ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા રામાયણના 'રામ', અગાઉ 'કૃષ્ણ' એ પણ અપાવી હતી લોકસભામાં જીત
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચુકી છે. રાજકીય પક્ષોએ પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ત્યારે આ વખતે રામાયણના 'રામ' ને ભાજપ લઈને આવ્યું છે ચૂંટણી મેદાનમાં. જાણો ક્યાંથી ચૂંટણી લડશે, કેવો છે માહોલ....
Trending Photos
Loksabha Election 2024: ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભાજપે મેરઠથી 'રામાયણના રામ' અરુણ ગોવિલને મેદાનમાં ઉતાર્યા છે. અરુણ ગોવિલ ટીવી પર આવતી રામાયણ સીરિયલનું એ મુખ્ય પાત્ર જેને લોકો ભગવાન જ માને છે. એ ચહેરો જે ભારતભરમાં ઘરેઘરે જાણીતો બની ગયો. અરુણ ગોવિલે નિભાવેલી ભગવાન શ્રીરામની અદભુત ભૂમિકાને કારણે તેઓ આજે પણ સેકડો કરોડો લોકોના દિલોમાં વસે છે. હવે એ જ ચહેરાને ભાજપે ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો છે.
મેરઠથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા રામાયણના 'રામ'
ભારતીય જનતા પાર્ટી (BJP) એ 24 માર્ચે લોકસભા ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડી. ટિકિટ મેળવનાર ઉમેદવારોમાં લોકપ્રિય ટીવી શો રામાયણમાં ભગવાન રામની ભૂમિકા માટે પ્રખ્યાત અભિનેતા અરુણ ગોવિલનું નામ પણ છે. અરુણ ગોવિલને ઉત્તર પ્રદેશમાં તેમના વતન મેરઠથી આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ચૂંટણી અને પરિણામોઃ
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત દેશભરમાં કુલ 543 મતવિસ્તાર છે. તમામ બેઠકો માટે સંસદીય ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. આ ચૂંટણીઓ 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂનના રોજ સમાપ્ત થશે. મતોની ગણતરી એટલે કે પરિણામ 4 જૂને આવશે.
ભાજપે ઉમેદવારોની પાચમી યાદી જાહેર કરીઃ
ભાજપના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર, 111 લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અરુણ ગોવિલ ત્રણ વખતના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલનું સ્થાન લેશે, જેઓ 2004થી મેરઠ સીટ સંભાળી રહ્યા છે. પીઢ અભિનેતાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમને લોકસભા ચૂંટણી માટે મેરઠ મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવા બદલ પસંદગી સમિતિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
અગાઉ 'કૃષ્ણ' એ પણ ભાજપને જીતાડી હતી ચૂંટણીઃ
1996માં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવનાર નીતિશ ભારદ્વાજને પણ ભાજપે લોકસભાના ઉમેદવાર બનાવ્યા અને તેઓ જીત્યા. મહાભારત સિરિયલમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર નીતિશ ભારદ્વાજે જમશેદપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. આ વાત 1996ની છે. તે સમયે નીતીશ ભારદ્વાજની ઉંમર પણ 34 વર્ષની હતી. તેઓ 1996માં જનતા દળના ઈન્દર સિંહ નામધારીને હરાવીને પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.
ઘર ઘરમાં ભગવાન રામના રૂપમાં લોકપ્રિય છે અરુણ ગોવિલઃ
અરુણ ગોવિલ સીરિયલ 'રામાયણ'થી દરેક ઘરમાં લોકપ્રિય બની ગયો હતો. ભગવાન રામનું ચિત્રણ અરુણ ગોવિલને એક સામાન્ય અભિનેતામાંથી ભગવાનના સ્વરૂપમાં ફેરવી નાખે છે. તેમના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે લોકો તેમને ભગવાન તરીકે જોવા લાગ્યા, જ્યારે તેઓ તેમને જાહેરમાં મળે ત્યારે તેમના આશીર્વાદ મેળવવા લોકો રીતસર પડાપડી કરતા. અરુણ ગોવિલે 1977માં આવેલી ફિલ્મ 'પહેલી'થી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ રાજશ્રી પ્રોડક્શનની હતી, જે એક પ્રોડક્શન હાઉસ છે જે પારિવારિક ફિલ્મો બનાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે