શિવસેનાએ BJP સાથે ગઠબંધનના સંકેત આપ્યા, કહ્યું મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઇ
સોમવારે શિવસેના સાંસદોએ ઠાકરે પરિવારનાં પારિવારિક મકાન માતોશ્રીમાં બેઠક યોજી હતી. અહીં ઉદ્ધવ ઠાકરે સાથે લાંબી બેઠક ચાલી હતી
Trending Photos
મુંબઇ : લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019) માં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેનાની મિત્રતા જળવાઇ રહી શકે છે. ભાજપ અને શિવસેનાએ આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન થવાની સંપુર્ણ શક્યતાઓ દેખાઇ રહી છે. સોમવારે શિવસેના સાંસદોએ ઠાકરે પરિવારનાં પારિવારીક મકાન માતેશ્રી ખાતે એકત્ર થયા હતા. અહીં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે તેમની લાંબો સમય બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન શિવસેના સાંસદોએ ઉદ્ધવ ઠાકરેને કહ્યું કે, ભાજપ સાથે લોકસભા ચૂંટણીમાં ગઠબંધન ચાલુ રાખવાનું છે કે નહી તે અંગે અંતિમ નિર્ણય તેમનો જ હશે.
બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન કરવાનાં તમામ અધિકાર ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યા છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું કે, અમારા નેતા ઉદ્ધવ ઠાકરે છે. અમે લડવા માટે તૈયાર છીએ, અમે લડીશું, મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઇ છીએ, હંમેશા રહીશું અને તે જ કારણે રાજ્ય અને દેશની રાજનીતિ કરીશું. સંજય રાઉતે કહ્યું કે, રાફેલ પર અમારી પાસે નવી માહિતી આવી છે. તેના પર ચર્ચા થઇ. બેઠકમાં દુષ્કાળ મુદ્દે ચર્ચા થઇ. બજેટમાં આવકવેરાની સીમા 8 લાખ સુધી કરવાની માંગ શિવસેનાએ કરી છે. રાઉતે કહ્યું કે, 50-50નો કોઇ જ પ્રસ્તાવ શિવસેના પાસે નથી આવ્યો અને અમને આ પ્રકારનો કોઇ પ્રસ્તાવ સ્વિકાર્ય પણ નથી.
બીજી તરફ જાલનામાં ભાજપના સ્થાનિક પદાધિકારીઓને બેઠક યોજાઇ હતી. અહીં પ્રદેશ અધ્યક્ષ દાનવેએ પણ શિવસેના સાથે ગઠબંધનના સંકેત આપ્યા હતા. દાનવેએ જણાવ્યું કે, હાલ 48માંથી 24-24 સીટોની કોઇ ફોર્મ્યુલા બની જ નથી. જ્યારે સીટ શેરિંગની વાત થશે તો મુક્ત પણે થશે. અમે હંમેશા શિવસેના સામે મિત્રતાનો હાથ લંબાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી મુદ્દે ગઠબંધન થઇ ચુક્યું છે. બીજી તરફ શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન હોવા છતા પણ તે ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતું રહ્યું છે. હાલમાં જ પાલઘર સીટની પેટા ચૂંટણીમાં બંન્નેએ અલગ અલગ ઉમેદવારો ઉતાર્યા હતા. ગત્ત વર્ષે શિવસેનાએ એનડીએમાંથી છેડો ફાડવાની પણ વાત કરી હતી. જો કે શિવસેના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરે મેમોરિયલ ઉદ્ધાટન પ્રસંગે બંન્ને દળોની વચ્ચે નજદીકીઓ જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે