લદ્દાખ કરતા પણ માઉન્ટ આબુ વધારે ઠંડું : 28 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, શિમલાથી પણ ભયંકર ઠંડી

Coldwave in India: ગુજરાત સહિત દેશભરમાં શિતલહેર જોવા મળી રહી છે. ઠંડા પવનોને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે અને સાંજે ભારે ઠંડી જોવા મળી રહી છે. દેશના અનેક વિસ્તારમાં ઠંડીનો રેકોર્ડ તૂટી રહ્યો છે. હજુ પણ ભારે ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. 

લદ્દાખ કરતા પણ માઉન્ટ આબુ વધારે ઠંડું : 28 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, શિમલાથી પણ ભયંકર ઠંડી

નવી દિલ્હીઃ દેશભરમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ આપી રહ્યું છે. પહાડી વિસ્તારમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં સૂસવાટા મારતા પવનથી ઠંડીનો ડબલ અટેક જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હજુ ઠંડીથી રાહત માટે થોડી રાહ જોવી પડશે. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં અનુભવાયું છે. જ્યાં તાપમાનનો પારો 1.4 ડિગ્રી પર પહોંચી ગયો છે. તો 10 જેટલા શહેરોમાં 10 ડિગ્રીથી પણ ઓછું તાપમાન રહેતા લોકો ઠુંઠવાયા છે. ત્યારે ગુજરાતમાં ક્યાં સૌથી વધુ ઠંડી નોંધાઈ અને ક્યાં ક્યાં કોલ્ડ વેવની આગાહી છે જોઈએ આ ખાસ રિપોર્ટમાં. 

રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર યથાવત્
1.4 ડિગ્રી તાપમાન સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન.....હિમાલય તરફના સીધા પવન ગુજરાત તરફ આવતા ઠંડીમાં વધારો. અગાઉ 24 ડિસેમ્બર અને 5 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. શિયાળાની સીઝનમાં અત્યાર સુધીનું અમદાવાદમાં સૌથી ઓછું 8. 6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો રાજકોટ ભુજ ડીસામાં પણ તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયું છે. રાજ્યમાં આજે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ઉતરાયણ બાદ ઠંડી ઘટતી હોય છે પણ આ વર્ષે ઉત્તરાયણના બીજા દિવસે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. દેશમાં આગામી બે-ત્રણ દિવસ શીત લહેર દરમિયાન તાપમાન 3 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. 18થી 20 જાન્યુઆરી સુધીમાં હવામાં ઘટાડો થયા બાદ ઠંડીથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16, 17 અને 18 જાન્યુઆરીએ કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળશે જ્યારે 19, 20 અને 21 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે.

દેશભરમાં હાડ થીજાવતી ઠંજી પડી રહી છે. રાજસ્થાનમાં લોકો આજે કડકડતી ઠંડી વચ્ચે ઠુંઠવાઈ ગયા છે. ઠંડી એવી છે કે લદ્દાખ અને મનાલી પણ પાછળ રહી ગયા છે. રાજ્યના માઉન્ટ આબુમાં શિયાળાએ 28 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અહીં લઘુત્તમ તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ પહેલા વર્ષ 1994માં 12મી ડિસેમ્બરે માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 7.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગ દ્વારા આબુમાં આગામી ચાર દિવસો સુધી હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. ન્યૂનતમ તાપમાન માઈનસ ઉપર સ્થિર રહેશે જ્યારે 19 જાન્યુઆરી બાદ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે. 

ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ વેધરના હવામાનશાસ્ત્રીએ જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વ તરફ આગળ વધ્યું છે. રાજસ્થાનના ઉત્તર ભાગમાં પ્રેરિત ચક્રવાતના હવાનું દબાણ યથાવત્ છે. 18 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એન્ટ્રી થઈ જશે અને તેના કારણે ઉત્તરની હવાનું દબાણ ઘટશે અને તાપમાનમાં વધારો જોવા મળશે. માત્ર સવારે અને સાંજે ઠંડીની અસર જોવા મળશે, જ્યારે દિવસમાં તડકો જોવા મળશે. 23થી 27 જાન્યુઆરી વચ્ચે સામાન્ય વરસાદનો તબક્કો શરૂ થઈ જશે, ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થતો જશે.જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના પહાળો પર બે દિવસથી હિમવર્ષા પડી રહી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news