લોકસભા ચૂંટણી 2019: ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં યોજાશે ચૂંટણી
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એક સાથે તમામ 26 બેઠકો પર ચૂંટણી લડાશે
Trending Photos
નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા શનિવારે લોકસભા ચૂંટણી 2019ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દેશભરમાં 7 તબક્કામાં જુદા-જુદા ફેઝમાં મતદાન યોજાવાનું છે. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં એકસાથે તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણીની મત ગણતરી 23 મેના રોજ કરવામાં આવશે. એટલે કે, ગુજરાતમાં હવે આજની તારીખથી 45 દિવસ મતદાન યોજાશે.
રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સત્તા પક્ષ તરફથી આગામી લોકસભાની ચૂંટણીમાં 2014ના લોકસભા ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કરવાની તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. જેની સામે કોંગ્રેસ પક્ષ પણ સંપૂર્ણપણે તૈયાર છે. 2017ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જે રીતે બહુમતી મળી હતી તે જોતાં આ વખતે કોંગ્રેસ ભાજપના ગઢમાં ગાબડું પાડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ 2019ના રોજ ચૂંટણીની તારીખો જાહેર કરતા જણાવ્યું કે, મતદારોની સંખ્યા વધીને 90 કરોડ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીની તૈયારી ઘણા લાંબા સમયથી કરવામાં આવી હતી.
ગુજરાતનું પરિદૃશ્ય
ગુજરાત રાજ્યમાં લોકસભાની કુલ 26 બેઠક છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ગુજરાતની કુલ 26 બેઠકમાંથી કચ્છ અને અમદાવાદ પશ્ચિમની બેઠક અનુસૂચિત જાતિ માટેની અનામત છે. જ્યારે દાહોદ, છોટા ઉદેબુર, બારડોલી અને વલસાડની ચાર બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવેલી છે. આ સિવાયની બેઠકો જનરલ કેટેગરીની છે.
ગુજરાતની 26 બેઠકો પર 2014માં વિજેતા ઉમેદવાર
ક્રમ બેઠક કેટેગરી વિજેતા ઉમેદવાર (પક્ષ)
1 કચ્છ SC ચાવડા વિનોદ લક્ષ્મણસિંહ (ભાજપ)
2 બનાસકાંઠા જનરલ ચૌધરી હરીભાઈ પાર્થીભાઈ (ભાજપ)
3 પાટણ જનરલ લીલાધરભાઈ કે. વાઘેલા (ભાજપ)
4 મહેસાણા જનરલ જયશ્રીબેન કે. પટેલ (ભાજપ)
5 સાબરકાંઠા જનરલ દીપસિંહ શંકરસિંહ રાઠોડ (ભાજપ)
6 ગાંધીનગર જનરલ લાલકૃષ્ણ આડવાણી (ભાજપ)
7 અમદાવાદ પૂર્વ જનરલ પરેશ રાવલ (ભાજપ)
8 અમદાવાદ પશ્ચિમ SC ડો. કિરીટ સોલંકી (ભાજપ)
9 સુરેન્દ્રનગર જનરલ દેવજીભાઈ ગોવિંદભાઈ ફતેપરા (ભાજપ)
10 રાજકોટ જનરલ મોહનભાઈ કે. કુંડારિયા (ભાજપ)
11 પોરબંદર જનરલ વિઠ્ઠલભાઈ રાદડિયા (ભાજપ)
12 જામનગર જનરલ પૂનમ એચ. માડમ (ભાજપ)
13 જૂનાગઢ જનરલ ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ (ભાજપ)
14 અમરેલી જનરલ કાછડિયા નારણભાઈ ભીખાભાઈ (ભાજપ)
15 ભાવનગર જનરલ ડો. ભારતીબેન ડી. શિયાલ (ભાજપ)
16 આણંદ જનરલ દિલીપ પટેલ (ભાજપ)
17 ખેડા જનરલ ચૌહાણ દેવુસિંહ (ભાજપ)
18 પંચમહાલ જનરલ ચૌહાણ પ્રભાતસિંહ પ્રતાપસિંહ (ભાજપ)
19 દાહોદ ST જસવંતસિંહ ભાભોર (ભાજપ)
20 વડોદરા જનરલ રંજનબેન ધનંજય ભટ્ટ (ભાજપ)
21 છોટા ઉદેપુર ST રામસિંહ રાઠવા (ભાજપ)
22 ભરૂચ જનરલ મનસુખભાઈ વસાવા (ભાજપ)
23 બારડોલી ST પ્રભુભાઈ વસાવા (ભાજપ)
24 સુરત જનરલ દર્શનાબેન જરદોશ (ભાજપ)
25 નવસારી જનરલ સી.આર. પાટીલ (ભાજપ)
26 વલસાડ ST ડો. કે.સી. પટેલ (ભાજપ)
ગુજરાત ભાજપની તૈયારી
રાજ્યમાં ભાજપે ફરી એક વાર રાજ્યની તમામ 26 બેઠકો પર વિજય મેળવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જોકે આ વખતે ચડાણ કપરું છે એ વાતથી પણ ભાજપ વાકેફ છે. ગત લોકસભા ચુંટણી દરમિયાન મોદી વેવમાં આયાતી ઉમેદવાર કે પ્રથમ વખત ચુંટણી લડનારા પણ જીતી ગયા હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિ કંઈક અલગ છે. આ કારણે જ આ વખતે પાર્ટી ડઝન જેટલા ઉમેદવાર બદલાવે તેવી શક્યતા છે. તાજેતરમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને તેના ગઢ કહેવાતા ત્રણ રાજ્યોમાં પરાજયનો સામનો કરવા પડ્યો અને સાથે જ સત્તા પણ ગુમાવવી પડી છે અને અહીં કોંગ્રેસ સત્તામાં આવી છે. એટલે, આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ ફૂંકી ફૂંકીને પગ મુકવા માગે છે.
કોંગ્રેસની તૈયારી
કોંગ્રેસ માટે આ વખતે રાજ્યમાં સારો માહોલ છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું અને ભાજપને કાંટાની ટક્કર આપી હતી. આ ઉપરાંત, તાજેતરમાં જ દેશમાં 5 રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા એવા ત્રણ રાજ્ય - રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસે સત્તામાં પૂનરાગમન કર્યું છે. તેમાં પણ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તો 15 વર્ષ બાદ કોંગ્રેસને સત્તા મળી છે. આથી કોંગ્રેસ પાર્ટીના આત્મવિશ્વાસમાં થોડો વધારો થયો છે. એટલે, કોંગ્રેસ તેની તરફેણમાં ઊભા થયેલા માહોલનો પુરતો લાભ લેવા માગી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે