શનિદેવનું જન્મસ્થળ ગણાય છે ગુજરાતનું આ સ્થળ, કુંડમાં સ્નાન કરવાથી ઉતરી જાય છે પનોતી

Hathla Shanidev: મહારાષ્ટ્રના શિંગડાપુરના શનિદેવના પુસ્તકમાં આ શનિદેવનું મુખ્ય સ્થાન સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલું છે, તેવું લખવામાં આવેલું છે. શનિદેવના જન્મ સ્થળ હાથલાના હાથીની સવારીવાળા શનિદેવના દર્શન કરવા જેવા છે. હાથલામાં આવેલા મંદિરમાં સ્ત્રી અને પુરુષ તથા બાળકો સૌ કોઇને સમાનતા દર્શાવીને અહિં દર્શન કરવાનો લાભ આપવામાં આવે છે.

શનિદેવનું જન્મસ્થળ ગણાય છે ગુજરાતનું આ સ્થળ,  કુંડમાં સ્નાન કરવાથી ઉતરી જાય છે પનોતી

Birth place of Shanidev: પોરબંદરથી 27 કિલોમીટર દૂર હાથલા ગામ શનિ જન્મસ્થળ તરીકે ઓળખાય છે. હાથલા ગામ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાનું એક નાનું એવું ગામ જેમા માત્ર 1713ની વસ્તી છે. આ સ્થળે શનિદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ પણ પૈરાણિક અને રોચક છે. આ મંદિરે ગુજરાત નહિ પરંતુ સમગ્ર ભારતમાંથી લોકો દર્શનાર્થે આવે છે. શનિદેવના આ મંદિરની ખાસિયતો તથા બીજી રોચક વાતો અહીં આપણે જાણીએ.

કેવી રીતે થયું મંદિરનું નિર્માણ 
કહેવાય છે કે મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઇ શનિ મહારાજ હાથી પર બિરાજમાન થઇને જે જગ્યાએ પ્રગટ થયા તે સ્થળ એટલે હસ્તીન સ્થળ. પ્રાચીનકાળનું હસ્તીન સ્થળ, મધ્યકાળમાં હત્થીથલ અને અર્વાચીનકાળમાં હાથલા, જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન થઇને પ્રગટ થયા તે આજનું હાથલા ગામ તરીકે ઓળખાવા લાગ્યું છે. શનિદેવના જન્મસ્થળને લઈને અનેક લોકવાયકાઓ રહેલી છે. પુરાણોમાં શનિદેવના જન્મસ્થાનને લઈને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં શનિદેવના જન્મસ્થાન નજીક સ્મશાન આવેલું છે તેમજ નદી, પીપળો, ઉકરડો આ તમામનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અહીં જોવા મળે છે. જેને લઈને આ સ્થળ શનિદેવનું શનિદેવનું સ્થાનક હોવાનું પૂરવાર થાય છે.

પાંડવોએ પણ અહિ આવી કર્યા શનિના દર્શન 
હાથલા ગામે શનિમંદિરની બહાર શનિકુંડ આવેલો છે. આ શનિકુંડમાં સ્નાનની એવી લોકવાયકા છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલા પાંડવો કૌરવો સામે ચોપાટ રમીને હારી ગયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને કહ્યું કે, તમારી ઉપર શનિદેવની અવકૃપા ચાલે છે. તેથી તમે પાંચેય ભાઈઓ શનિધામ હાથલા જઈને શનિકુંડમાં સ્નાન કરી, શનિદેવનું પૂજન-અર્ચન કરો જેથી શનિદેવ તમારા પર કૃપા વરસાવશે. એટલે એવી પણ માન્યતા છે, કે આ મંદિરનું નિર્માણ મહાભારત કાળ દરમિયાન પણ થયું હોઇ શકે છે.

આ મંદિરને પનોતીનું મંદિર પણ કહેવાય છે 
આ મંદિર અનિષ્ટ બળોના સમયનું મંદિર છે,  ગર્ભગૃહની બાજુમાં લંબાવેલું પગતું 7મી સદીનું છે. પનોતીને રીઝવવાનો હેતું એના નિર્માણ પાછળ છે. પનોતી એટલે અનિષ્ટની દેવી અને પવનપુત્ર હનુમાને તેને પોતાના પગની નીચે ધરબી દીધા છે. એવાં ચિત્રાંકનો ક્યાંક જોવા મળે છે. સાથે મંદિરને મંડપ હોવાની શક્યતાઓ છે. અને સમય અનુસાર ફેરફાર થયા હોય તેવા પુરાવાઓ પણ મળી રહ્યા છે.  

શું છે મંદિરનું મહત્વ 
હાથલા ગામ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાનું એક નાનું એવું ગામ છે, જ્યાં શનિદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. હાથલા ગામે જવા માટે પોરબંદરથી વાયા બગવદર ગામ થઈને જઈ શકાય છે, જ્યારે જામનગરથી વાયા ખંભાળીયા પોરબંદર તરફ આવતા રસ્તેથી હાથલા ગામે જઈ શકાય છે. ત્યારબાદ પાંડવોએ શનિધામ હાથલામાં શનિદેવનું પૂજન-અર્ચન કર્યા બાદ કુરૂક્ષેત્રના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આજે પણ હજ્જારો શનિભક્તો શનિકુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. ખાસ કરીને આ કુંડમાં સ્નાન કરીને પનોતી ઉતારવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. શનિ જયંતીના દિવસે સમગ્ર ગુજરાત અને ભારત ભરમાંથી લોકો અહિં શનિદેવના દર્શન કરવા માટે આવે છે.

શનિ શિંગડાપુર મંદિરનુ મુખ્ય સ્થાન હાથલા માનવામાં આવે છે 
મહારાષ્ટ્રના શિંગડાપુરના શનિદેવના પુસ્તકમાં આ શનિદેવનું મુખ્ય સ્થાન સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલું છે, તેવું લખલવામાં આવેલું છે. શનિદેવના જન્મ સ્થળ હાથલાના હાથીની સવારીવાળા શનિદેવના દર્શન કરવા જેવા છે. મહારાષ્ટ્રના શીંગળાપુર શનિદેવ મંદિરમાં મહિલાઓને દર્શન કરવાને લઇને વિવાદ વકર્યો હતો. ત્યારે હાથલામાં આવેલા મંદિરમાં સ્ત્રી અને પુરુષ તથા બાળકો સૌ કોઇને સમાનતા દર્શાવીને અહિં દર્શન કરવાનો લાભ આપવામાં આવે છે.

આ છે આકર્ષણનું કેન્દ્ર 
મુખ્ય આકર્ષણો: શનિદેવના હાથલા મંદિરના આકર્ષણોની વાત કરીએ તો આ મંદિરમાં શનિદેવની સાથે-સાથે સાડા સાતી અને અઢી વર્ષની પનોતીની પ્રતિમાઓ પણ બિરાજે છે. સાડા સાતી અને અઢીની પનોતીની પણ પૂજા-અર્ચના કરી પનોતીનો પ્રકોપ હળવો થાય તેવી પ્રાર્થના કરે છે. મહત્વનું છે, કે આ મંદિરની બાજુમાં સૂર્યમંદિર,બગવદર ગામમાં આવેલું છે. દ્વારકા પાસે આવેલા શ્રી કૃષ્ણનું મંદિર પણ આહિથી નજીક થાય છે.  

શનિની વાવ, હાથલા કુંડ અને વાવ એક સાથે 
વાવ અને કુંડ બંન્નેના લક્ષણો ધરાવતી અહિં આવેલી આ વાવ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે નથી, પનોતી મંદિરની બાજુમાં આવેલી છે. અને 9મી કે 10 સદીમાં આ વાવનું નિર્ણાણ થયું હશે, આ વાવ 11.30 મીટર લાંબી અને 6 મીટર જેટલી પહોળી છે. વાવ અને કુંડમાં ઉતરવા માટે અહિં પગથિયાંની વ્યવસ્થા કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news