હરિયાણામાં વળી પાછું સસ્પેન્સ...દુષ્યંત ચૌટાલા નહીં, તો કોણ બનશે ડેપ્યુટી CM? 'આ' મહિલાનું નામ ચર્ચામાં
હરિયાણામાં મુદ્દાઓ પર સહમતિ બન્યા બાદ જનનાયક જનતા પાર્ટી (જેજેપી) દ્વારા ભાજપની સાથે મળીને સરકાર બનાવવાની વાત પાક્કી થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે જેજેપી તરફથી ડેપ્યુટી સીએમના પદ માટે કોને આગળ ધરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી/ચંડીગઢ: હરિયાણામાં મુદ્દાઓ પર સહમતિ બન્યા બાદ જનનાયક જનતા પાર્ટી (જેજેપી) દ્વારા ભાજપની સાથે મળીને સરકાર બનાવવાની વાત પાક્કી થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે જેજેપી તરફથી ડેપ્યુટી સીએમના પદ માટે કોને આગળ ધરવામાં આવશે. તેનો જવાબ સામે આવ્યો છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે બાઢડા સીટ પરથી જેજેપી ધારાસભ્ય અને દુષ્યંત ચૌટાલાના માતા નૈના ચૌટાલા ડેપ્યુટી સીએમ બની શકે છે. હકીકતમાં હરિયાણાના રાજકારણમાં નૈના ચૌટાલાનું નામ નવું નથી. તેઓ હરિયાણાના દિગ્ગજ રાજકીય પરિવાર ચૌટાલા ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તેઓ ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના પૂર્વ નેતા અને જેજેપી સંસ્થાપક અજયસિંહ ચૌટાલાના પત્ની છે.
અત્રે જણાવવાનું કે જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા શુક્રવારે રાતે ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતાં. ત્યારબાદ ગઠબંધનનો નિર્ણય લેવામાં આવ્યો. ગઠબંધનની જાહેરાત કરતી વખતે ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે હરિયાણામાં ભાજપ અને જેજેપી મળીને સરકાર બનાવશે. તેમણે કહ્યું કે સરકારમાં ભાજપના મુખ્યમંત્રી અને જેજેપીના નાયબ મુખ્યમંત્રી હશે.
ગઠબંધનની જાહેરાત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, "હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જનતાએ જે જનાદેશ આપ્યો છે તેને ધ્યાનમાં રાખીને ભાજપ અને જેજેપીએ ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે. શનિવારે ભાજપની બેઠક થયા પછી રાજ્યપાલને સરકાર રચવા માટે જણાવાશે. જેજેપીને નાયબ મુખ્યમંત્રી અને બે મંત્રી પદ આપવામાં આવશે. સાથે જ અપક્ષોનું પણ સમર્થન લેવામાં આવશે. હરિયાણામાં ગઠબંધન સરકાર આગામી 5 વર્ષ સુધી રાજ્યમાં મોદી સરકારના નેતૃત્વમાં રાજ્યના વિકાસને આગળ ધપાવશે."
જુઓ LIVE TV
ગઠબંધનની જાહેરાત પછી હરિયાણાના મુખમંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે, "અમે જનતાના જનાદેશને સ્વીકારીએ છીએ. જનતાની લાગણીને ધ્યાનમાં રાખીને જ અમે જેજેપી સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે. અમારી સાથે કેટલાક અપક્ષો પણ છે અને તેમનું પણ સમર્થન લેવામાં આવશે."
જેજેપીના પ્રમુખ દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું કે, "અમારા દાદા દેવીલાલ ચૌટાલા પણ જનસંઘ સાથે જોડાયેલા હતા. અમારી પાર્ટીના નેતાઓ સાથે મળીને રાજ્યના વિકાસને આગળ લઈ જવા માટે અમે ભાજપને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના કાર્યકર્તાઓનો અને રાજ્યની જનતાનો અભુતપૂર્વ સમર્થન બદલ અમે આભાર માનીએ છીએ."
શનિવારે ગઠબંધનની તમામ પ્રક્રિયા પુરી કર્યા પછી રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવામાં આવશે. બંને પક્ષો વચ્ચે થયેલા ગઠબંધન અનુસાર મુખ્યમંત્રી ભાજપના રહેશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી પદ જેજેપીને આપવામાં આવશે. જેજેપીમાંથી કોણ મંત્રી બનશે તેની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે