ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા વિરાટ ઈજાગ્રસ્ત, કાઉન્ટી ક્રિકેટ રમશે કે નહીં? BCCIએ કરી સ્પષ્ટતા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું કાઉન્ટી ક્રિકેટ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં રમવું ડામાડોળ જોવા મળી રહ્યું હતું પરંતુ હવે બીસીસીઆઈએ આ મામલે સ્પષ્ટતા કરી છે.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું કાઉન્ટી ક્રિકેટ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં રમવું ડામાડોળ જોવા મળી રહ્યું હતું પરંતુ હવે બીસીસીઆઈએ આ મામલે સ્પષ્ટતા કરી છે. બીસીસીઆઈના જણાવ્યાં મુજબ થાક અને ઈજાના કારણે વિરાટ સર્રે માટે કાઉન્ટી સત્રમાં થોડીક જ મેચ રમી શકશે. કોહલી હોસ્પિટલમાં જોવા મળ્યા બાદ તેની ચોટને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. કોહલી ચેકઅપ માટે મુંબઈની એક હોસ્પિટલમાં ગયો હતો અને ત્યારબાદ અહેવાલો આવ્યાં હતાં કે તેને સ્લિપ ડિસ્ક થઈ ગયું છે અને તે ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા સર્રે માટે કાઉન્ટી ક્રિકેટ રમી શકશે નહીં.
હકીકતમાં એક મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈના ઓર્થોપેડિક સર્જેને વિરાટને એ પણ જણાવ્યું હતું કે તેણે ઈંગ્લેન્ડ પ્રવાસની કેટલીક મેચો છોડવી પડી શકે છે. કહેવાયુ હતું કે વિરાટને સ્પાઈનલ નર્વ્સની સમસ્યા છે. જો કે ડોક્ટરોએ તેને ઓપરેશનની સલાહ આપી નથી પરંતુ રિપોર્ટ મુજબ ડોક્ટરોએ તેમને એમ કહ્યું હતું કે ઈજા ગંભીર હોવાને કારણે તેણે ઈંગ્લેન્ડ પ્રવાસની કેટલીક મેચોમાંથી બહાર રહેવું પડી શકે છે.
બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ જો કે સ્પષ્ટ કર્યું કે તેની ગરદનમાં મોચ આવી છે, વિરાટને સ્લિપ ડિસ્ક થયું નથી. અધિકારીએ કહ્યું કે વિરાટની સાથે થાકનો મુદ્દો છે પરંતુ આ કાર્યભાર મેનેજમેન્ટની વાત છે. સ્લિપ ડિસ્ક થયું નથી. અમે તેના કાર્યભાર પર નજર રાખી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે અમે જોઈ રહ્યાં છીએ કે કાઉન્ટી સત્રમાં તેના ઉપર વધુ ભાર ન પડે. તે બે ચાર દિવસની મેચ રમશે પરંતુ 50 ઓવરોવાળી રોયલ લંડન કપની પાંચ મેચો રમી શકશે નહીં.
સ્લિપ ડિસ્ક અંગે પૂછવા પર અધિકારીએ કહ્યું કે વિરાટે ગઈ કાલે જ સરકારના ફિટનેસ ચેલેન્જ અંતર્ગત પોતાનો ફિટનેસ વીડિયો નાખ્યો છે અને આ વીડિયો ગઈ કાલે જ બનાવવામાં આવ્યો છે. કોહલીને ખેલમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસ મુહિમ 'હમ ફિટ તો ઈન્ડિયા ફિટ' માં ટેગ કર્યો હતો. જેના જવાબમાં કોહલીએ જિમમાં વર્જિશ કરતા પોતાનો ફિટનેસ વીડિયો નાખ્યો હતો.
ખારની એક હોસ્પિટલમાં કરોડરજ્જૂના ડોક્ટર પાસે તે કેમ ગયો હતો તે સવાલના જવાબમાં અધિકારીએ કહ્યું કે વિરાટને રાજસ્થાન રોયલ્સ સામેની આઈપીએલની મેચમાં ગરદનમાં મોચ આવી હતી. દુખાવો ઓછો થઈ ગયો પરંતુ તે સાવચેતી રૂપે ચેકઅપ માટે આવ્યો હતો.
આગામી જૂન મહિનામાં વિરાટે ઈગ્લિંશ કાઉન્ટી ક્રિકેટમાં સર્રે તરફથી રમવાનું છે. એવું કહેવાયું હતું કે કાઉન્ટી ક્રિકેટમાં રમવું એ જુલાઈમાં ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારીઓનો એક ભાગ છે. અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલીનું પ્રદર્શન સારું રહ્યું નથી. વિરાટે છેલ્લા પ્રવાસમાં ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચોમાં 134 રન જ બનાવ્યાં હતાં. તે ઈંગ્લેન્ડ પ્રવાસમાં એક પણ ફિફ્ટી બનાવી શક્યો નહતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે