ICC Test Rankings: સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સ નંબર-1, જોફ્રા આર્ચરને થયો મોટો ફાયદો

સોમવારે આઈસીસીએ જાહેર કરેલા નવા ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. 

ICC Test Rankings: સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સ નંબર-1, જોફ્રા આર્ચરને થયો મોટો ફાયદો

નવી દિલ્હીઃ એશિઝ સિરીઝ પૂર્ણ થયા બાદ આઈસીસી (ICC)એ ટેસ્ટ રેન્કિંગની (ICC Test Rankings) જાહેરાત કરી છે. બેટિંગમાં સ્ટીવ સ્મિથે નંબર-1નું સ્થાન વધુ મજબૂત કર્યું છે. તો બોલરોના રેન્કિંગમાં પેટ કમિન્સનો દબદબો યથાવત છે. બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે. જ્યારે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને મોટો ફાયદો થયો છે. 

સોમવારે આઈસીસીએ પોતાના તાજા ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી હતી. એશિઝ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને યથાવત છે. તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીથી 34 પોઈન્ટ આગળ છે. પ્રથમ સ્થાન પર રહેલા સ્મિથની પાસે 937 પોઈન્ટ છે જ્યારે કોહલી 904 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. 

ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન (878) છે જ્યારે ચોથા સ્થાન પર ચેતેશ્વર પૂજારા (825) છે. પાંચમાં સ્થાન પર ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન હેનરી નિકોલસ (749) છે. 

બોલરોના રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પ્રથમ સ્થાને યથાવત છે. જ્યારે બીજા સ્થાને કગિસો રબાડા છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ત્રીજા સ્થાને વિન્ડીઝનો જેસન હોલ્ડર ચોથા અને આફ્રિકાનો ફિલાન્ડર પાંચમાં સ્થાને છે. 

એશિઝ સિરીઝથી ટેસ્ટ કરિયરની શરૂઆત કરનાર ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ટોપ-40 બોલરોની યાદીમાં જગ્યા બનાવી લીધી છે. આર્ચરને 5 સ્થાનનો ફાયદો થયો છે અને તે 37મા સ્થાને પહોંચી ગયો છે. આર્ચરે છેલ્લી એશિઝ ટેસ્ટ મેચમાં કુલ 6 વિકેટ ઝડપી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news