંત સુધીમાં ભારતને કોરોના વાયરસની વેક્સીન મળી જશે.'
આ વચ્ચે આઇસીએમઆર ભારત અને વિદેશમાં કોવિડ-19 વેક્સીનના વિકાસ વિશે માહિતી આપવા માટે એક પોર્ટલ બનાવી રહ્યું છે, જેના પર અંગ્રેજી ઉપરાંત કેટલીક પ્રાદેશિક ભાષાઓમાં જાણકારી આપવામાં આવશે.
આઇસીએમઆરમાં મહામારી વિજ્ઞાન તેમજ સંચારી રોગો વિભાગના પ્રમુખ સમીરન પાંડાએ શનિવારે કહ્યું હતું કે, પોર્ટલ બનાવવાનો હેતુ કોવિડ-19 વેક્સીનના વિકાસ વિશે જાણકારી એક જ જગ્યાએ ઉપલબ્ધ કરવાનો છે કારણ કે આ અંગેની માહિતી છૂટીછવાયેલી છે. પોર્ટલ આવતા અઠવાડિયા સુધીમાં શરૂ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે