બે બેટ્સમેનોએ મળીને બનાવ્યાં 1500થી વધારે રન, 46 સિક્સ અને 175 ચોક્કા, છતાં ટીમ ઈન્ડિયામાં ન મળી જગ્યા

કર્ણાટકના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા, ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પહેલીવાર ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

બે બેટ્સમેનોએ મળીને બનાવ્યાં 1500થી વધારે રન, 46 સિક્સ અને 175 ચોક્કા, છતાં ટીમ ઈન્ડિયામાં ન મળી જગ્યા

નવી દિલ્લી: ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. કર્ણાટકના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા, ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પહેલીવાર ભારતીય ટીમમાં પસંદ કરાયા છે. કૃષ્ણા અને કૃણાલને વિજય હજારે ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવાથી અને સૂર્યકુમારને ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝમાં શાનદાર બેટિંગનું ઈનામ મળ્યું છે. જ્યારે નવદીપ સૈની, મયંક અગ્રવાલ જેવા નામ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. વન-ડે સિરીઝની શરૂઆત 23 માર્ચથી શરૂ થશે. પરંતુ તેના માટે બે ખેલાડી એવા રહ્યા, જેમણે રનનો મોટો ઢગલો કર્યા પછી ટીમમાં સ્થાન ન મેળવી શક્યા. આ બે ખેલાડી છે પૃથ્વી શૉ અને દેવદત્ત પડિક્કલ.

શૉ અને પડિક્કલનું પ્રદર્શન:
બંને ખેલાડીઓેએ હાલમાં વિજય હજારે ટ્રોફીમાં ઘણા રન બનાવ્યા હતા. સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનમાં બંને સૌથી આગળ રહ્યા. બંનેએ મળીને કુલ 1564 રન બનાવ્યા. પૃથ્વી શૉ જમણા હાથનો, તો દેવદત્ત પડિક્કલ ડાબા હાથનો બેટ્સમેન છે. મુંબઈના બેટ્સમેન શૉએ ટુર્નામેન્ટમાં સૌથી વધારે 827 રન બનાવ્યા. આ દરમિયાન તેની સરેરાશ 165.40ની અને સ્ટ્રાઈક રેટ 138.29ની રહી. તેણે આઠ મેચમાં ચાર સદી અને એક અર્ધસદી ફટકારી. ચાર સદીમાંથી એક બેવડી સદી રહી. તેણે આ સિરીઝમાં કુલ 105 ચોક્કા અને 25 સિક્સર ફટકારી. શૉએ તેની સાથે જ પોતાની કેપ્ટનશીપમાં મુંબઈને ચેમ્પિયન બનાવ્યું. તેણે હજુ સુધી ભારત માટે વન-ડે કે ટી-20 મેચ રમી નથી. જોકે તે ટેસ્ટમાં ડેબ્યુ કરી ચૂક્યો છે.

પડિક્કલ પણ પાછળ ન રહ્યો:
કર્ણાટકના બેટ્સમેન દેવદત્ત પડિક્કલે સાત મેચમાં 737 રન બનાવ્યા. તેણે ચાર સદી અને ત્રણ અર્ધસદી ફટકારી. તેનો અર્થ એ થયો કે તે એકવાર પણ ટુર્નામેન્ટમાં 50 રનથી ઓછા સ્કોરે આઉટ થયો નથી. તેણે 147.40ની એવરેજની સાથે રન બનાવ્યા. તેના બેટમાંથી 70 ચોક્કા અને 21 સિક્સ નીકળી. તે હજુ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શક્યો નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેણે સતત રનના ઢગલા કર્યા છે. વર્ષ 2020માં આઈપીએલ અને તેની પહેલા વિજય હજાર-સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ 20 વર્ષનો પડિક્કલ સફળ રહ્યો હતો.

શું ધવનની જગ્યાએ મળી શકે તેમ હતી તક:
ટીમ ઈન્ડિયાની પસંદગીમાં બીસીસીઆઈએ કોઈ જાણકારી તો આપી નહતી. પરંતુ માનવામાં આવે છે કે ઓપનિંગ અને ટોપ ઓર્ડરમાં જગ્યા ન હોવાના કારણે આ બંને ક્રિકેટર બહાર રહ્યા. પડિક્કલ અને શૉ બંને ઓપન કરે છે. હાલ ટીમ ઈન્ડિયા પાસે રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન અને શુભમન ગિલના રૂપમાં ઓપનિંગ માટે ચાર પ્લેયર છે. જોકે નવા ખેલાડીઓને પરખવા માટે શૉ અને પડિક્કલને તક આપવી જોઈતી હતી. કેમ કે ધવન હાલ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. તો તેની જગ્યાએ પડિક્કલને સ્થાન મળી શકે તેમ હતું. ધવને વિજય હજારે ટ્રોફીમાં પણ પાંચ મેચમાં માત્ર 203 રન બનાવ્યા હતા. જેમાં એક સદી ફટકારી હતી. પરંતુ બે વખત તે ખાતું પણ ખોલી શક્યો ન હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news