ઉકળાટથી મળશે રાહત; ગુજરાતમાં બહુ જલદી મેઘરાજા તોફાની બેટિંગ કરશે, જાણો શું કરાઈ છે આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલ તો વરસાદે જાણે વિરામ લીધો છે પરંતુ આમ છતાં ક્યાંક કયાંક છૂટો છવાયો વરસાદ વરસી  રહ્યો છે. સુરત શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. ગઈ કાલે સાંજ બાદ વિરામ લીધેલા વરસાદે ફરી શરૂઆત કરી છે. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલુ છે અને વરસાદની શરૂઆત થઈ છે. જાણો વરસાદ અંગે શું કરાઈ છે આગાહી. 

ઉકળાટથી મળશે રાહત; ગુજરાતમાં બહુ જલદી મેઘરાજા તોફાની બેટિંગ કરશે, જાણો શું કરાઈ છે આગાહી

 

Weather Update: ગુજરાતમાં હાલ તો વરસાદે જાણે વિરામ લીધો છે પરંતુ આમ છતાં ક્યાંક કયાંક છૂટો છવાયો વરસાદ વરસી  રહ્યો છે. સુરત શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. ગઈ કાલે સાંજ બાદ વિરામ લીધેલા વરસાદે ફરી શરૂઆત કરી છે. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલુ છે અને વરસાદની શરૂઆત થઈ છે જેથી કરીને બફારા અને ઉકળાટથી કંટાળેલા લોકોને જાણે રાહત મળી છે. આ ઉપરાંત દેશભરની વાત કરીએ તો દેશમાં પણ જુલાઈના પહેલા 3 દિવસ દિલ્હી એનસીઆર સહિત કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો પરંતુ હવામાં ભારે ભેજના કારણે હવે ગરમી અને બફારાથી લોકો અકળાઈ રહ્યા છે. વરસાદ તરફ મીટ માંડીને  બેઠા છે. આ મામલે હવામાન વિભાગે તાજા અપડેટ પણ બહાર પાડી છે. 

શું રહેશે ગુજરાતમાં સ્થિતિ
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે દિવસ તો ખાસ વરસાદ જોવા નહીં મળે પરંતુ  6 ,7, અને 8 જુલાઈએ વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી શકે છે. પૂર્વ પશ્ચિમ ટ્રફ વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદ આવી શકે છે.  પૂર્વ-પશ્ચિમ તરફનું દબાણ વધાવાના લીધે અસર જોવા મળશે.

હવામાન વિભાગના મતે 4 જુલાઈથી પવનની ગતિ વધશે. આ કારણોસર 4 થી 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 7 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં નવી સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની છે. આ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ગુરુવારથી વરસાદનો બીજો તોફાની રાઉન્ડ પ્રારંભ થવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 6 તારીખથી વરસાદનું જોર વધશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6 જુલાઈએ અમરેલી, જૂનાગઢ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 7 જુલાઈએ અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. 

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને મેઘરાજા વરસશે. અંબાલાલ પટેલના મતે 7 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે. આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને વરસાદ પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર  વરસાદ પડશે. પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં  સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15.33 ઇંચ વરસાદ નોંધાયો છે.  સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો 20.40 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 46.71  અને ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે. 

દેશમાં કેવી સ્થિતિ રહેશે
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ છૂટાછવાયા વરસાદનો દોર (5 જુલાઈ) તો અનેક ઠેકાણે ચાલુ રહેશે પરંતુ ભારે વરસાદ માટે થોડા દિવસ રાહ જોવી પડશે. બદલાઈ રહેલી સ્થિતિને જોતા આ વીકેન્ડમાં સમગ્ર દિલ્હી એનસીઆરમાં સારો વરસાદ પડે તેની સંભાવના છે. આ અઠવાડિયાના અંતમાં મોનસૂન ટ્રફ દિલ્હીની નજીક થઈને પસાર થઈ શકે છે. જેના પ્રભાવથી આ વીકેન્ડ પર ખુબ વરસાદ પડી શકે છે. 

એજન્સીના જણાવ્યાં મુજબ 7 જુલાઈ બાદ હવામાનની તીવ્રતા અને પ્રસારમાં વધારો થશે અને ચારે બાજુ વરસાદનો માહોલ રહેશે. કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. આગામી સપ્તાહ 13 જુલાઈ સુધી વરસાદનો દોર રહી શકે છે. જેનાથી ઉકળાટથી લોકોને રાહત મળી શકે છે. 

IMD એ હિમાચલ પ્રદેશ માટે 5થી 8 જુલાઈ સુધી ભારે વરસાદનો અંદેશો જતાવ્યો છે. આ માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં આ સ્થિતિ 10 જુલાઈ સુધી રહી શકે છે. કેરળના ઈડુક્કી, કાસરગોડ અને કન્નુર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જોતા રેડ એલર્ટ અને બાકીના 11 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ આગામી 24 કલાકમાં પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના તલહટી, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમના કેટલાક ભાગો અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. મહારાષ્ટ્ર કાંઠા અને ગોવામાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશાના કેટલાક ભાગો, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દક્ષિણ ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગોમાં, દિલ્હી અને હરિયાણામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. આગામી 24 કલાક દરમિયાન, કર્ણાટકના કાંઠા વિસ્તારો, અને કેરળમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news