ફડણવીસની સરપ્રાઈઝથી સરેન્ડર સુધીઃ મહારાષ્ટ્રમાં 80 કલાકના 8 મોટા ઘટનાક્રમ

80 કલાક કરતાં પણ ઓછા સમય સુધી ચાલેલી આ સરકારનો અંત આશ્ચર્યચકિત કરનારો નહીં પરંતુ નક્કી જ હતો. મંગળવારે સવારે 10.30 કલાકે જ્યારે સુપ્રીમ કોર્ટે 30 કાલકમાં બહુમત સાબિત કરવા માટે ફડણવીસ સરકારને આદેશ આપ્યો અને તેનું લાઈવ પ્રસારણ કરવા પણ જણાવ્યું ત્યારે જ તેનો અંત નક્કી થઈ ગયો હતો. એટલે કે, હવે કોઈ પણ પ્રકારના હોર્સ ટ્રેડિંગની સંભાવના પણ સમાપ્ત થઈ ગઈ હતી

Updated By: Nov 26, 2019, 08:00 PM IST
ફડણવીસની સરપ્રાઈઝથી સરેન્ડર સુધીઃ મહારાષ્ટ્રમાં 80 કલાકના 8 મોટા ઘટનાક્રમ

મુંબઈઃ મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadanvis) રાજીનામાની(Resignation) જાહેરાત કરી દીધી છે. ફડણવીસે એક પત્રકાર પરિષદમાં(Press Meet) જણાવ્યું કે, તેમની પાસે બહુમત નથી અને તેઓ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વિધાનસભામાં બહુમત સાબિત કરી શકે તેવી સ્થિતિમાં નથી. પત્રકાર પરિષદ પછી ફડણવીસે રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું હતું. આ સાથે જ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો અંત આવી ગયો છે. 

ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે બીજી ઈનિંગ્સ દેશ અને દુનિયા માટે સરપ્રાઈઝ જેવી હતી. જોકે, 80 કલાક કરતાં પણ ઓછા સમય સુધી ચાલેલી આ સરકારનો અંત આશ્ચર્યચકિત કરનારો નહીં પરંતુ નક્કી જ હતો. મંગળવારે સવારે 10.30 કલાકે જ્યારે સુપ્રીમ કોર્ટે 30 કાલકમાં બહુમત સાબિત કરવા માટે ફડણવીસ સરકારને આદેશ આપ્યો અને તેનું લાઈવ પ્રસારણ કરવા પણ જણાવ્યું ત્યારે જ તેનો અંત નક્કી થઈ ગયો હતો. એટલે કે, હવે કોઈ પણ પ્રકારના હોર્સ ટ્રેડિંગની સંભાવના પણ સમાપ્ત થઈ ગઈ હતી.

1. વહેલી સવારે લોકોને ચોંકાવ્યા 

શનિવારે 23 નવેમ્બરના રોજ હજુ લોકો સવારે 8 કલાકે ઊંઘમાંથી જાગ્યા જ હતા ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય દળના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજભવનમાં પહોંચીને મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લઈ રહ્યા હતા. આ ચોંકાવનારા અને અકલ્પનિય ઘટનાક્રમમાં મુખ્યમંત્રીની સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સેકન્ડ લેફ્ટનન્ટ અજીત પવાર પણ હતા. ફડણવીસની સાથે જ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સવારે ઉઠીને લોકોએ જ્યારે સોશિયલ મીડિયામાં આ સમાચાર જાણ્યા તો તેમને વિશ્વાસ થયો નહીં, પરંતુ ત્યાં સુધી ઈતિહાસ બની ચુક્યો હતો. 

મહારાષ્ટ્રઃ ભાજપના કાલીદાસ કોલામ્બકરે પ્રોટેમ સ્પીકર તરીકે લીધા શપથ

2. સુપ્રીમ કોર્ટમાં રવિવારે સુનાવણી

વહેલી સવારે લોકોની જેમ જ શિવસેના-એનસીપી અને કોંગ્રેસ પણ ઊંઘતા ઝડપાયા હતા. આ ત્રણ પાર્ટીમાં તો હાહાકાર મચી ગયો હતો. સમાચાર પત્રોમાં એવા સમાચાર છપાયા હતા કે શનિવારે જ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે, પરંતુ સવાર સુધીમાં તો બાજી પલટાઈ ગઈ હતી. આથી, એનસીપીના પ્રમુખ શરદપવારે જણાવ્યું કે, આ સરકારને એનસીપીનો ટેકો નથી કે તેમનો ખુદનો પણ નહીં. ત્યાર પછી ત્રણેય પાર્ટી સુપ્રીમ કોર્ટમાં પહોંચી. સુપ્રીમ કોર્ટેમાં શનિવારે જ આ સરકારની કાયદેસરતાને પડકારતી અરજી દાખલ કરાઈ. સુપ્રીમ કોર્ટે પણ ઐતિહાસિક ઘટનાક્રમ મુજબ રવિવારે સુનાવણી કરી. બંને પક્ષોની દલીલ સાંભળીને સુપ્રીમે ચુકાદો સોમવાર પર ટાળી દીધો. 

3. ટ્વીટર પર અજીત પવારની બેટિંગ 

નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા પછી જુનિયર પવાર એટલે કે અજીત પવાર અજ્ઞાતવાસમાં હોય એમ મૌન થઈ ગયા હતા. પરંતુ રવિવારે સાંજે 4 કલાકે અજીત પવાર અચાનક સક્રિય થયા અને ટ્વીટર પર ધડબડાટી બોલાવતાં એક પછી એક એમ 22 ટ્વીટ કરી નાખી. અજીત પવારે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહની ટ્વીટનો જવાબ આપ્યો અને સાથે જ રાજ્યમાં 5 વર્ષની સ્થિર સરકારનું વચન પણ આપ્યું. આ સાથે જ દાવો પણ કર્યો કે તેઓ એનસીપીમાં છે અને આ પાર્ટીમાં જ રહેશે. શરદ પવારને પોતાના નેતા પણ જાહેર કર્યા. 

ઉદ્ધવ ઠાકરે આવતીકાલે લઈ શકે છે CM પદની શપથ, જયંત પાટિલ અને થોરાત બની શકે Dy CM

4. શરદ પવારનો પાવર પ્લે 

અજીત પવારની ધડાધડ ટ્વીટથી એનસીપીમાં સન્નાટો ફેલાઈ ગયો. જોકે, ભ્રમની સ્થિતિ વધુ ફેલાય એ પહેલા જ શરદ પવારે મોરચો સંભાળ્યો અને કહ્યું કે અજીત પવાર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાથે જ કહ્યું કે, ભાજપ સાથે ગઠબંધનનો સવાલ જ થતો નતી. એનસીપીએ શિવસેના અને કોંગ્રેસ સાથે રહેવાનો નિર્ણય જાહેર કર્યો. આ સાથે જ શરદ પવારે એનસીપીના ધારાસભ્યોને એક્ઠા કરવાનું શરૂ કરી દીધું. અજીત પવાર સાથે દિલ્હી ગયેલા ધારાસભ્યોને પણ ગુરુગ્રામમાંથી શોધી કાઢીને મુંબઈ ખેંચી લાવ્યા.

5. સુપ્રીમ કોર્ટમાં સોમવારે ચાલી દલીલો 

સોમવારે ન્યાયાધિશ એન.વી. રમણ, ન્યાયાધિશ અશોક ભૂષણ અને ન્યાયાધિશ સંજીવ ખન્નાની બેન્ચમાં આ મુદ્દે જોરદાર સુનાવણી ચાલી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, 'હોર્સ ટ્રેડિંગનો સવાલ જ નથી, અહીં તો આખો તબેલો જ ખાલી થઈ ગયો છે.' વિરોધ પક્ષ તરફથી દલીલ રજુ કરતા વરિષ્ઠ વકીક કપિલ સિબ્બલે વળતો પ્રહાર કરતા કહ્યું કે, 'તબેલો તો હજુ પણ સલામત જ છે, માત્ર જોકી એટલે કે મુખ્ય ઘોડેસવાર જ ભાગી ગયો છે.' 80 મિનિટ સુધી સુનાવણી કર્યા પછી સુપ્રીમની બેન્ચે ચૂકાદો મંગળવાર પર ટાળી દીધો. 

મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, કહ્યું- 'અમારી પાસે બહુમત નથી'

અજિત પવારે આપ્યું રાજીનામું...જાણો સીક્રેટ મીટિંગમાં શું થયું હતું?

6. હયાતમાં યોજાઈ ધારાસભ્યોની પરેડ 

મહારાષ્ટ્રના રાજકારણમાં સોમવારે સાંજે ત્યારે સૌથી મોટો વળાંક આવ્યો જ્યારે મુંબઈની હોટલ હયાતમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાએ મીની એસેમ્બલી સર્જી નાખી. અહીં તેમણે 162 ધારાસબ્યોની પરેડ કરાવી. એનસીપી અધ્યક્ષ શરદ પવાર, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતા અશોક ચૌહાણે હયાત હોટલમાં દાવો પણ કર્યો કે મહારાષ્ટ્રની સત્તાના અસલ હકદાર તેઓ છે અને તેમની પાસે પુરતું સંખ્યાબળ પણ છે. સાથે જ તેમણે કહ્યું કે, તેઓ 162થી વધુ ધારાસભ્યો પણ ભેગા કરી શકશે. 

7. સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો

મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટે ફડણવીસ સરકારને 30 કલાકમાં બહુમત સાબિત કરવા આદેશ આપ્યો. સાથે જ જણાવ્યું કે, વિશ્વાસમતનું પ્રસારણ લાઈવ કરવાનું રહેશે અને મતદાનની પ્રક્રિયા પણ ગુપ્ત રાખી શકાશે નહીં. કોર્ટમાંથી રાહત ન મળ્યા પછી ફડણવીસ સરકારના બધા જ દરવાજા બંધ થઈ ગયા હતા. સુપ્રીમના ચૂકાદા પછી અજતી પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. 

ઉદ્ધવ ઠાકરે પાંચ વર્ષ માટે સીએમ રહેશે: સંજય રાઉત

8. પત્રકાર પરિષદ સાથે દેવેન્દ્ર ફડણવીસે કર્યું સરેન્ડર 

અજીત પવારના રાજીનામાના સમાચાર સાથે જ નક્કી થઈ ગયું કે, હવે ફડણવીસ સરકારની દિશા શું હશે. બપોરે 3.30 કલાકે દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં શિવસેના દ્વારા ભાજપ સાથે જે પ્રકારની સોદેબાજી શરૂ કરાઈ હતી તેનું વર્ણન કર્યું. ત્યાર પછી તેમણે સ્વીકાર્યું કે તેમની પાસે પુરતો બહુમત નથી અને તેઓ રાજ્યપાલને રાજીનામું આપવા જઈ રહ્યા છે. આ રીતે, છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલા 'ડ્રામા' પર પડદો પડી ગયો. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....