લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઓડિશામાં મોટો ફટકો, આ દિગ્ગજે ફાડ્યો છેડો

પોતાના રાજીનામામાં કિશોર દાસે રાહુલ ગાંધીને લખ્યું છે કે, મારા વિસ્તારના લોકો અને મતદારોની ઈચ્છા છે કે હું આગામી ચૂંટણી BJDની ટિકિટ પર લડું. ઉલ્લેખનીય છેકે, ઓડિશામાં કોંગ્રેસની પકડ સતત ઢીલી થતી જઈ રહી છે. તાજેતરમાં જ થયેલી પંચાયતની ચૂંટણીમાં તેનું પ્રદર્શન સરકીને ત્રીજા નંબરે પહોંચી ગયું હતું 

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઓડિશામાં મોટો ફટકો, આ દિગ્ગજે ફાડ્યો છેડો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની જાહેરાતમાં હવે દોઢ મહિના કરતાં વધુ સમય બાકી નથી. આથી દરેક રાજ્યમાં તમામ પક્ષો પોતાની પકડ મજબૂત કરવા મહેનત કરી રહ્યા છે. જોકે, ઓડિશામાં કોંગ્રેસને આવા મહત્વના સમયમાં જ મોટો ફટકો પડ્યો છે. ઓડિશા કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડન્ટ અને ઝારસુગુંડાના ધારાસભ્ય નાબા કિશોર દાસે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી આપ્યું છે. 

આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છેકે, તેઓ આગામી ચૂંટણીમાં કઈ પાર્ટીમાં જોડાવાના છે. પોતાના રાજીનામાંમાં કિશોરદાસે રાહુલ ગાંધીને લખ્યું છે કે, મારા વિસ્તારના લોકો અને મતદારોની ઈચ્છા છે કે હું આગામી ચૂંટણી BJDની ટિકિટ પર લડું. ઉલ્લેખનીય છેકે, ઓડિશામાં કોંગ્રેસની પકડ સતત ઢીલી થતી જઈ રહી છે. તાજેતરમાં જ થયેલી પંચાયતની ચૂંટણીમાં તેનું પ્રદર્શન સરકીને ત્રીજા નંબરે પહોંચી ગયું હતું.

— ANI (@ANI) January 16, 2019

ઓડિશામાં છેલ્લા 19 વર્ષથી બીજૂ જનતા દળનું શાસન છે. નવીન પટનાયક આ રાજ્યમાં છેલ્લા બે દાયકાથી અજેય બનેલા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હોવા છતાં આ રાજ્યમાં ભાજપ 21માંથી માત્ર 1 બેઠક જ જીતી શકી હતી. અન્ય તમામ બેઠક બીજેડીએ જીતી હતી. જોકે, તાજેતરમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં ભાજપે પોતાના જોરદાર પ્રદર્શનથી બીજેડીને આંચકો જરૂર આપ્યો છે. 

ઓડિશામાં લોકસભાની સાથે જ વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. અત્યારે 147 સભ્યોની ઓડિશા વિધાનસભામાં બીજેડીના 118 ધારાસભ્યો ચૂંટાયેલા છે. કોંગ્રેસના 15 અને ભાજપના 10 ધારાસભ્ય છે. વર્ષ 2000માં સત્તામાંથી ફેંકાઈ ગયેલી કોંગ્રેસ ત્યાર બાદ વાપસી કરી શકી નથી. આ અગાઉ 1979થી અહીં સતત કોંગ્રેસનું શાસન હતું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news