ટીમ ઈન્ડિયાનો કમાલ, મેલબોર્નમાં જીતની સાથે બનાવ્યો આ ખાસ રેકોર્ડ

India vs Australia ભારતે રવિવારે મેલબોર્નમાં ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવીને ખાસ સિદ્ધિ મેળવી છે.   

Updated By: Dec 30, 2018, 10:39 AM IST
ટીમ ઈન્ડિયાનો કમાલ, મેલબોર્નમાં જીતની સાથે બનાવ્યો આ ખાસ રેકોર્ડ
Photo (@cricketcomau)

મેલબોર્નઃ ભારતે રવિવારે મેલબોર્નમાં ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમાં અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવીને ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં 150 કે તેનાથી વધુ જીત મેળવનારો વિશ્વનો પાંચમો દેશ બન્યો છે. ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ નાથન લાયનને વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ કરાવીને ભારતને આ જીત અપાવી હતી. પંતનો આ શ્રેણીમાં 20મો શિકાર હતો અને તે કોઈપણ એક સિરીઝમાં સૌથી વધુ શિકાર કરનાર ભારતીય વિકેટકીપર બન્યો છે. 

ભારતે પોતાના 532મા ટેસ્ટમાં 150મી જીત મેળવી છે. ભારત સિવાય ઓસ્ટ્રેલિયા (384), ઈંગ્લેન્ડ (364), વેસ્ટ ઈન્ડિઝ (171) અને દક્ષિણ આફ્રિકા (162) આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયાની આ ટેસ્ટ ક્રિકેટમાં 222મી હાર છે અને તેનાથી વધુ હાર માત્ર ઈંગ્લેન્ડ (298)ના નામે નોંધાયેલી છે. વિરાટ કોહલીએ ભારતીય કેપ્ટનના રૂપમાં 45મી મેચમાં ટીમની આગેવાની કરતા 26મો વિજય મેળવ્યો છે. 

INDvsAUS: હવે અમારી નજર સિડની ટેસ્ટ પર, મેલબોર્નમાં જીત બાદ કેપ્ટન કોહલીનું નિવેદન

ભારતીય કેપ્ટનના રૂપમાં સૌથી વધુ જીત અત્યાર સુધી માત્ર ધોનીના નામે નોંધાયેલી છે. જેની આગેવાનીમાં ભારતે 60 ટેસ્ટ રમી અને તેમાંથી ટીમનો 27મા વિજય થયો હતો. કોહલીની આગેવાનીમાં વિદેશની ધરતી પર આ ભારતની 11મી જીત છે. 

આ જીત સાથે કોહલીએ સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરોબરી કરી લીધી જેના આગેવાનીમાં ભારતે વિદેશની ધરતી પર સૌથી વધુ 11 ટેસ્ટ જીતી હતી. ગાંગુલીની આગેવાનીમાં ભારતે કુલ 49 ટેસ્ટ રમી અને તેમાંથી ટીમે 21મા વિજય મેળવ્યો હતો. પંતે ચાર મેચોની સિરીઝના ત્રણ મેચોમાં 20 શિકાર કર્યા છે, જેથી તે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી સફળ ભારતીય વિકેટકીપર બની ગયો છે. 

INDvsAUS: ભારતે ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં ત્રીજીવાર હરાવ્યું, આ રહ્યાં જીતના 5 હીરો
 

પંતે નરેન તમ્હાને અને સૈયદ કિરમાણીનો રેકોર્ડ તોડ્યો છે. આ બંન્નેના નામે કોઈપણ સિરીઝમાં સર્વાધિક 19-19 શિકાર નોંધાયેલા હતા. તમ્હાને પાકિસ્તાન વિરુદ્ધ 1954/55મા પાંચ મેચોની સિરીઝ જ્યારે કિરમાણીએ પણ પાકિસ્તાન વિરુદ્ધ 1979/80મા છ મેચોની સિરીઝ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.