IND vs SL: ભારત રેકોર્ડ આઠમી વખત એશિયા કપમાં ચેમ્પિયન, ફાઈનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું

Asia Cup 2023 Final: આઈસીસી વિશ્વકપ-2023 પહેલા ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર અંદાજમાં એશિયા કપ કબજે કર્યો છે. ભારતીય ટીમે પાંચ વર્ષ બાદ કોઈ મલ્ટીનેશન ટૂર્નામેન્ટ કબજે કરી છે. ભારતે ફાઈનલમાં શ્રીલંકાને પરાજય આપ્યો છે. 
 

IND vs SL: ભારત રેકોર્ડ આઠમી વખત એશિયા કપમાં ચેમ્પિયન, ફાઈનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું

કોલંબોઃ મોહમ્મદ સિરાજની છ વિકેટની મદદથી ભારતીય ટીમે એશિયા કપ-2023ની ફાઈનલમાં શ્રીલંકાને 10 વિકેટે પરાજય આપી રેકોર્ડ આઠમી વખત ટ્રોફી જીતી છે. વિશ્વકપ પહેલા એશિયન ચેમ્પિયન બનીને રોહિત સેનાએ અન્ય ટીમોને મેસેજ મોકલી આપ્યો છે. એશિયા કપની ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ માત્ર 15.2 ઓવરમાં 50 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે 6.1 ઓવરમાં વિના વિકેટે 51 રન બનાવી 10 વિકેટે જીત મેળવી હતી. શુભમન ગિલ 19 બોલમાં 6 ચોગ્ગા સાથે 27 અને ઈશાન કિશન 23 રન બનાવી અણનમ રહ્યો હતો. 

શ્રીલંકા 50 રનમાં ઓલઆઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમનો ધબડકો થયો હતો. ભારતીય ફાસ્ટ બોલરોનો સામનો કરવામાં શ્રીલંકાના તમામ બેટર નિષ્ફળ રહ્યાં હતા અને ટીમ માત્ર 15.2 ઓવરમાં 50 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રન બનાવ્યા હતા. આ સિવાય દશુન હેમંથાએ 13 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય શ્રીલંકાનો કોઈ બેટર બે આંકડામાં પહોંચી શક્યો નહીં. 

મોહમ્મદ સિરાજનો ઘાતક સ્પેલ
ભારતને એશિયા કપમાં ચેમ્પિયન બનાવવામાં મોહમ્મદ સિરાજ હીરો રહ્યો હતો. સિરાજે ફાઈનલમાં  શાનદાર બોલિંગ કરી શ્રીલંકન ટીમની કમર તોડી નાખી હતી. મોહમ્મદ સિરાજે કરિયરનું બેસ્ટ પ્રદર્શન કરતા 7 ઓવરમાં 21 રન આપી 6 વિકેટ ઝડપી હતી. સિરાજે ઈનિંગની ચોથી ઓવરમાં ચાર વિકેટ પણ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે માત્ર 16 બોલમાં પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. 

ભારત રેકોર્ડ આઠમાં વખત ચેમ્પિયન
ભારતીય ટીમ શ્રીલંકાને હરાવી આઠમી વખત એશિયા કપમાં ચેમ્પિયન બની છે. ભારતીય ટીમ આ પહેલા સાત વખત એશિયા કપની ટ્રોફી જીતી ચુકી છે. ભારતીય ટીમે વર્ષ 1984, 1988, 1991, 1995, 2010, 2016 અને વર્ષ 2018માં એશિયા કપ કબજે કર્યો હતો. ભારત એશિયા કપની સૌથી સફળ ટીમ છે. ત્યારબાદ શ્રીલંકાએ છ વખત એશિયા કપ જીત્યો છે. 

ફાસ્ટ બોલરોએ ઝડપી તમામ 10 વિકેટ
ભારત તરફથી મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 1 મેડન સાથે 21 રન આપી છ વિકેટ લીધી હતી. આ સિવાય હાર્દિક પંડ્યાએ 3.3 ઓવરમાં 3 રન આપી 3 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહને એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news