આ સાચી મિત્રતા, મોત સામે ઝઝૂમતી મુસ્લિમ સખીને કિડની દાન કરવા સિખ યુવતી મક્કમ

સાચી મિત્રતા કોને કહેવાય? આનાથી સારી મિસાલ તમને નહીં મળે. 23 વર્ષની મનજોત કોહલી તેની મુસ્લિમ સખી સમરિન અખ્તરનું જીવન બચાવવા માટે તેની એક કિડની દાન કરવા તૈયાર થઈ ગઈ છે.

આ સાચી મિત્રતા, મોત સામે ઝઝૂમતી મુસ્લિમ સખીને કિડની દાન કરવા સિખ યુવતી મક્કમ

શ્રીનગર: સાચી મિત્રતા કોને કહેવાય? આનાથી સારી મિસાલ તમને નહીં મળે. 23 વર્ષની મનજોત કોહલી તેની મુસ્લિમ સખી સમરિન અખ્તરનું જીવન બચાવવા માટે તેની એક કિડની દાન કરવા તૈયાર થઈ ગઈ છે. તેની સખીની બંને કિડની ખરાબ છે અને તે 9 મહિનાથી હોસ્પિટલના બીછાને છે. ઉધમપુરમાં રહેતી આ સિખ યુવતીનો પરિવાર તેના આ નિર્ણયથી ખુબ નારાજ છે અને પરિવાર તથા હોસ્પિટલ દ્વારા અનેક વિધ્નો આવવા છતાં યુવતી કિડની આપવા માટે મક્કમ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં પરિવાર દ્વારા વિરોધ થયા બાદ હોસ્પિટલે પણ વાર લગાડતા યુવતીએ હવે કોર્ટમાં જવાનું નક્કી કર્યુ છે. 

મનજોત કોહલીના જણાવ્યાં મુજબ આ લોકો એટલા માટે મંજૂરી નથી આપતા કારણ કે અમારા રાજ્યમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. તેનાથી હોસ્પિટલ પોતે પરેશાન છે. શું કરવું, શું નહીં. મારી પાસે કોર્ટના એવા જજમેન્ટની કોપી પડી છે જેમાં રાજસ્થાનનો એક મામલો હતો અને કોર્ટે ડોનરના હકમાં ચુકાદો આપ્યો હતો. હવે જ્યારે આ લોકોને કાયદાની કોઈ ખબર નથી, તો અમારે જ કઈંક કરવું પડશે. મેં મારા વકીલ સાથે વાત કરી છે હવે કોશિશ એ છે કે કોર્ટ દ્વારા જ આદેશ લેવો. પરંતુ જો બધા વચ્ચે સમરીનને કઈંક થયું તો જવાબદાર કોણ હશે. 

મનજોત એક સોશિયલ એક્ટિવિસ્ટ છે અને રાજૌરીની રહીશ સમરીન અખ્તર અને તે છેલ્લા 4 વર્ષથી બહેનપણી છે. સમરીન પણ તેની સાથે સોશિયલ વર્કમાં મદદ કરતી આવી છે. સમરીને પોતાની બીમારી અંગે ક્યારેય જણાવ્યું નહીં પરંતુ બંનેની એક કોમન બહેનપણી દ્વારા જ્યારે ખબર પડી તો મનજોત ત્યાં ગઈ અને છેલ્લા 4 મહિનાથી સમરીન સાથે શ્રીનગર સ્કિમ્સમાં છે જ્યાં તેની સારવાર થઈ રહી છે. 

મનજોત કોહલીએ જણાવ્યું કે મને જ્યારે ખબર પડી  કે તેને કિડનીની જરૂર છે. બી પોઝીટિવ ડોનર જોઈએ તો મે તે સમયે તેને ફોન કરીને કહ્યું કે હું આવું છુ. હું ચાર મહિનાથી તેની સાથે છું. તે ડાયાલિસિસ પર છે. પરંતુ તેની હાલત એટલી બગડી ગઈ છે કે ડાયાલિસિસની અસર પણ ઓછી થઈ રહી છે. મને એવું લાગ્યું કે તે પણ મારી ઉંમરની જ છે. તેને પણ જીવવાનો હક છે. સૌથી મોટી વાત એ છે કે તે મારી મિત્ર છે. 

મનજોતના પરિવારને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે હોસ્પિટલને એક નોટિસ મોકલી છે કે જો તેમણે આમ કર્યું તો તેઓ લીગલ કાર્યવાહી કરશે. પરંતુ મનજોત કહે છે કે પહેલા તેના પિતા રાજી હતા પરંતુ ત્યારબાદ કોઈના દબાણમાં આવીને તેમણે મારો સાથ છોડી દીધો. મનજોતે કહ્યું કે હું વયસ્ક છું, 23 વર્ષની છું. હું મારા શરીર સાથે જે પણ  કરું મને પૂરી આઝાદી છે. મારા પરિવારની સહમતિની પણ જરૂર નથી. હું વયસ્ક છું અને કાયદાની મદદ લઈ શકું છું. 

મનજોતે કહ્યું કે હોસ્પિટલ ચાર મહિનાથી મને મુરખ બનાવે છે. બહાન બતાવે છે. સમરીનની હાલત બગડી રહી છે. જો મોડું થયું તો તેનું બચવું મુશ્કેલ છે. હું માણસાઈથી આમ કરી રહી છું.તેની સાથે મિત્રતા કર્યા બાદ મને તેનું નામ  ખબર પડી હતી. સ્કિમ્સમાં સારવાર કરાવી રહેલી મુસ્લિમ યુવતી સમરીન અખ્તરે  કહ્યું કે તે આટલા પ્રેમ માટે તેની સખીની આભારી છે. 

સમરીને કહ્યું કે ડોક્ટર કહે છે કે ધાર્મિક મુદ્દો બની જશે. પરંતુ મનજોતે આ ન વિચાર્યું કે હું મુસ્લિમ છું. તે તે માણસાઈ માટે થઈને પોતાની ફરજ નિભાવી રહી છે. જો આમ ન થયું તો તે કેવી રીતે મિસાલ ઊભી કરસે. સમરીને કહ્યું કે બની શકે કે અમારું આ ઉદાહરણ જોઈને લોકો પણ જાગે અને ધર્મ જાતિની પરવા કર્યા વગર માણસાઈની ફરજ બજાવે. 

એક એફિડેવિટ મુજબ મનજોતે 26 મે 2018ના રોજ સમરીનને પોતાની કિડની આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ મનજોતના કહેવા મુજબ તેના પરિવાર દ્વારા હોસ્પિટલના મેનેજમેન્ટને એક નોટિસ મોકલવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી હોસ્પિટલ ટાળી રહી છે. હોસ્પિટલને ડર છે કે આ ક્યાંક મુદ્દો ન બની જાય. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news