ઓમિક્રોનના કારણે ભારતમાં બહુ જલદી આવશે ત્રીજી લહેર, એક્સપર્ટનો દાવો- દૈનિક આટલા કેસ આવી શકે

સમગ્ર દુનિયામાં કોરોનાના ખતરનાક વેરિએન્ટ Omicron ની દહેશત વધી રહી છે. ભારતમાં પણ ઓમિક્રોન સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે.

ઓમિક્રોનના કારણે ભારતમાં બહુ જલદી આવશે ત્રીજી લહેર, એક્સપર્ટનો દાવો- દૈનિક આટલા કેસ આવી શકે

નવી દિલ્હી: સમગ્ર દુનિયામાં કોરોનાના ખતરનાક વેરિએન્ટ Omicron ની દહેશત વધી રહી છે. ભારતમાં પણ ઓમિક્રોન સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. ઓમિક્રોનને લઈને હૈદરાબાદ આઈઆઈટી પ્રોફેસર વિદ્યાસાગરનું કહેવું છે કે ભારતમાં Omicron સંક્રમિતોના કેસની સંખ્યા એ વાત પર નિર્ભર કરશે કે નવો વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટથી બનેલી ઈમ્યુનિટીને કેટલો બાજુમાં મૂકે છે તથા ભારતમાં આપવામાં આવી રહેલી કોરોના રસી તેનાથી સુરક્ષા આપવામાં કેટલી કારગર છે. 

ઓમિક્રોનના કારણે ત્રીજી લહેર
ભારતમાં ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસે ચિંતા વધારી છે. હવે તેની સંખ્યા 236ને પાર પહોંચી ગઈ છે. ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ આ વેરિએન્ટ લગભગ 100 કરતા વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. મોટાભાગના યુરોપિયન દેશોમાં કોરોનાના કેસમાં અચાનક ભયંકર વધારો જોવા મળ્યો છે. જેમાં મોટાભાગના કેસ ઓમિક્રોનના જ છે. 

ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 236 કેસ સામે આવ્યા છે. જે દરરોજ વધતા જ જાય છે. કેન્દ્રએ રાજ્યોને ચેતવતા કહ્યું કે ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોન લગભગ ત્રણ ગણો વધુ ઝડપથી ફેલાય છે. તેની સંક્રામકતા જોતા સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. કેટલાક રાજ્યોમાં નવા વર્ષના જશ્ન અગાઉ કડકાઈ લગાવવાનું પણ શરૂ થઈ ગયું છે. ઓમિક્રોનના વધતા કેસ જોતા હેલ્થ એક્સપર્ટ દેશમાં ત્રીજી લહેરની શક્યતા જતાવી રહ્યા છે. 

વર્ષની શરૂઆતમાં ત્રીજી લહેર?
નેશનલ કોવિડ-19 સુપરમોડલ કમિટીના સભ્ય વિદ્યાસાગરે ANI ને જણાવ્યું કે 'ભારતમાં આગામી વર્ષની શરૂઆતમાં ત્રીજી લહેર આવવાની શક્યતા છે. જો કે લોકોમાં મોટા પાયે ઈમ્યુનિટી હોવાના કારણે બીજી લહેરની સરખામણીમાં તે હળવી હશે પરંતુ ત્રીજી લહેર નિશ્ચિતપણે આવશે. એપ્રિલ-મે મહિનામાં બીજી લહેરમાં આવેલા કેસની સરખામણીમાં તેની સંખ્યા ઓછી રહેશે. સરકારે 1 માર્ચથી જ ભારતમાં રસીકરણ શરૂ કરી દીધુ હતું. ડેલ્ટા વેરિએન્ટના આવવાનો આ જ સમય હતો. તે સમયે ફ્રન્ટલાઈન વર્કર્સને બાદ કરતા અન્ય કોઈને રસી મળી નહતી. આ જ કારણે ડેલ્ટાએ આટલા મોટા પાયે લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા.'

વિદ્યાસાગરે કહ્યું કે '75-80% સીરો-પ્રેવલેન્સ છે. 85% લોકોને પહેલો ડેઝ અને 55% લોકોને રસીના  બંને ડોઝ મળી ચૂક્યા છે. જે મહામારીથી 95% સુધી બચાવ કરે છે. આથી ત્રીજી લહેરમાં કેસ એટલા સામે નહીં આવે જેટલા બીજી લહેરમાં જોવા મળ્યા હતા. બીજી લહેરના અનુભવથી આપણે પોતાની ક્ષમતા પણ બનાવી છે આથી આપણે કોઈ પણ કઠણાઈ વગર તેનો સામનો કરવા માટે સક્ષમ છીએ.'

સૌથી ખરાબ સ્થિતિમાં શું થશે?
હૈદરાબાદમાં આઈઆઈટી પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું કે કેસની સંખ્યા બે વાત પર નિર્ભર કરશે. પહેલી એ કે ડેલ્ટાથી મળેલી નેચરલ ઈમ્યુનિટીને ઓમિક્રોન કેટલી બાજુમાં મૂકે છે અને બીજી રસીથી મળેલી ઈમ્યુનિટીને એ કઈ હદ સુધી ચકમો આપી શકે છે. હાલ આ બંને વાતો અંગે પૂરી જાણકારી ઉપલબ્ધ નથી. વિદ્યાસાગરના જણાવ્યાં મુજબ જો દેશમાં ત્રીજી લહેર આવશે તો સૌથી ખરાબ સ્થિતિમાં ભારતમાં પ્રતિ દિન બે લાખથી વધુ કેસ નહીં હોય. જો કે પ્રોફેસરે ભારપૂર્વક કહ્યું કે 'આ માત્ર અંદાજો છે, ભવિષ્યવાણી નથી.'

(ANI ઈનપુટ સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news