pm modi live : એ હતા સત્યાગ્રહી, આ છે સ્વચ્છાગ્રહી, જેમણે કરી બતાવ્યું જોરદાર કામ...

બિહારના ચંપારણ ખાતે મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલા સત્યાગ્રહને 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ ગંગા સફાઇ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂર્ણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું જીવીશ તો પણ ગંગા માટે અને મરીશ તો પણ ગંગા માટે. 

pm modi live : એ હતા સત્યાગ્રહી, આ છે સ્વચ્છાગ્રહી, જેમણે કરી બતાવ્યું જોરદાર કામ...

પટના : બિહારના ચંપારણ ખાતે મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલા સત્યાગ્રહને 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી બાપુ અમર રહોના નારા સાથે બિહારી ભાષામાં સંબોધન કરતાં સ્વચ્છતા પર ભાર મુક્યો હતો. એમણે ચંપારણના સત્યાગ્રહ બાદ આજના સ્વચ્છાગ્રહીઓ નમન કર્યા હતા. 

મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ ભારતના પ્રથમ સત્યાગ્રહ એવા ચંપારણ સત્યાગ્રહને 10 એપ્રિલ અને મંગળવારે 100 વર્ષ પુરા થઇ રહ્યા છે. બિહારના ચંપારણ જિલ્લાથી શરૂ કરાયેલ ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોતિહારી પહોંચ્યા છે. અહીં આવી પહોંચતાં વડાપ્રધાને મહાત્મા ગાંધીની પ્રતિમા આગળ શીશ નમાવ્યું અને રેલ યોજનાને લીલી ઝંડી બતાવી પીએમ મોદીએ 20 હજાર સ્વચ્છાગ્રહીઓ અને જનતાને સંબોધન કર્યું. 

LIVE : बिहार ने मोहनदास करमचंद गांधी को महात्‍मा बना दिया : चंपारण में बोले पीएम नरेंद्र मोदी

સ્વચ્છાગ્રહીઓ નવી દિશા આપી રહ્યા છે
વડાપ્રધાને કહ્યું કે, કોણ કહે છે કે ઇતિહાસ ફરી દોહરાતો નથી. એ લોકો અહીં આવીને જોવે. અહીં મારી સામે જે સ્વચ્છાગ્રહીઓ બેઠા છે એમનામાં ગાંધીજીના વિચાર, અંશ જીવિત દેખાય છે. જેમને હું શત શત નમન કરૂ છું. સો વર્ષ પૂર્વે અહીં દેશભરમાંથી સત્યાગ્રહીઓ આવ્યા હતા. આજે સો વર્ષ બાદ દેશના વિવિધ વિસ્તારમાંથી અહીં સ્વચ્છાગ્રહીઓ આવ્યા છે. આ વિશાળ સમુહમાં કોઇ કસ્તૂરબા છે તો કોઇ રાજકુમાર શુકલા છે, કોઇ ગોરખપ્રસાદ છે, હરિવંશ રાય છે, કોઇ ડો.રાજેન્દ્ર બાબુ છે, કોઇ જે બી કૃપલાણી છે. આવા મહાન વ્યક્તિઓના જીવનને મહાન દિશા આપી હતી એ રીતે આ સ્વચ્છાગ્રહીઓ નવી દિશા આપી રહ્યા છે. ચલો ચંપારણ આ નારા સાથે હજારો સ્વચ્છાગ્રહીઓ અહીં આવ્યા છે. આપનો આ ઉત્સાહ અને ઉર્જાને રાષ્ટ્ર નિર્માણ પ્રતિ આતુરતાને બિહારના લોકોની અભિલાષાને હું નમન કરૂ છું. સ્વચ્છતા પ્રતિ આ નવી શરૂઆત છે. 

બિહારે દેશને રસ્તો બતાવ્યો છે..
વધુમાં એમણએ કહ્યું કે, ભારતની ત્રણ મોટી કસોટીઓ સમય આ એ જ બિહાર છે કે જેણે દેશને રસ્તો બતાવ્યો છે. જ્યારે દેશ ગુલામીની ઝંઝીરોમાં હતો ત્યારે મોહનદાસને બાપુ બનાવી દીધા હતા. સ્વતંત્રતા બાદ જ્યારે ભૂમિ માટે સંકટ આવ્યું તો વિનોબાએ ભૂમિદાન કર્યું. મને ગર્વ છે કે સ્વચ્છાગ્રહી થકી આ પંથકે ફરી એકવાર પોતાની શક્તિનો પરચો આપ્યો છે. સ્વચ્છતા મામલે બિહારની સ્થિતિ જોયા બાદ મોદીજી આવી કેમ વાત કરે છે એવું પણ પુછનારા હશે પરંતુ એમને કહેવાનું કે નીતિશકુમારના શાસનમાં અહીં જે કામ થયું છે એ જોતાં સ્થિતિ બદલાઇ છે. 

હજાર હાથ વાળા વડાપ્રધાન...
સરકારમાં કામ કરનારાઓ પડદા પાછળ હોય છે. આજે આ વાત કહેવાની ઇચ્છા થાય છે. આઇએએસ ઓફિસર નિવૃત થયા બાદ અમેરિકી ચાલ્યા ગયા હતા. પરંતુ બિહારમાં આ અભિયાન માટે એમને કહેવાયું તો તેઓ અમેરિકાથી પરત આવ્યા અને આજે તેઓ સ્વચ્છતા માટે વિશેષ કામગીરી બજાવી રહ્યા છે. આવા સાથીઓ અને સ્વચ્છાગ્રહીઓ મારી સાથે છે એ જોતાં મને લાગે છે કે હું બાપુનું સપનું પૂર્ણ કરી બતાવીશ. ભગવાનને હજાર હાથ હોય છે એવું કહેવાય છે પરંતુ હજારો હાથ વાળા વડાપ્રધાન ક્યારેય નથી જોયા પરંતુ આ હજારો સ્વચ્છાગ્રહીઓનો સાથ મળતાં આ વડાપ્રધાન હજાર હાથવાળા બન્યા છે. બાપુના સ્વચ્છતાના કામને એક નવી દિશા મળી છે. 

સ્વચ્છાગ્રહીઓનું કરાયું સન્માન
ચંપારણ સત્યાગ્રહે દેશને આઝાદી માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સત્યાગ્રહને 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે અહીં એવા સ્વચ્છાગ્રહીઓનું સન્માન કરાયું કે જેમણે સ્વચ્છતા માટે કઠીન કાર્ય કરી બતાવ્યું. દેશના એવા ઘણા વિસ્તાર છે કે જ્યાં ખુલ્લામાં શૌચ જવાનો ટ્રેડ છે એવા વિસ્તારોમાં ટીકા, અપમાનનો ભોગ બન્યા બાદ પણ આ કાર્ય ન છોડ્યું અને સ્વચ્છતા માટે વિશેષ કાર્ય કરી બતાવ્યું. વડાપ્રધાનના હસ્તે મોરીશ, મણીલાલ સહિતના સ્વચ્છતાગ્રહીઓને રૂપિયા 51 હજાર તથા એવોર્ડ આપી સન્માનિત કરાયા. 

દરેક પરિવારને પોતાનું શૌચાલય હશે...
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મહાત્મા ગાંધીજી અને ચંપારણની ધરતીને નમન કરતાં કહ્યું કે, જો આજની પેઢી ગાંધીજીના વિચારોને અપનાવશે તો દેશમાં ઘણો સુધાર આવશે. આજે જે હિંસા થઇ રહી છે એને બદલે શાંતિનો માર્ગ તૈયાર થશે. ગાંધીજીના સ્વચ્છતા અભિયાન પર ભાર મુકતાં એમણે કહ્યું કે, બિહારની સરકાર બધી રીતે કટીબધ્ધ છે. લોકોને ખુલ્લામાં શૌચથી મુક્ત કરાવીશું. દરેક પરિવારને શૌચાલય આપીશું. આ કામ કરીશું. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર બધે જ શૌચાલય બનાવાશે. 

નીતિશ કુમારે મોદીને ગુલાબ આપ્યું
પીએમ મોદી ચંપારણ આવી પહોંચતાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુલાબ આપી સ્વાગત કર્યું હતું. નીતિશ કુમારે એરપોર્ટ ખાતે વડાપ્રધાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને ગળે મળ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી, રામ વિલાસ પાસવાન પણ ઉપસ્થિત હતા. 

સાચા અર્થમાં હવે આઝાદી મળી છે...
કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ કહ્યું કે, મહાત્મા ગાંધીના પ્રયાસથી અંગ્રેજોની ચૂંગાલથી દેશને આઝાદી મળી હતી પરંતુ દેશને સાચા અર્થમાં આઝાદી ત્યારે મળી જ્યારે મોદીજીએ દેશના ગરીબોના કલ્યાણના વિચાર સાથે લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો, વધુમાં એમણે કહ્યું કે, અગાઉ પણ ગંગા સફાઇની વાતો થઇ હતી પરંતુ એ વખતે માત્ર પાખંડ જ થયા હતા. હવે ખરા અર્થમાં ગંગા સ્વચ્છ બની રહી છે. વડાપ્રધાન મોદીજીના સંકલ્પ સાથે આજે ગંગા પવિત્ર થઇ રહી છે. હું જીવીશ તો પણ ગંગા માટે અને મરીશ તો પણ ગંગા માટે જ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news