વર્ષો પહેલા વાજપેયી અને મમતાની એક મુલાકાતે પલટી નાખી હતી બાજી, PM મોદી પણ તે જ રસ્તે?
2019માં થનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશના રાજકારણમાં અનેક રંગો જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસ જ્યાં વિપક્ષી દળોને એકજૂથ રાખવાના જૂગાડમાં છે ત્યાં ભાજપ પોતાની સ્થિતિ મજબુત કરવા માટે દરેક પેંતરો અજમાવી રહ્યો છે.
- વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં જોવા મળ્યાં રાજકારણના નવા રંગ
- પીએમ મોદી અને મમતા બેનરજીની ઉષ્માભરી મુલાકાત
- વાજપેયી અને મમતા બેનરજીની મુલાકાત બાદ બદલાઈ ગયા હતા હાલાત
Trending Photos
નવી દિલ્હી: 2019માં થનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશના રાજકારણમાં અનેક રંગો જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસ જ્યાં વિપક્ષી દળોને એકજૂથ રાખવાના જૂગાડમાં છે ત્યાં ભાજપ પોતાની સ્થિતિ મજબુત કરવા માટે દરેક પેંતરો અજમાવી રહ્યો છે. હંમેશા જોવા મળતુ હોય છે કે બે મોટા નેતાઓની એક મુલાકાતથી દેશના રાજકારણના રંગ બદલાય છે. પશ્ચિમ બંગાળમાં વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી મમતા બેનરજીની ઉષ્માભરી મુલાકાતની સાથે જ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સવાલ એ ઉઠવા લાગ્યા છે કે શું વિપક્ષના જૂથની સૌથી મજબુત કડીને પીએમ મોદી 2019માં પોતાની બાજુ લાવી શકવામાં સફળ થશે?
વાત જાણે એમ છે કે વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં પીએમ મોદી હેલિકોપ્ટરથી બહાર આવી ગયા હતા અને મમતા બેનરજી થોડે દૂર તેમના સ્વાગત માટે ઊભા હતાં. પીએમ હેલિકોપ્ટરમાંથી ઉતરીને પોતે આગળ વધ્યાં અને મમતા બેનરજીને રસ્તો બતાવતા જોવા મળ્યાં. પીએમ વાત કરી રહ્યાં હતાં કે જે રસ્તે તમે (મમતા બેનરજી) આવી રહ્યાં છો, ત્યાં કીચડ છે, કૃપા કરીને તમે રસ્તો બદલીને આવો. મમતા પણ પીએમ મોદીના ઈશારાને સમજીને તે અંદાજમાં જ બીજા રસ્તે પહોંચ્યાં અને ગુલદસ્તો આપીને નમીને તેમનું અભિવાદન પણ કર્યું.
જ્યારે વાજપેયી પીએમ હતાં અને ગયા હતાં મમતા બેનરજીના ઘરે
વર્ષ 1998-99ની આ વાત છે, અટલ બિહાર વાજપેયીએ પહેલીવાર ભાજપની સરકાર બનાવી હતી, પરંતુ બહુમત મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. બીબીસીના એક રિપોર્ટમાં કોલકાતા ટીવીના વિશ્વ મજૂમદારના હવાલે જણાવવામાં આવ્યું છે કે "વાજપેયીજી કોઈ પણ કિંમતે બહુમત મેળવવા માંગતા હતાં, આ જ સંદર્ભમાં તેએ મમતા બેનરજીને મળવા માટે કોલકાતા સ્થિત તેમના ઘરે ગયા હતાં."
મજૂમદારે જણાવ્યું કે મમતા બેનરજી પોતાના પૈતૃક એવા જૂના ઘરમાં જ રહે છે. વરસાદમાં આજે પણ તેમના તે ઘરની છતમાંથી પાણી ટપકે છે. આ ઘરના દરવાજા એકદમ સાંકડા છે, બરાબર લોક પણ થતા નથી. આમ છતાં વાજપેયી જ્યારે પીએમ હતાં ત્યારે આ જ ઘરમાં જઈને મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મમતા બેનરજી એનડીએમાં સામેલ થઈ ગયા હતાં. આ મુલાકાતની અસર એ થઈ હતી કે સંસદમાં મમતા બેનરજીએ વાજપેયીજી માટે પિતા સમાન શબ્દનો ઉપયોગ કર્યો હતો.
જો કે ત્યારબાદના સમયમાં પોતાના રાજકીય નફા નુકસાનને જોતા મમતા બેનરજી યુપીએમાં જોડાઈ ગયા હતાં. છેલ્લા કેટલાક સમયથી મમતા બેનરજી મક્કમપણે ભાજપ વિરુદ્ધ અક્કડ થઈને ઊભા છે. તેઓ પોતાના ભાષણોમાં પણ ભાજપ પર જોરદાર પ્રહારો કરે છે. પીએમ મોદી અને અમિત શાહ પણ આકરા વળતા જવાબ આપે છે. પરંતુ પીએમ મોદી અને મમતા બેનરજીની ઉષ્માભરી મુલાકાત બદા રાજકારણના રંગો બદલાઈ જવાની સંભાવના જોવામાં આવી રહી છે.
વિપક્ષના સૌથી મોટા ચહેરા નીતિશકુમારને પોતાની બાજુ લઈ ચૂક્યા છે પીએમ મોદી
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીની બરાબર પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે નરેન્દ્ર મોદીનું નામ પીએમ પદ માટે આગળ થવા મુદ્દે એનડીએ સાથે સંબંધ તોડ્યો હતો. 2015ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આરજેડી સાથે ગઠબંધન કરીને નીતિશકુમારે બિહારમાં ભાજપને માત આપી હતી. આ જીત બાદ તેઓ વિપક્ષી જૂથમાં સૌથી મોટા ચહેરા બનીને ઉભરી આવ્યાં હતાં. પીએમ મોદી અને અમિત શાહે એવુ પ્લાનિંગ કર્યું કે એક જ ઝટકામાં નીતિશકુમાર પલટી મારીને એનડીએમાં સામેલ થઈ ગયાં. આમ પણ પીએમ મોદી અને અમિત શાહની જૂડીના રાજનીતિ કરવાના તરીકાઓ પર નજર ફેરવીએ તો સ્પષ્ટપણે માલુમ પડે કે તેઓ માને છે કે દુશ્મનને ચૂંટણીમાં હરાવી ન શકો તો તેની સાથે મિત્રતા કરીને સરકાર બનાવી લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે