UP Election 2022: આ ચૂંટણી હિસ્ટ્રીશીટરને બહાર રાખીને બનાવશે નવી હિસ્ટ્રી: PM મોદી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુપીમાં અગાઉની સરકારમાં વિકાસ માત્ર કાગળ પર હતો. આ વાત સાબિત થઈ ચૂકી છે કે સમાજવાદી માત્ર અને માત્ર પરિવારવાદી છે, જ્યારે યુપીમાં ડબલ એન્જિનની સરકારે જમીન પર કામ કર્યું છે.

UP Election 2022: આ ચૂંટણી હિસ્ટ્રીશીટરને બહાર રાખીને બનાવશે નવી હિસ્ટ્રી: PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના જન ચૌપાલ કાર્યક્રમ દ્વારા યુપીના મેરઠ, ગાઝિયાબાદ, અલીગઢ, હાપુડ અને નોઈડાના મતદારોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 'હિસ્ટ્રીશીટર્સ'ને બહાર રાખવા માટે એક 'હિસ્ટ્રી' બનાવવા માટે અને સાથે તોફાનીઓ અને માફિયાઓને પડદા પાછળથી સત્તા કબજે કરતા અટકાવવાનો છે.

'સમાજવાદી માત્ર અને માત્ર પરિવારવાદી છે'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુપીમાં અગાઉની સરકારમાં વિકાસ માત્ર કાગળ પર હતો. આ વાત સાબિત થઈ ચૂકી છે કે સમાજવાદી માત્ર અને માત્ર પરિવારવાદી છે, જ્યારે યુપીમાં ડબલ એન્જિનની સરકારે જમીન પર કામ કર્યું છે. પીએમ મોદીએ જણાવ્યું કે 5 વર્ષ પહેલા આ માફિયાઓએ કેન્દ્રની યોજનાઓનો લાભ યુપીના ગરીબ, દલિત, પછાત લોકો સુધી પહોંચવા દીધો ન હતો. કેન્દ્રની યોજનાઓમાં તેમની મનમાની ચાલતી ન હતી, ભ્રષ્ટાચાર ચાલતો ન હતો તેથી તેઓ તે યોજનાઓમાં બ્રેક લગાવીને રાખતા હતા.

ઘણા નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓને કર્યા યાદ 
તેમણે પોતાના સંબોધનની શરૂઆત રાજા મહેન્દ્ર સિંહ, ચૌધરી ચરણ સિંહ અને કલ્યાણ સિંહ સિવાય આઝાદીના આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપીને કરી. તેમણે કહ્યું કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના લોકોને દેશવાસીઓ પર ગર્વ છે, તેઓ તેમને નમન કરે છે.

'શાંતિ, વિકાસ અને સુશાસન માટે આ ચૂંટણી છે'
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આઝાદી પછી ઉત્તર પ્રદેશે ઘણી ચૂંટણીઓ જોઈ છે અને ઘણી સરકારો બનતી અને બગડતી જોઈ છે, પરંતુ આ ચૂંટણી અલગ છે. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી ઉત્તર પ્રદેશમાં શાંતિની સ્થિરતા માટે છે, વિકાસની નિરંતરતા માટે છે, વહીવટમાં સુશાસન માટે છે, ઉત્તર પ્રદેશના લોકોના ઝડપી વિકાસ માટે છે. આ ચૂંટણી સુરક્ષા સન્માન અને સમૃદ્ધિની ઓળખ જાળવી રાખવા માટે છે.

'આ ચૂંટણી હિસ્ટ્રીશીટર્સને બહાર રાખવા માટે છે'
તેમણે જણાવ્યું કે આ ચૂંટણી હિસ્ટ્રીશીટરને બહાર રાખવા માટે નવો ઈતિહાસ રચવાની છે. પીએમે વધુમાં જણાવ્યું છે કે મને ખુશી છે કે ઉત્તર પ્રદેશના લોકોએ તેમનું મન બનાવી લીધું છે કે તેઓ પડદા પાછળ રહીને તોફાનીઓ, માફિયાઓને ઉત્તર પ્રદેશની સત્તા હડપવા નહીં દે. વડાપ્રધાને જણાવ્યું કે વિસ્તારના મતદારો સારી રીતે સમજે છે કે ઉદ્યોગો અને વેપાર માટે કાયદો અને વ્યવસ્થાનું શાસન હોવું કેટલું જરૂરી છે.

'યોગીજીએ કાયદાનું શાસન સ્થાપિત કર્યું'
પીએમે વધુમાં જણાવ્યું હતું કે કોઈએ કલ્પના પણ કરી ન હતી કે ઉત્તર પ્રદેશમાં ગુનેગારો અને માફિયાઓ ક્યારેક કાબૂમાં આવશે. પરંતુ યોગીજીએ કાયદાનું શાસન સ્થાપિત કર્યું. ગુંડાગીરી કરનારાઓ સમજી ગયા છે કે 21મી સદીમાં ઉત્તરપ્રદેશને એવી સરકારની જરૂર છે જે બમણી ઝડપે કામ કરે અને બમણી ઝડપે વિકાસ કરે. 'ડબલ એન્જિન'ની સરકાર જ આ કામ કરી શકે છે.

'ભાજપ સરકાર જે કહે છે તે કરીને દેખાડે છે'
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશની તેમની પ્રથમ મુલાકાત મેરઠથી થઈ હતી અને ખરાબ હવામાનને કારણે તેમણે રોડ માર્ગે ત્યાં પહોંચવું પડ્યું હતું. મેરઠ એક્સપ્રેસ વેના કારણે તે માત્ર એક કલાકથી ઓછા સમયમાં દિલ્હીથી મેરઠ પહોંચી ગયા હતા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસ અને કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આ તમામ સાબિત કરે છે કે ભાજપ સરકાર જે કહે છે તે કરે છે. તેઓ જે કામ શરૂ કરે છે, તેને પૂર્ણ કરીને દેખાડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news