લોહી ચડાવ્યા બાદ તમિલનાડુની ગર્ભવતી મહિલાને થયો HIV, સરકાર પાસે માગ્યો ઈલાજ
રાજ્યના સત્તુરમાં સરકારી હોસ્પિટલ સાથે સંકળાયેલી એક બ્લડ બેન્કના કર્મચારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાયો છે, જ્યારે અન્ય આ ઘટના સાથે સંકળાયેલા અન્ય બે વ્યક્તિને પણ નોકરીમાંથી કાઢી મુકાયા છે
Trending Photos
વિરુધુનગરઃ તમિલનાડુના સત્તુર જિલ્લાની નજીક આવેલા વિરુધુનગરમાં એક 24 વર્ષની ગર્ભવતી મહિલાને બ્લડ બેન્કમાંથી HIV વાયરસ ધરાવતું લોહી ચડાવી દેવાતાં વિવાદ સર્જાયો છે. આ મહિલાએ સરકારને તેના ઈલાજનો ખર્ચ ઉઠાવવા માટે જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં તમિલનાડુની સરકારે બ્લડ બેન્કમાં રહેલા તમામ લોહીને ફરીથી ચકાસવાના આદેશ આપ્યા છે.
રાજ્યના સત્તુરમાં સરકારી હોસ્પિટલ સાથે સંકળાયેલી એક બ્લડ બેન્કના કર્મચારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાયો છે, જ્યારે અન્ય આ ઘટના સાથે સંકળાયેલા અન્ય બે વ્યક્તિને પણ નોકરીમાંથી કાઢી મુકાયા છે.
રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર આ મહિલા પર HIV વાયરસને ચેપ ન લાગે તેના માટે પુરતા પ્રયાસો હાથ ધરી રહી છે. સાથે જ બ્લડ બેન્કમાં રહેલા તમામ લોહીની તપાસ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ન સર્જાય.
વિરુધુનગર આરોગ્ય તંત્રના જોઈન્ટ ડિરેક્ટર આર. મનોહરને પીટીઆઈને જણાવ્યું કે, આ મહિલા તેના બીજા બાળકને જન્મ આપવાની હતી. આથી તેને સત્તુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ જણાતા ડોક્ટરો દ્વારા તેને લોહી ચડાવી આવવાની સલાહ આપવામાં આવી હતી. આથી સરકારી બ્લડ બેન્કમાંથી લોહી લેવામાં આવ્યું હતું અને પછી તેને ચડાવાયું હતું.
(પ્રતિકાત્મક તસવીર)
જોકે, પાછળથી ખબર પડી કે લોહીનું દાન કરનાર દાતા HIVથી સંક્રમિત છે. આથી લોહી લેનારી મહિલાની પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે તે મહિલાને પણ HIVનો ચેપ લાગી ગયો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બ્લડ બેન્કના સ્ટાફ દ્વારા ખાનગી હોસ્પિટલને લોહી પહોંચાડતા પહેલાં લોહીની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવી ન હતી. જે વ્યક્તિએ દાતાનું લોહી ચકાસ્યું હતું તેણે લોહીની બોટલ પર 'સલામત'નું લેબલ લગાવ્યું હતું.
આ દરમિયાન મહિલા અને તેના પતિએ ડોક્ટર, નર્સ અને બ્લડ બેન્કના કર્મચારીઓ સામે પગલાં લેવા માટે સ્થાનિક પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. મહિલાના પતિએ પત્રકારોને જણાવ્યું કે, આ ઘટના માટે તમિલનાડુની સરકાર જવાબદાર છે અને તેની પત્નીને યોગ્ય ઈલાજ પુરો પાડવાની માગ કરી છે. તેણે જણાવ્યું કે, તેણે કોઈ સરકારની નોકરીની માગ કરી નથી, પરંતુ તેની પત્નીનો યોગ્ય અને શ્રેષ્ઠ ઈલાજ થાય એટલી જ માગ કરી છે. બુધવારે આરોગ્ય સચિવ જે. રાધાકૃષ્ણને મહિલાની મુલાકાત લઈને ઘટના અંગે માહિતી મેળવી ઈલાજની ખાતરી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે