પુલવામા હુમલો: CCS બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, પાકિસ્તાન પાસેથી પાછો ખેંચાયો MFNનો દરજ્જો

જમ્મુ અને કાશ્મીરના પુલવામાના અવંતિપોરામાં થયેલા આતંકી હુમલાને લઈને વડાપ્રધાન નિવાસ સ્થાન 7 લોક કલ્યાણમાર્ગ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની મહત્વની બેઠક યોજાઈ. 

પુલવામા હુમલો: CCS બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, પાકિસ્તાન પાસેથી પાછો ખેંચાયો MFNનો દરજ્જો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામાના અવંતિપોરામાં થયેલા આતંકી હુમલાને લઈને વડાપ્રધાન નિવાસ સ્થાન 7 લોક કલ્યાણમાર્ગ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની મહત્વની બેઠક થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થઈ રહેલી આ બેઠકમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, એનએસએ અજીત ડોવાલ, ગુપ્તચર વિભાગ (આઈબી)ના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ત્રણેય સેનાની પાંખના વડા પણ સામેલ હતાં.  બેઠકમાં સીઆરપીએફના ડીજીએ પુલવામા આતંકી હુમલા અંગે સીસીએસને જાણકારી આપી. બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. 

પુલવામા હુમલો: હવે પાકિસ્તાનનું આવી બન્યું, મોટી કાર્યવાહીની તૈયારી, CCSની બેઠકમાં લેવાયો નિર્ણય

બેઠકમાં નિર્ણય લેવાયો  છે કે આતંકીઓ વિરુદ્ધ જવાબી કાર્યવાહી ઉપરાંત પુલવામા આતંકી હુમલા પર મોદી સરકાર ડોઝીયર તૈયાર કરશે જેમાં પુરાવા હશે કે આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે. જેના દ્વારા કૂટનીતિક સ્તરે પાકિસ્તાનને અલગ થલગ કરાશે. બેઠક બાદ ડીજી સીઆરપીએફ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ કાશ્મીર રવાના થઈ જશે. રાજનાથ સિંહ ઘાયલોને મળવા માટે હોસ્પિટલ પણ જશે. આ ઉપરાંત હુમલાની તપાસ માટે 18 સભ્યોની CFSL ટીમ પણ ઘટનાસ્થળે જશે. 

બેઠક બાદ જેટલીએ કહ્યું- આતંકીઓએ ભારે કિંમત ચૂકવવી પડશે

બેઠક બાદ નાણા મંત્રી અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક થઈ. આ બેઠકમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. પુલવામાની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરાઈ. વિદેશ મંત્રાલય આ મામલે લેવાનારા પગલાં અંગે સમય સમય પર જાણકારી આપતું રહેશે. ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેચ્યો છે. વાણીજ્ય મંત્રાલય આ અંગે સૂચના બહાર પાડશે. સુરક્ષાદળો સુરક્ષા અંગે પગલાં લેશે. જે લોકોએ આ આતંકી ઘટનાને અંજામ આપ્યો છે અને જે લોકોએ તેનું સમર્થન કર્યું છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષાદળો આકરી કાર્યવાહી કરશે. ગૃહ મંત્રી કાશ્મીર જશે અને તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરશે. 

તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદના વિષય પર આંતરરાષ્ટ્રીય સંધિના અમલીકરણના વિષય પર પહેલ કરવાનું નક્કી થયું છે. આ વિષય આતંકવાદની વ્યાખ્યાને લઈને એકમત ન થવાના કારણે અટક્યો છે. વિદેશ મંત્રાલય આ વિષય પર આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે ચર્ચા કરશે. 

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે સુરક્ષા સંબંધી જે પણ પગલાં લેવાના હશે તે સુરક્ષાદળો લેશે. તેમણે કહ્યું કે જેમણે આ અપરાધ કર્યો છે અને જેમણે તેનું સમર્થન કર્યું છે તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે એમ પણ કહ્યું કે રાજનાથ સિંહ શ્રીનગર જઈ રહ્યાં છે. તેઓ પાછા ફરશે ત્યારબાદ તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરીશું. 

આજે વડાપ્રધાન મોદીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. ભાજપે પણ તમામ કાર્યક્રમો રદ કર્યા છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ આતંકી હુમલામાં અત્યાર સુધી 44 સીઆરપીએફ જવાનો શહીદ થયા છે. અનેક ઘાયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ હુમલો ગુરુવારે જમ્મુ શ્રીનગર હાઈવે પર પુલવામા જિલ્લાના અવંતિપોરામાં સીઆરપીએફના વાહનને નિશાન બનાવીને આઈઈડી બ્લાસ્ટ દ્વારા કરાયો. કાફલો તે સમયે જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. 

સ્થિતિની ગંભીરતાને જોતા હાલ અધિકારીઓએ કાશ્મીર ઘાટી અને જમ્મુમાં ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી છે. કાફલામાં 78 વાહનો સામેલ હતાં. જેમાં 2500 સુરક્ષાકર્મીઓ હતાં. આતંકીઓએ વિસ્તારમાં જવાનો પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ તેમની કાર દ્વારા આઈઈડી બ્લાસ્ટ કર્યો. 

શહાદતનો બદલો લેવાશે-રાજનાથ સિંહ
રાજનાથ સિંહે ગુરુવારે દેશના લોકોને એ ભરોસો અપાવ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં સીઆરપીએફની બસ પર પાકિસ્તાન પ્રાયોજિત જૈશ એ મોહમ્મદ દ્વારા કરાયેલા આતંકી હુમલાનો બદલો લેવાશે. સિંહે એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત અને ઉછરી રહેલા લોકો દ્વારા કરાયેલા આ આતંકવાદી હુમલાના માધ્યમથી જે લોકો શાંતિમાં વિધ્નો નાખવા માંગે છે તેમના  કાવતરાને કેન્દ્ર સરકાર નિષ્ફળ કરવા માટે દ્રઢ નિશ્ચયી છે. 

તેમણે કહ્યું કે જૈશ એ મોહમ્મદે આ આતંકવાદી હુમલાને અંજામ આપ્યો છે. અમે રાષ્ટ્રને  ખાતરી આપીએ છીએ કે તેના બદલા માટે જે પણ કરવું પડે અમે તે કરીશું. સિંહે આ હુમલાબાદ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી અને સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ રાજ્યની સ્થિતિ અંગે જાણકારી પણ મેળવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news