લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસની 7મી યાદી જાહેર, રાજ બબ્બરની બેઠકમાં થયો ધરખમ ફેરફાર
Trending Photos
નવી દિલ્હી/મુરાદાબાદ: લોકસભા ચૂંટણી 2019 માટે દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યો છે. કોંગ્રેસે પણ મોડી રાતે પોતાના ઉમેદવારોની સાતમી સૂચિ બહાર પાડી. આ યાદીમાં 35 ઉમેદવારોના નામ સામેલ છે. જેમાં બે મહત્વના ફેરફાર કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ હાઈ કમાન્ડે પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બરની સીટ બદલી નાખી છે. રાજ બબ્બર યુપીના મુરાદાબાદથી ચૂંટણી નહીં લડે. પાર્ટીએ તેમને ફતેહપુર સિક્રીથી મેદાનમાં ઉતાર્યા છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે મુરાદાબાદ લોકસભા સીટથી ચૂંટણી લડવાની ના પાડી હતી અને ત્યારબાદ પાર્ટીએ આ નિર્ણય લીધો હતો. કહેવાય છે કે રાજ બબ્બર મુરાદાબાદના સમીકરણથી ડરી ગયા હતાં. ફતેહપુર સિક્રીમાં ભાજપ અને સપા-બસપા ગઠબંધનમાં બસપા તરફથી જાહેર કરાયેલા જાટ ઉમેદવારને લઈને રાજ બબ્બરે નવા સમીકરણમાં પોતાની ઉમેદવારી માટે ઈચ્છા વ્યક્ત કરી અને નેતૃત્વએ તેને મંજૂર કરી. કહેવાય છે કે ભાજપના ઉમેદવાર રાજકુમાર ચાહરને ટક્કર આપવા માટે હવે રાજ બબ્બરને મેદાનમાં ઉતારાયા છે.
રાજ બબ્બર અત્યાર સુધી મુરાદાબાદના ઉમેદવાર હતાં. રાજ બબ્બરની જગ્યાએ હવે મુરાદાબાદથી મશહૂર શાયર અને કવિ ઈમરાન પ્રતાપગઢી ચૂંટણી લડશે. જ્યારે બીજનૌરથી નસીમુદ્દીન સિદ્દીકી ચૂંટણીના મેદાનમાં છે. અગાઉ અહીંથી ઈન્દિરા ભાટી કોંગ્રેસના ઉમેદવાર હતાં.
અત્રે જણાવવાનું કે વર્ષ 2009માં રાજ બબ્બર ફતેહપુર સિક્રીની લોકસભા બેઠકથી ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે તે સમયે તેમણે બસપા ઉમેદવાર આગળ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે યુવાઓ વચ્ચે લોકપ્રિયતા અને મુસલમાન સમાજથી આવતા હોવાના કારણે પીતલનગરી બેઠક પર ઈમરાન પ્રતાપગઢી એક મજબુત ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યાં છે. અખિલેશ સરકારમાં વર્ષ 2016માં તેમને યશ ભારતી પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં.
લેટેસ્ટ ગુજરાતી સમાચારો માટે જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે