Omicron: 4 દિવસ, 5 રાજ્યો અને 21 કેસ, ઓમિક્રોને દેખાડી પોતાની ચાલ, ત્રીજી લહેરનો ખતરો વધ્યો

કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન માત્ર 4 દિવસમાં દેશના 5 રાજ્યોમાં ફેલાઈ ગયું છે. તેથી હલચલ મચી ગઈ છે. રવિવારે ઓમિક્રોનના નવા કેસોમાં ઉછાળો આવ્યો છે.

Updated By: Dec 5, 2021, 09:30 PM IST
Omicron: 4 દિવસ, 5 રાજ્યો અને 21 કેસ, ઓમિક્રોને દેખાડી પોતાની ચાલ, ત્રીજી લહેરનો ખતરો વધ્યો

નવી દિલ્હીઃ આફ્રિકી દેશથી નિકળેલો કોરોનાનો નવો ઓમિક્રોન વેરિએન્ટ ભારતમાં પણ ઝડપથી ફેલાય રહ્યો છે. માત્ર 4 દિવસમાં આ વેરિએન્ટે દેશના 5 રાજ્યોમાં એન્ટ્રી કરી છે અને અત્યાર સુધી કુલ 21 લોકો સંક્રમિત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકોની જીનોમ સિક્વેન્સિંગનો રિપોર્ટ આવવાનો બાકી છે. રાહતની વાત છે કે તેમાંથી મોટાભાગના લોકો તે છે જે વિદેશથી સંક્રમિત થઈ આવ્યા છે અને અહીં તપાસમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. 50થી વધુ મ્યૂટેશનવાળા વેરિએન્ટના પ્રથમ બે કેસ કર્ણાટકમાં સામે આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં પણ આ વેરિએન્ટથી સંક્રમિત દર્દી મળ્યા છે. 

દિલ્હીમાં મળ્યો પ્રથમ કેસ
તાન્ઝાનિયાથી દિલ્હી આવેલ 37 વર્ષીય એક પુરૂષ ઓમિક્રોનથી સંક્રમિત મળ્યો છે અને આ રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસના આ નવા સ્વરૂપ સાથે જોડાયેલ પ્રથમ મામલો અને દેશમનો પાંચમો કેસ છે. લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, દર્દીની આ સમયે હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે અને તેને બીમારીના સામાન્ય લક્ષણ છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે, હજુ સુધી કોવિડ-19ના 17 દર્દીઓ અને તેના સંપર્કમાં આવેલા છ લોકોને લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર અત્યાર સુધી જીનોમ અનુક્રમણ માટે મોકલવામાં આવેલા 12માંથી એક નમૂનામાં ઓમિક્રોન સ્વરૂપ જોવા મળ્યું છે. 

આ પણ વાંચોઃ કઈ રીતે થઈ ઓમિક્રોન વેરિએન્ટની ઉત્પત્તિ....? વૈજ્ઞાનિકોનું રિસર્ચ આવ્યું સામે

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 8 સંક્રમિત
મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિએન્ટના અત્યાર સુધી કુલ 8 કેસ સામે આવી ચુક્યા છે. શનિવારે મુંબઈ પાસે પ્રથમ કેસ મળ્યો હતો. અહીંના કલ્યાણ ડોંબિવલીમાં એક વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી વાયા દુબઈ દિલ્હીના રસ્તે આવ્યો હતો. પરિવારે પુણેમાં વિદેશની યાત્રા કરી આવેલા ચાર અન્ય લોકો અને તેના નજીકના સંપર્કમાં આવેલા ત્રણ લોકોમાં ઓમિક્રોન મળ્યો છે. 

રાજસ્થાનમાં એક સાથે 9 કેસ
રાજસ્થાનમાં રવિવારે 9 સંક્રમિત લોકોના જીનોમ સિક્વન્સિંગમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપની હાજરીની પુષ્ટિ થઈ હતી. રાજધાની જયપુરમાં 9 દર્દીઓમાં એક નવો પ્રકાર જોવા મળ્યો છે. તાજેતરમાં, દક્ષિણ આફ્રિકાના ચાર શંકાસ્પદ દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા અન્ય પાંચ દર્દીઓના નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જયપુરની સવાઈ માન સિંહ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુધીર ભંડારીએ 9 લોકોમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટની હાજરીની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી જયપુર પહોંચેલા 4 દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. વાસ્તવમાં આ ચારેય દર્દીઓ કોરોના સંક્રમિત હતા. આવી સ્થિતિમાં, જ્યારે આ દર્દીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું ત્યારે અન્ય 5 દર્દીઓ પણ તેમના સંપર્કમાં આવ્યા, ત્યારબાદ આ 5 દર્દીઓ પણ સંક્રમિત જણાયા. આવી સ્થિતિમાં આ 9 દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ આવ્યા બાદ એ વાતની પુષ્ટિ થઈ કે આ તમામ દર્દીઓ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત છે.

આ પણ વાંચો- ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે એક્સપર્ટનો દાવો, આ મહિનામાં ભારતમાં આવશે ત્રીજી લહેર

ગુજરાતના જામનગરમાં ઝિમ્બાબ્વેથી સંક્રમિત વૃદ્ધને ઓમિક્રોન
દેશમાં કોરોના વાયરસનો ખૂબ જ ખતરનાક પ્રકાર ગણાતા ઓમિક્રોનનો ત્રીજો કેસ ગુજરાતમાં જોવા મળ્યો હતો. ગુજરાતના આરોગ્ય વિભાગે જણાવ્યું કે ચેપગ્રસ્ત વ્યક્તિ ઝિમ્બાબ્વેથી આવ્યો છે. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સંક્રમિત વ્યક્તિની ઉંમર 72 વર્ષ છે. ગુરુવારે તેનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યો હતો. ગુજરાતના આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ પુષ્ટિ કરી કે વૃદ્ધ વ્યક્તિ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે.

દેશનો પ્રથમ કેસ કર્ણાટકમાં જોવા મળ્યો
દેશમાં કોરોના વાયરસના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોને સૌપ્રથમ કર્ણાટકમાં દસ્તક આપી હતી. બંને સંક્રમિત દર્દીઓ દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા. આ વાતની પુષ્ટિ કરતા કેન્દ્રીય સંયુક્ત આરોગ્ય સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે સંક્રમિત દર્દીઓમાંથી એક 64 વર્ષનો છે, જ્યારે એક વ્યક્તિ 46 વર્ષનો છે. કહ્યું કે જે બે લોકોમાં આ પ્રકારની પુષ્ટિ થઈ છે, તેમાંથી એક પહેલાથી જ દુબઈ પાછો ફર્યો છે જ્યારે બીજાને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યો છે.

શું દેશમાં ત્રીજી લહેરનું કારણ હશે?
નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોનના કારણે દેશમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોવિડ-19ની ત્રીજી લહેર આવી શકે છે. એવું માનવામાં આવે છે કે સ્પાઇક પ્રોટીનમાં 50 થી વધુ પરિવર્તનો અને મોટા પાયે ફેરફારોને લીધે, આ પ્રકાર રસીને તટસ્થ કરી શકે છે. જો કે, હજુ સુધી આ અંગે વધુ માહિતી ઉપલબ્ધ નથી અને વૈજ્ઞાનિકો તેની તપાસ કરી રહ્યાં છે. પ્રારંભિક મૂલ્યાંકન અનુસાર, તેને ડેલ્ટા કરતા વધુ ખતરનાક ગણાવવામાં આવી રહ્યું છે. તે ડેલ્ટા કરતાં ઘણો ઝડપથી ચેપ લગાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube