કોઈને ખબર નથી કે ગુજરાતમાં વિશ્વનું એકમાત્ર પક્ષી મંદિર પણ છે.... જેની આવી છે હાલત

આ મંદિર પ્રાચીન સમયથી ગુજરાતીઓના પશુ પક્ષીપ્રેમની સાક્ષી પૂરે છે. રાઇસિંગપુરા રોડાના મંદિર તરીકે ઓળખાતા કુલ સાત જેટલા મંદિરો આ કેમ્પસમાં આવેલા છે

Aug 18, 2020, 03:41 PM IST

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :સામાન્ય રીતે દેવી દેવતાઓના મંદિર હોય છે, પરંતુ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની નજીક 17 કિમી દુર આવેલ રાયસિંગપુરા-રોડાના મંદિરો આવેલા છે. જ્યાં, મંદિરના સમૂહમાં નવગ્રહ અને પક્ષી મંદિર આવેલું છે. જે માત્ર ગુજરાત જ નહિ, સમ્રગ ભારતનું એક માત્ર પક્ષી મંદિર માનવામાં આવે છે. લોકો આ પૌરાણિક મંદિર જોવા દેશ વિદેશમાંથી પણ આવતા હોય છે. પરંતુ આ મંદિર સુધી પહોંચાડતો 2 કિલોમીટરનો રસ્તો પણ ખરાબ હોવાથી 10 કિલોમીટર ફરીને જવું પડે છે. તો ચોમાસામાં વરસાદને લઈને જઈ શકાતું નથી. જેથી પ્રવાસીઓ અને સ્થાનિકોની માંગ છે કે રોડાના મંદિરોને તંત્ર પ્રવાસન ધામમાં મૂકે તો રસ્તો પહોળો જેને લઈને પ્રવાસીઓ આવી શકે.

1/3

ગુજરાતીઓના પ્રાણીપ્રેમની સાક્ષી પૂરે છે આ મંદિર

ગુજરાતીઓના પ્રાણીપ્રેમની સાક્ષી પૂરે છે આ મંદિર

ઇતિહાસકારોનું માનવું છે કે આ પ્રાચીન મંદિરની સ્થાપત્ય શૈલીમાં ચૌલુક્ય શૈલીની બાંધકામકળા જોવા મળે છે. આ મંદિરના સ્થાપત્યમાં સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દિવાલો ઉપર ઉપસાવેલી ભાતવાળી કિનારીઓ પરથી આ મંદિરનું નિર્માણ સાતમી અને નવમી સદી વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર પ્રાચીન સમયથી ગુજરાતીઓના પશુ પક્ષીપ્રેમની સાક્ષી પૂરે છે. રાઇસિંગપુરા રોડાના મંદિર તરીકે ઓળખાતા કુલ સાત જેટલા મંદિરો આ કેમ્પસમાં આવેલા છે. પરંતુ હાલ આ તમામ મંદિર ખંડેર હાલતમાં છે. આ સાથે સરકારે આ જગ્યાને પર્યટન સ્થળ તારીખે જાહેર તો કરી છે, પણ તેનો વિકાસ માત્ર ને માત્ર કાગળ ઉપર રહ્યો છે. આ મંદિરની ખાસ ખાસિયત એ છે કે, આ મંદિરના ચણતરમાં કયાંય ચૂનો કે અન્ય પદાર્થનો ઉપયોગ થયો નથી. માત્ર પથ્થરને વિશિષ્ટ રીતે ઘડીને એક બીજામાં જડી દેવામાં આવ્યા છે. આ મંદિરોના સમૂહમાં જ એક પક્ષી મંદિર આવેલું છે.

2/3

કાળક્રમે મંદિરોનો નાશ થતો ગયો

કાળક્રમે મંદિરોનો નાશ થતો ગયો

હમીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મણિલાલ પ્રજાપતિ કહે છે કે, પક્ષી મંદિરની પાસે શિવ મંદિર અને તેના થોડા અંતરે વિષ્ણુ મંદિર આવેલું છે. મંદિરના આગળના ભાગે આવેલા કુંડની ચારે ખૂણે અન્ય મંદિરો છે. કુંડની અંદરના મંદિરોમાં એક ખૂણે વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને બીજા ખૂણે માતાજીની મૂર્તિઓ છે. તેની સામે છેડે ગણપતિની મોટી મૂર્તિ અને નવગ્રહ મંદિર પણ છે. એવું માનવામાં આવે છે કે, એક સમયે અહીં કુલ 125 જેટલા મંદિરો હતા. જેનો કાળક્રમે નાશ થતો ગયો. રોડાના આ સાત મંદિરો સાતમી સદીના હોવાનું મનાય છે. તેના મંદિર સમૂહોમાંનું જ એક પક્ષી મંદિર પણ છે અને પક્ષીઓનું મંદિર વિશ્વમાં માત્ર સાબરકાંઠા ખાતે જ આવેલ છે. જેનો ઇતિહાસ પણ જાણવો અત્યારે શક્ય નથી. પરંતુ સરકાર જો આ જગ્યાને વિકસિત કરવા માટે યોગ્ય પગલાં લે તો આ જગ્યા જોવાને પૌરાણિક વારસો અત્યારની પેઢીને જોવા મળી શકે તેમ છે. પરંતુ આ જગ્યાનો વિકાસ અત્યારના સમયમાં માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહ્યો છે. મંદિર સુધી પહોંચતો બે કિલોમીટરનો રોડ પણ વ્યવસ્થિત નથી બનાવાયો. જેને લઈને ફરીને ૧૦ કિમી દુર ખેડ થઈને રોડાના મંદિરે જવું પડે છે. આ કારણે અહી પ્રવાસીઓ આવતા નથી. આ સ્થળને પ્રવાસન ધામમાં મૂકવામાં આવે તો રોડ રસ્તાથી વંચિત રોડાના મંદિરો વિકસિત થઈ શકે છે. 

3/3

સરકાર મંદિર માટે ક્યારે જાગશે

સરકાર મંદિર માટે ક્યારે જાગશે

રોડા રાયસિંગપુર એક પૌરાણિક જગ્યા છે, પરંતુ સરકાર આ જગ્યાને વિકસિત કરવામાં હજુ પણ પાછી પાની કરી રહી છે. પરંતુ તેનો જો યોગ્ય વિકાસ કરવામાં આવે તો આ જગ્યા જોવા જે લોકો આવશે તે પણ દિલ થી કહેશે કે વાહ શુ પૌરાણિક મંદિર અને વિશ્વનું માત્ર એક પક્ષી મંદિર છે.