મહારાષ્ટ્ર સરકારે 'ઓપરેશન અર્નબ' માટે બનાવી હતી 40 સભ્યોની ટીમ?
રિપબ્લિક ટીવી (Republic TV) ના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની ધરપકડ માટે મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રાલયે 40 સભ્યોની એક ટીમ બનાવી હતી.
Trending Photos
મુંબઈ: રિપબ્લિક ટીવી (Republic TV) ના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની ધરપકડ માટે મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રાલયે 40 સભ્યોની એક ટીમ બનાવી હતી. ગૃહ વિભાગે કોંકણ રેન્જના મહાનિરીક્ષક સંજય મોહિતેને નેતૃત્વની જવાબદારી સોંપી. અત્રે જણાવવાનું કે અર્નબ ગોસ્વામીની બુધવારે તેમના મુંબઈ સ્થિત ઘરેથી ધરપકડ થઈ હતી.
મુંબઈ અને રાયગઢના પોલીસકર્મી સામેલ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક અહેવાલ મુજબ રાયગઢ બોલીસે ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની માતા કુમુદની કથિત આત્મહત્યાઓની તપાસ ફરીથી શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ થોડા દિવસોમાં જ 'ઓપરેશન અર્નબ'ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ઓપરેશનમાં મુંબઈ અને રાયગઢ પોલીસના 40 કર્મીઓ સામેલ કરાયા હતા.
સચિન વેજને ધરપકડની જવાબદારી
સંજય મોહિતેએ અર્નબની ધરપકડની યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો, જ્યારે તેને અંજામ આપવાની જવાબદારી હાઈ પ્રોફાઈલ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વેજને સોંપવામાં આવી. મોહિતેના નેતૃત્વવાળી ટીમ માટે અર્નબની ધરપકડ કરવી એક પડકારજનક કામ હતું. ટીમના એક સભ્યએ ટીઓઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે અમે ખુબ સાવધાનીથી કામ કર્યું. ટીમના દરેક સભ્યએ સંયમનું પાલન કર્યું.
નાના-નાના મુદ્દાઓનું રખાયું ધ્યાન
ટીમના સભ્યએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એ વાતની પુષ્ટિ થઈ કે અર્નબ કથિત રીતે આત્મહત્યાના મામલે સામેલ હતા. સભ્યએ કહ્યું કે, 'આ એક ગુપ્ત ઓપરેશન હતું અને અમારા લોકોએ અર્નબના ઘરના અનેક ચક્કર કાપ્યા હતા. અમને ડર હતો કે જો જાણકારી લીક થઈ તો અર્નબ ધરપકડથી બચવા માટે શહેરની બહાર જઈ શકે છે. ટીમના સભ્યએ જણાવ્યું કે આ એક યોજનાબદ્ધ ઓપરેશન હતુ અને નાના નાના મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. પહેલેથી નક્કી કરાયું હતું કે દરવાજો કોણ ખખડાવશે, કોણ અર્નબ અને તેના પરિવારના સભ્યો સાથે વાત કરશે અને જો તે વિરોધ કરે તો શું કાર્યવાહી કરવામાં આવશે.'
2 વર્ષ જૂના કેસમાં થઈ છે અર્નબની ધરપકડ
અર્નબ ગોસ્વામીની બુધવારે મુંબઈ પોલીસે ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈકને આત્મહત્યા માટે ઉક્સાવવાના બે વર્ષ જૂના કેસમાં ધરપકડ થઈ હતી. ત્યારબાદ સાંજે અર્નબ ગોસ્વામીને રાયગઢ જિલ્લામાં અલીબાગની એક કોર્ટમાં રજૂ કરાયા. જ્યાં કોર્ટે તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા. જો કે અર્નબના વકીલે જામીન અરજી દાખલ કરી છે. પોલીસે જણાવ્યું કે કલમ 306 અને 34 હેઠળ અર્નબની ધરપકડ થઈ હતી. સ્યૂસાઈડ કેસમાં અર્નબ ગોસ્વામી ઉપરાંત ફિરોઝ મોહમ્મદ શેખ અને નિતેશ શારદા પણ આરોપી છે, જેમની પોલીસે ધરપકડ કરી છે.
5.4 કરોડ ચૂકવ્યા ન હોવાનો આરોપ
અર્નબ ગોસ્વામી, ફિરોઝ શેખ અને નિતેશ શારદા દ્વારા કથિત રીતે બાકી રકમ ન ચૂકવવામાં આવતા 53 વર્ષના એક ઈન્ટિરિયર ડિઝાઈનર અને તેમની માતાની આત્મહત્યાના કેસમાં સીઆઈડી દ્વારા ફેર તપાસના આદેશ અપાયા હતા. કથિત રીતે અન્વય નાઈક દ્વારા લખાયેલી સ્યૂસાઈડ નોટમાં કહેવાયું હતું કે આરોપીઓએ તેમના 5.40 કરોડ રૂપિયાની ચૂકવણી કરી નહતી. આથી તેમણે આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું. જો કે રિપબ્લિક ટીવીએ આ આરોપો ફગાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે