KKR vs DC: કોલકત્તાની પ્લેઓફની આશા જીવંત, દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે આપ્યો પરાજય

કોલકત્તા નાઇટ રાઇડર્સે પ્લેઓફની આશા જીવંત રાખતા મહત્વની મેચમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે કોલકત્તાની ટીમના 10 પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.   

Updated By: Sep 28, 2021, 07:13 PM IST
KKR vs DC: કોલકત્તાની પ્લેઓફની આશા જીવંત, દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે આપ્યો પરાજય

શારજાહઃ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે આઈપીએલ-2021 (IPL 2021) ની 41મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (KKR vs DC) ને  3 વિકેટે પરાજય આપી પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ જીત સાથે કોલકત્તાના 11 મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તો દિલ્હી કેપિટલ્સનો આ ત્રીજો પરાજય છે. દિલ્હી 11 મેચમાં 8 જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટોસ હારી પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 127 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે 18.2 ઓવરમાં 130 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.  

કોલકત્તાની ઈનિંગનો રોમાંચ
દિલ્હીએ આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સે 28 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. વેંકટેશ અય્યર 14 રન બનાવી લલીત યાદવનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી 9 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં આઉટ થયો હતો. કોલકત્તાએ પાવરપ્લેમાં 2 વિકેટે 44 રન બનાવ્યા હતા. 

મોર્ગન ફરી ફ્લોપ 
કોલક્તાનો સ્કોર 67 રન હતો ત્યારે ટીમને બે ઝટકા લાગ્યા હતા. શુભમન ગિલ 30 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. તો કેપ્ટન મોર્ગનનું ફોર્મ કોલકત્તા માટે ચિંતાનો વિષય છે. મોર્ગન છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે સંઘર્ષ કરી રહ્યો છે. આજે પણ તે માત્ર બે બોલનો સામનો કરી શૂન્ય રને આઉટ થયો હતો. મોર્ગનને અશ્વિને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. દિનેશ કાર્તિક 12 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં બોલ્ડ થયો હતો.

આ પણ વાંચોઃ આખરે આ વર્ષ બાદ IPL ને પણ અલવિદા કહી દેશે MS Dhoni! સામે આવ્યું મોટુ કારણ  

સુનીલ નારાયણ 10 બોલમાં બે સિક્સ અને એક ફોર સાથે 21 રન બનાવી આઉટ થયો હતો. ટીમ સાઉદી 3 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં બોલ્ડ થયો હતો. નીતિશ રાણાએ 27 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 36 રન બનાવી કોલકત્તાને શાનદાર જીત અપાવી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી આવેશ ખાને 13 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય રબાડા, નોર્ત્જે, અશ્વિન અને લલીત યાદવને એક-એક સફળતા મળી હતી. 

નવી ઓપનિંગ જોડી સાથે દિલ્હીની શરૂઆત
આજે દિલ્હી કેપિટલ્સે નવી ઓપનિંગ જોડી સાથે શરૂઆત કરી હતી. શિખર ધવન સાથે સ્ટીસ સ્મિથ ઈનિંગની શરૂઆત કરવા આવ્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 35 રનની ભાગીદારી કરી હતી. શિખર ધવન 24 રન બનાવી લોકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. દિલ્હી કેપિટલ્સે પાવરપ્લેમાં 1 વિકેટે 39 રન બનાવ્યા હતા. 

દિલ્હીનું મિડલ ઓર્ડર ફ્લોપ
દિલ્હીને 40 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. શ્રેયસ અય્યર માત્ર 1 રન બનાવી સુનીલ નારાયણનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર 77 રન હતો ત્યારે સ્ટીવ સ્મિથ 34 બોલમાં 4 ચોગ્ગા સાથે 39 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં બોલ્ડ થયો હતો. શિમરોન હેટમાયર 4 રન બનાવી વેંકટેશ અય્યરનો શિકાર બન્યો હતો. લલીત યાદવ શૂન્ય રને નારાયણની ઓવરમાં આઉટ થયો હતો. 

કેપ્ટન રિષભ પંતે 36 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 39 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. આર અશ્વિન 9 રન બનાવી ટીમ સાઉદીનો શિકાર બન્યો હતો. કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી લોકી ફર્ગ્યુસન, સુનીલ નારાયણ અને વેંકટેશ અય્યરે બે-બે અને સાઉદીએ એક વિકેટ ઝડપી હતી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube