IND vs SL: ત્રીજી ટી20માં ભારતનો 7 વિકેટે પરાજય, શ્રીલંકાએ 2-1થી સિરીઝ કબજે કરી

ભારતીય બેટ્સમેનોના ખરાબ પ્રદર્શન બાદ અંતિમ ટી20 મેચમાં શ્રીલંકાએ સાત વિકેટે જીત મેળવી સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. 
 

IND vs SL: ત્રીજી ટી20માં ભારતનો 7 વિકેટે પરાજય, શ્રીલંકાએ 2-1થી સિરીઝ કબજે કરી

કોલંબોઃ શ્રીલંકાએ નિર્ણાયક ટી20 મેચમાં ભારતને 7 વિકેટે પરાજય આપી ત્રણ મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. ઘણા સમય પછી શ્રીલંકાની ક્રિકેટ ટીમે કોઈ સિરીઝ પોતાના નામે કરી છે. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 81 રન બનાવી શકી હતી. જેના જવાબમાં શ્રીલંકાએ 14.3 ઓવરમાં 82 રન બનાવી સિરીઝ કબજે કરી હતી. પ્રથમ ટી20 મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. ત્યારબાદ બીજી અને ત્રીજી મેચમાં શ્રીલંકાની ટીમ જીત મેળવવામાં સફળ રહી છે. 

ભારતે આપેલા 82 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાને ટીમને અવિશ્કા ફર્નાન્ડોના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો ફર્નાન્ડો 12 રન બનાવી રાહુલ ચહરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ચહરે મિનોદ ભાનુકા (18)ને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. શ્રીલંકાને સમરવિક્રમા (6)ના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. આ સફળતા પણ રાહુલ ચહરને મળી હતી. 

અંતમાં ધનંજય ડિ સિલ્વા અણનમ 23 અને હસરંગાએ અણનમ 14 રન બનાવી ટીમને જીત અપાવી હતી. ભારત તરફથી ત્રણેય વિકેટ રાહુલ ચહરે ઝડપી હતી. 

ભારતની ઈનિંગ, બેટ્સમેનોએ કર્યા નિરાશ
ભારતીય ટીમ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરી, પરંતુ કેપ્ટન શિખર ધવન ઈનિગંના ચોથા બોલે શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો. તેને સુશમાંતા ચમીરાએ ધનંજય ડિ સિલ્વાના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. બીજો ઝટકો ભારતને દેવદત્ત પડિક્કલના રૂપમાં લાગ્યો જે રન આઉટ થયો હતો. પડિક્કલે 15 બોલમાં 9 રન બનાવ્યા હતા. ભારતને ત્રીજો ઝટકો સંજૂ સેમસનના રૂપમાં લાગ્યો જે હસરંગાના બોલ પર lbw આઉટ થયો હતો. 

પાંચમી ઓવરના અંતિમ બોલ પર ભારતને ચોથો ઝટકો લાગ્યો, જ્યારે હસરંગાએ રુતુરાજ ગાયકવાડને આઉટ કર્યો હતો. જેણે 10 બોલમાં 14 રન બનાવ્યા હતા. ભારતે પાંચમી વિકેટ નીતીશ રાણાના રૂપમાં ગુમાવી, જે 15 બોલમાં માત્ર છ રન બનાવી શનાકાના બોલ પર આઉટ થયો હતો. ભુવનેશ્વર કુમાર 16 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ ચહર 5 રન બનાવી શનાકાનો શિકાર બન્યો હતો. 

શ્રીલંકાને આઠમી વિકેટ વરૂણ ચક્રવર્તીના રૂપમાં મળી જે શૂન્ય રને આઉટ થયો હતો. તેને વનિંદુ હસરંગાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. કુલદીપ યાદવ 23 રન બનાવી અણનમ રહ્યો, જે ભારતની ઈનિંગનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news