IPL 2019: હૈદરાબાદે પંજાબને 45 રને હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત

ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ની 48મી મેચમાં ડેવિડ વોર્નરની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબને 45 રને હરાવીને પ્લેઓફની ચાવી પોતાના હાથમાં રાખી છે.  
 

IPL 2019: હૈદરાબાદે પંજાબને 45 રને હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત

હૈદરાબાદઃ ડેવિડ વોર્નર (81)ની અડધી સદી બાદ રાશિદ ખાન (21/3) અને ખલીલ અહમદ (39/3)ની શાનદાર બોલિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે મહત્વના મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબને 45 રનથી પરાજય આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 212 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 167 રન બનવી શકી હતી. હૈદરાબાદનો 12 મેચમાં આ છઠ્ઠો વિજય છે. તેના 12 પોઈન્ટ થઈ ગયા છે. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમનો 12 મેચમાં આ સાતમો પરાજય છે. આ સાથે તેની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના હવે બીજી ટીમોના પરિણામ પર નિર્ભર રહેશે. આ માટે તેણે બાકીના બંન્ને મેચ પણ જીતવા પડશે. બીજી તરફ હૈદરાબાદ પોતાના બાકીના બંન્ને મેચ જીતે તો તે સીધી ક્વોલિફાઇ કરી જશે. 

213 રનનો પહાડી લક્ષ્ય હાસિલ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. ક્રિસ ગેલના રૂપમાં ટીમને પ્રથમ ઝટકો લાગ્યો હતો. તે ચાર રન બનાવીને ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. મનીષ પાંડેએ તેનો કેચ કર્યો હતો. મયંક અગ્રવાલ (27)ને રાશિદ ખાને આઉટ કર્યો હતો. મયંકે રાહુલની સાથે બીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. નિકોલસ પૂરન (21)ને ખલીલ અહમદે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

ત્યારબાદ રાશિદ ખાને ડેવિડ મિલર (11) અને રવિચંદ્રન અશ્વિન (0)ને સતત બે બોલમાં આઉટ કરીને હૈદરાબાદને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. કેએલ રાહુલ (79) અખીલ અહમદનો શિકાર બન્યો હતો. કેપ્ટન કેન વિલિયમસને શાનદાર કેચ ઝડપ્યો હતો. રાહુલે 56 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. સિમરન સિંહ 16 રન બનાવી સંદીપ શર્માની બોલિંગમાં LBW આઉટ થયો હતો. મુઝીબ ઉર રહમાન શૂન્ય રન પર બોલ્ડ થયો હતો. 

રાશિદ ખાનની ત્રણ વિકેટ
રાશિદ ખાને આ સિઝનમાં પોતાનું સર્વક્ષેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 21 રન આપીને 3 બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. રાશિદ ખાને મયંક અગ્રવાલ, ડેવિડ મિલર અને આર. અશ્વિનને આઉટ કર્યાં હતા. 

રાહુલના સિઝનમાં 500 રન
કિંગ્સ ઇલેવન પંજાબના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે હૈદરાબાદ સામે પણ અડધી સદી ફટકારી હતી. આ સિઝનમાં તેની પાંચમી અડધી સદી છે. તેણે સિઝનના 12માં મેચમાં 500 રન પણ પૂરા કર્યા હતા. 

વોર્નરે સિઝનમાં 9મી અડધી સદી ફટકારી
પંજાબે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટ પર 212 રન બનાવ્યા હતા. તેના તરફથી ડેવિડ વોર્નરે 81 રન બનાવ્યા હતા. તેણે 56 બોલની ઈનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા બતા. વોર્નરની આ 44મી અને સિઝનમાં 9મી અડધી સદી છે. સિઝનમાં આ તેની છેલ્લી મેચ છે. ત્યારબાદતે વિશ્વ કપની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા પરત ફરશે. પંજાબ માટે મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ અને મુરૂગન અશ્વિનને એક-એક સફળતા મળી હતી. 

હૈદરાબાદે પાવરપ્લેમાં બનાવ્યા 77 રન
ડેવિડ વોર્નર અને ઋૃદ્દિમાન સાહાએ ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 78 રન જોડ્યા હતા. હૈદરાબાદે પાવરપ્લેમાં 77 રન બનાવી લીધા હતા. સાહા 13 બોલ પર 28 રન બનાવીને મુરૂગન અશ્વિનનો શિકાર બન્યો હતો. વોર્નરે મનીષ પાંડે બીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. અશ્વિને મનીષ પાંડે (36) અને વોર્નરની વિકેટ એક જ ઓવરમાં ઝડપી હતી. કેન વિલિયમસન (14) અને મોહમ્મદ નબી (20)ને પેવેલિયન પરત મોકલ્યા હતા. રાશિદ ખાન (1)ને અર્શદીપે બોલ્ડ કર્યો હતો. વિજય શંકર 7 અને અભિષેક શર્મા 5 રન બનાવીને અણનમ રહ્યાં હતા. 

મુઝીબે આ સિઝનનો સૌથી મોંઘો સ્પેલ કર્યો
પંજાબના મુઝીબ ઉર રહમાને આ મેચમાં ચાર ઓવર બોલિંગ કરી હતી. તેણે આ દરમિયાન 66 રન આપ્યા હતા. મુઝીહને એકપણ સફળતા ન મળી. આઈપીએલ ઈતિહાસમાં કોઈપણ સ્પિનર દ્વારા આ સૌથી મોંઘો સ્પેલ છે. આ સિઝનનો પણ સૌથી મોંઘો સ્પેલ છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ટિમ સાઉદીએ કોલકત્તા વિરુદ્ધ 4 ઓવરમાં 61 રન આપ્યા હતા. પંજાબ માટે આ મેચમાં અર્શદીપે 42 રન આપ્યા હતા. પ્રથમવાર આઈપીએલ ઈતિહામાં કોઈપણ ટીમના ઓપનિંગ બોલરોએ 100+ રન આપ્યા છે. આ પહેલા પંજાબના અંકિત રાજપૂત (46) અને મોહમ્મદ શમી (53)એ મળીને બેંગલોર વિરુદ્ધ 99 રન આપ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news